back to top
Homeગુજરાતમોદીની સુરક્ષા 3000 મહિલા પોલીસના હાથમાં:નવસારીના 'લખપતિ દીદી' કાર્યક્રમમાં વડાપ્રધાન જોડાશે, હેલિપેડથી...

મોદીની સુરક્ષા 3000 મહિલા પોલીસના હાથમાં:નવસારીના ‘લખપતિ દીદી’ કાર્યક્રમમાં વડાપ્રધાન જોડાશે, હેલિપેડથી લઈ ડોમ સુધીનાં તમામ સ્થળ પર જોવા મળશે વુમન પાવર

નવસારીમાં વાસી બોરસી ખાતે યોજાનાર ‘લખપતિ દીદી’ કાર્યક્રમમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિનના દિવસે યોજનારા આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યની ‘લખપતિ દીદી’ સહિત કુલ 1,50,000 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને બંદોબસ્તની તમામ વ્યવસ્થા મહિલાઓના શિરે રહેશે. હેલિપેડથી લઈ ડોમ સુધી તમામ સ્થળ પર વુમન પાવર જોવા મળશે. જે આ કાર્યક્રમની વિશેષતા બની રહેશે.
કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મહિલાઓના ખભે
મહત્ત્વપૂર્ણ ગણાતા આ કાર્યક્રમમાં સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી 3000 જેટલી મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ખભે છે. જેમાં 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પી.એસ.આઇ., 61 મહિલા પી.આઇ., 19 મહિલા ડી.વાય.એસ.પી., 05 મહિલા એસ.પી., 01 મહિલા ડી.આઇ.જી. અને 01 મહિલા અધિક પોલીસ મહાનિદેશક કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે. સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપૂર્ણા તોરવણે રહેશે. પુરુષ પોલીસ કર્મચારી ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળશે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓની સક્ષમતા સાબિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી આવી રહી છે લખપતિ દીદી
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય અને તાલીમથી સ્વરોજગાર પામેલી મહિલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી આશરે 1.5 લાખ જેટલી દીદી કાર્યક્રમમાં હાજર રહેશે. તેમને પાર્કિંગથી લઈને ડોમમાં લાવવા સુધીની જવાબદારી પણ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી છે. ગૃહમંત્રીએ મુલાકાત લઈ પોલીસકર્મીઓના ઉત્સાહમાં વધારો કર્યો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવસારીમાં કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં આવતી વૃદ્ધ, મહિલાઓ અને નાની બાળકીઓ સાથે સૌજન્યતાપૂર્વક વર્તન કરવાની અપીલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી છે. ગૃહમંત્રીએ મુલાકાત લઇ પોલીસ કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તેમની કામગીરી દેશ માટે દિશાસૂચક રહેશે તેવી વાત કરી હતી. કાર્યક્રમની તમામ વ્યવસ્થા પૂર્ણ કરાઈ
નવસારીમાં કલેક્ટર અને ડીડીઓ પણ મહિલા હોઇ વિશેષ જવાબદારી નિભાવવા તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં હાજર રહેનાર મહિલાઓ માટે એસટી બસની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. મંડપથી લઈ કાર્યક્રમ સ્થળ સુધી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અન્ય જવાબદારી પીએમ ઓફિસથી કરાઈ છે. સ્થાનિક લેવલે કાર્યક્રમની તમામ વ્યવસ્થા ઊભી કરી લેવાઇ છે. ‘મહિલા પોલીસ પણ પુરુષની જેમ જ સંપૂર્ણ વ્યવસ્થા કરી શકે છે તેઓ વિશ્વાસ છે’
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવસારીમાં કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે વાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સૌપ્રથમ વખત નરેન્દ્ર મોદીના શાસનમાં પોલીસ વિભાગમાં નોકરી માટે મહિલા અનામત આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લખપતિ દીદીના કાર્યક્રમમાં મહિલાઓને સુરક્ષાની જવાબદારી સોંપતા કેટલાકે મને કહ્યું કે, આ રિસ્ક તમે કેમ લીધું, ત્યારે મેં તેમને કહ્યું કે, આ રિસ્ક નથી પરંતુ મહિલા પોલીસ અધિકારીઓ પણ પુરુષની જેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વ્યવસ્થા કરી શકે છે તેઓ મને વિશ્વાસ છે, દેશની અન્ય રાજ્યની પોલીસ માટે આ એક ઉદાહરણ રૂપ કાર્યક્રમ બની રહેશે. મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ જોવા મળશે: શીતલ સોની
પ્રદેશ ભાજપના મંત્રી શીતલ સોની જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આઠમી તારીખના કાર્યક્રમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ અધિકારીઓ નિભાવશે. મહિલા સશક્તિકરણની માત્ર વાતો નથી, પરંતુ તેનું જીવંત ઉદાહરણ આ કાર્યક્રમમાં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments