લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી(7 માર્ચ, 2025) બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે.લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો. આગામી વિધાનસભાને અઢી વર્ષ કરતા વધુ સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધીએ 2027ના ચૂંટણી જંગ માટે રણશિંગુ ફૂંકવા કોંગ્રેસ કાર્યકરો માર્ગદર્શિત કરશે. છેલ્લે કર્ણાટકના બેલગાવીમાં મળેલી CWCની બેઠકમાં સંગઠનનું માળખું મજબુત કરવા પર ભાર મૂકાયો હતો. કેન્દ્રના સંગઠન વર્ષની શરૂઆત આજથી રાહુલ ગાંધી ગુજરાતમાં કરશે. આ બે દિવસમાં રાહુલ ગાંધી બ્લોક લેવલથી સિનિયર નેતાઓને મળશે. તમામના ફીડબેક મેળવ્યા બાદ કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફારો થશે. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી 7 માર્ચના રોજ સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 5 મિટિંગ યોજશે. આમ 9 કલાકમાં તે 1000 કોંગ્રેસીઓને મળશે. જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈ હાલના રાજ્યના તથા પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે. આમ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં જ બેસશે. ઉલ્લેખનીય છે કે, સાંજે 5 વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરશે.