દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (7 માર્ચ) સુરતમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારે વડાપ્રધાન મોદી ડિનરમાં સાત્ત્વિક ભોજનની લિજ્જત માણશે. ડિનરમાં પંચકૂટિયું અને બટાટાની સૂકી ભાજી અને તેની સાથે ભાખરી આરોગશે. આ સાથે જ પુલાવ-કઢી તેમજ છાશ પણ બનાવાશે. જ્યારે આવતીકાલે શનિવારે બ્રેકફાસ્ટમાં ચાની સાથે સુરતી લોચો, પાટુડી અને ઈડલીની જિયાફત માણશે. વડાપ્રધાન માટે સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે ગાંધીનગર સર્કિટ હાઉસના રસોઈયા સાથેની ટીમ સુરત આવી પહોંચી છે. ત્યારે એક સમયે જ્યારે પીએમ મોદી મુખ્યમંત્રી હતા અને દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે જેમના ઘરેથી ટિફિન જતું એવા સુરત ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલા સાથે દિવ્ય ભાસ્કરે વડાપ્રધાનના ટેસ્ટ અંગે ખાસ વાતચીત કરી હતી. મહારાષ્ટ્રમાં સુરતી જમણવારનાં મોદીએ વખાણ કર્યાં હતાં
વડાપ્રધાન મોદીના ભોજનના લિસ્ટમાં બે જ શાક હોવાથી બે શાક બને તેવી પ્રબળ સંભાવના છે. હાલમાં જ મહારાષ્ટ્રમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈએનએસ સુરત નામનું યુદ્ધ જહાજ સેનાને અર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાને સુરતના જમણનાં વખાણ કર્યાં હતાં. હવે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન સુરતી લોચો, ઈડલી અને પાટુડી આરોગશે. સર્કિટ હાઉસનો ચોથો માળ PM માટે રિઝર્વ
વડાપ્રધાન સુરત સર્કિટ હાઉસના ચોથા માળે આવેલા તાપી નામના રૂમમાં રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાનના રાત્રિ રોકાણને કારણે ચોથા માળની કાયાપલટ કરી દેવામાં આવી છે. રંગરોગાનથી માંડી લાઈટ પણ બદલી નાંખવામાં આવી છે. ચોથા માળે જવાના તમામ સંભવિત રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ચોથો માળ ફક્ત ને ફક્ત વડાપ્રધાન માટે રિઝર્વ રહેશે. મોદીને ટિફિન બનાવી એરપોર્ટ આપવા જતાંઃ નીતિન ભજિયાવાલા
તત્કાલિન મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે સુરત ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલાના ઘરેથી ટિફિન જતું હતું. તેમના ટિફિનમાં સાત્ત્વિક ભોજન જ બનાવીને મોકલવામાં આવતું હતું. માત્ર સીએમ ઓફિસમાંથી જાણ કરવામાં આવતી હતી કે, પીએમ મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો ટિફિન બનાવી મોકલી આપો. ત્યારે નીતિન ભજિયાવાલા તેમના પુત્ર અને પત્ની સાથે એરપોર્ટ ખાતે નરેન્દ્ર મોદીને ટિફિન આપવા જતાં હતાં. ‘વડાપ્રધાને મારા દીકરાના વજન અંગે ટકોર કરી હતી’
નીતિન ભજિયાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ખાય છે સ્વાદિષ્ટ પણ તેમના ભોજનમાં મરચું, ખાંડ અને તેલ ઓછું રાખવામાં આવતું હોય છે. જેથી જ્યારે મારા ઘરેથી ટિફિન જતું ત્યારે તેમના ભોજનમાં મરી નાખવામાં આવતા હતા. એકવાર તાપી તેમનો કાર્યક્રમ હતો, તે દરમિયાન તેમને એરપોર્ટ ખાતે ટિફિન આપવા ગયા હતા. ત્યારે મારો દીકરો પણ સાથે હતો અને તેનું વજન વધુ હોવાથી ટકોર પણ કરી હતી.