સ્ટેટ મોનીટરીંગ સેલે જિલ્લાના ડેસર નજીકના ફાર્મ હાઉસમાં દરોડો પાડી ગેરકાયદે ધમધમતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે.શેર બજારમાં રોકાણના નામે કરોડોની ઠગાઈ કરતી ગેંગ દ્વારા ચલાવવામાં આવતા આ કોલ સેન્ટરમાં કામ કરતા 10 ને પોલીસે ઝડપી પાડયા છે.અને મુખ્ય સૂત્રધાર સહિત બે ને ફરાર જાહેર કર્યા છે.પોલીસે આ ગેરકાયદે કોલ સેન્ટરમાં ઠગાઈ માટે વપરાતા 26 મોબાઇલ ફોન 8 સીમ કાર્ડ અને મોબાઇલ ડેટાની યાદી મળી કુલ 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જેની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો મોટી રકમની ઠગાઈ બહાર આવે એમ છે. ડેસર નજીકના વચ્છેસર ગામે એક ફાર્મહાઉસમાં આ કોલ સેન્ટર ધમધમતું હતું.જેમાંથી સોશિયલ મીડિયા ઉપર શેર બજારમાં રોકાણ સામે મોટા નફાની લાલચ આપતી લિંક મોકલવામાં આવતી હતી.અને રોકાણ માટે લલચાવી ગ્રાહકોને શરૂઆતમાં મોટો નફો દર્શાવવામાં આવતો હતો અને વધુને વધુ રકમ ઠગોના બેંક ખાતાઓમાં જમા કરાવવાં માટે રોકાણકારોને ફરજ પાડવામાં આવતી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલના પી.આઈ જી.આર.રબારી અને ટીમને દરોડો પાડવા સૂચના આપવામાં આવી હતી. ફાર્મ હાઉસમાં મહેસાણા જીલ્લાના 9 કોલ ઓપરેટર કોલ સેન્ટર ચલાવી ગ્રાહકોને લલચાવી રહ્યા હતા. પોલીસે આરોપીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. અને હાજર ફાર્મ હાઉસના માલિકને પણ ઝડપી પાડ્યો હતો.પોલીસે ઝડપેલા આરોપીઓની પૂછપરછ કરતા બધા કોલ ઓપરેટર મહેસાણા જીલ્લાના હોવાની કબૂલાત કરી હતી. અને અગાઉ કોલ સેન્ટર ચલાવતા ઝડપાયેલા એસ.કે.ઠાકોર કોલ સેન્ટરનો સંચાલક હોવાનું જણાવ્યું હતું.પોલીસે મુખ્ય સૂત્રધાર શૈલેષ ઠાકોર ઉર્ફે એસ.કે રહે સબલપુર તા.વડનગર જી મહેસાણા અને એનો ભાગીદાર અનિલ ઠાકોર રહે સબલપુરને ફરાર જાહેર કર્યા છે. જ્યારે ઝડપાયેલા આરોપીઓને વધુ કાર્યવાહી માટે ડેસર પોલીસ મથકે સોંપ્યા છે. કોલ સેન્ટરમાંથી ઝડપાયેલા આરોપી કોલ ઓપરેટર તમામ આરોપીઓ મહેસાણા જિલ્લાના છે, જ્યારે ફાર્મ હાઉસ માલિક વડોદરા જિલ્લાનો છે.