કેન્દ્રીય ગૃહમંત્રી આજે શનિવારે (8 માર્ચે) સૌરાષ્ટના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહનો આ પ્રવાસ બે દિવસનો રહેશે, જેમાં તેઓ સોમનાથ, જૂનાગઢ અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. કોડીનાર-તાલાલા સુગર મિલના પુનરુદ્ધાર તેમજ આધુનિકીકરણ કાર્યના ભૂમિપૂજન કાર્યક્રમમાં અમિત શાહનું સંબોધન આજે હું તાલાલાના કોડીનાર આવ્યો છું ત્યારે સૌને મારા રામરામ. 2012માં હું અને નરેન્દ્રભાઇ આખી રાત આ મિલમાં રોકાયા હતા. જે બાદ આ મિલ બંધ થઇ. મોદી સાહેબે વચન આપ્યું હતું કે તેમણે આ મિલને ફરી શરૂ કરશે. તેમણે તેમનું વચન નિભાવ્યું. ખેડૂતોની સમૃદ્ધીનું કામ આ મિલો શરૂ થવાથી થશે. સરકારી યોજનાઓનો લાભ આપી ખેડૂતોને સમૃદ્ધ કરવાનું કામ નરેન્દ્રભાઇએ કર્યું. તેમણે સૌથી મોટું કામ એ કર્યું કે, 75 વર્ષની ખેડૂતોની સહકાર મંત્રાલય અલગ બનાવવાની માગ પુરી કરી. દરેક ક્ષેત્રમાં સહકારિતા મંત્રાલયે 60 કરોડથી વધારે ખેતીના આધારે જીવન ગુજારતા લોકો માટે વિકાસના દ્વાર ખોલી નાખ્યા. આજે 10 હજાર ખેડૂતોના જીવનમાં આ મિલ શરૂ થવાથી પરિવર્તન થશે. કોંગ્રેસીયાઓના રાજમાં ખેડૂતો માટે ખાલી 22 હજાર કરોડનું બજેટ હતું. મોદી સાહેબે 6 ગણું બજેટ વધારવાનું કામ કર્યું. આખા દેશના ખેડૂતોને સાડા આઠ લાખ ધિરાણ આપવામાં આવતું હતું. જે આજે 50 હજાર કરોડ સુધી પહોંચ્યું છે. કિસાન ક્રૅડિટ કાર્ડની લિમિટ વધારીને 5 લાખ કરી. ઇન્ડિયન પોટાશ લિમિટેડે 10 હજારથી વધુ લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે. બધાની મારી વિનંતી છે પાણી બચાવાનું કામ ગુજરાતથી જ શરૂ થયું હતું. તો તેને બધા આગળ વધારજો. પોતાના ખેતરમાં ડીપ ઇરીગેશનની યોજના લાગુ કરજો. મોદી સાહેબે તેમનું વચન પાળ્યું હવે આપણે ડીપ ઇરિગેશનથી પાણી બચાવવાનું કામ કરવાનું છે. આ તકે હું સૌનો આભાર વ્યક્ત કરું છું. અમિત શાહે ધર્મપત્ની સાથે મહાદેવના દર્શન કર્યા. ત્યાંથી સોમનાથ VVIP ગેસ્ટહાઉસ ખાતે બપોરનું ભોજન લીધું. જે બાદ અમિત શાહ કોડીનારમાં શુગર મિલના પુનઃઉત્થાન કાર્યક્રમમાં પહોંચ્યા. કોડીનાર ખાતે અમિત શાહનું આગમન થતાં કાર્યક્રમ સ્થળના રૂટ પર તેમનું અદકેરું અભિવાદન કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રીએ પત્ની સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પત્ની સાથે શ્રી સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો, પૂજન સામગ્રી અર્પણ કરી સાથે જ ધ્વજા પૂજન અને મહાપૂજાનો સંકલ્પ કર્યો. ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું. અમિત શાહ ધર્મપત્ની સાથે સોમનાથ પહોંચ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના ધર્મપત્ની સાથે સોમનાથ પહોંચ્યા. હેલિપેડ ખાતે રેન્જ આઈ જી. નિલેશ ઝાંઝળિયા, એસ. પી. મનોહરસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જડેજા તેમજ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરી ભાઈ ઠકરાર, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજયભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, માનસિંગ પરમાર સહિતના ભાજપના પદાધિકારીઓ દ્વારા હેલિપેડ ખાતે અમિત શાહનું અભિવાદન કરાયું. કોડીનારમાં શુગર ફેક્ટરીના પુનઃઉત્થાન કાર્યક્રમમાં હાજરી આપશે
કોડીનારમાં તેઓ સહકારી શુગર ફેક્ટરીની મુલાકાત લેશે અને તેના પુનઃઉત્થાન કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે જ ત્યાં સહકારિતા મંત્રી અમિત શાહ અંદાજે 6થી 7 હજાર ખેડૂતને સંબોધન પણ કરશે. જે બાદ સાંજે ગૃહમંત્રી જૂનાગઢના ચાંપરડા ગામે બ્રહ્માનંદ આશ્રમમાં આવેલી કોલેજનું ઉદ્ઘાટન કરી અમદાવાદ પરત ફરશે. આ કાર્યક્રમની અંદર અમિત શાહ સાથે રાજ્યના કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, GSC બેન્કના ચેરમેન અજય પટેલ, સહકાર મંત્રાલયમાંથી પંકજકુમાર બંસલ, ડો.આશીષકુમાર બૂટાની, સાંસદ રાજેશ ચુડાસમા, આઈ.પી.એલ.ના એમ.ડી. પી.એસ.ગેહલોત સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહેશે. જડબેસલાક પોલીસ-બંદોબસ્ત તહેનાત
કેન્દ્રીય મંત્રી અમિત શાહની સોમનાથ અને કોડીનારની મુલાકાતને લઈ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ 3 DYSP, 6 PI, 17 PSI, SOG, LCB સહિત અંદાજે 350 પોલીસજવાનનો જડબેસલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. કોડીનારમાં બંધ શુગર મિલ ફરી શરૂ થશે
મહત્વપૂર્ણ છે કે, કોડીનાર અને તાલાલામાં આવેલી બંધ શુગર મિલ ફરી શરુ કરવામાં આવશે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા શુગર મિલ શરૂ કરવાનો સમય જાહેર કરી દેવામાં આવ્યો છે. શુગર મિલ નવેમ્બર 2025માં શરૂ કરવાનું એલાન થઇ ગયું છે. સાથોસાથ ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા અપીલ પણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શુગર મિલ ખાંડ બનાવતી હતી. જો કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની આ ખાંડ ફેક્ટરીમાં ઇથોનોલ બનાવશે, જેને લઇ શેરડીના ભાવમાં પણ વધારો કરવામાં આવશે. ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી શુગર મિલ વર્ષોથી બંધ
કોડીનારના ચલાલા ખાતે પુનઃસ્થાપન થનાર શુગર મિલ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ભૂતકાળમાં ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી શુગર મિલ વર્ષોથી બંધ છે. જો કે કોડીનાર મિલ શરૂ કરવા સરકારી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ મેદાનમાં આવી છે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા કોડીનાર શુગર મિલ 30 વર્ષના પટ્ટે ચલાવવા ઠરાવો થયા છે. હવે શુગર મિલ ફરી ધમધમતી કરવા તખ્તો ઘડી કઢાયો છે, એટલું જ નહિ કેન્દ્ર સરકારની લઘુતમ ભાવની નીતિ મુજબ ખેડૂતોને ભાવ આપવામાં આવશે. વેપારીઓને દર વર્ષે અંદાજે રૂ.200 કરોડનું નુકસાન
અત્રે ઉલ્લેખનીય છે કે, કોડીનાર પંથકમાં શેરડીએ મુખ્ય પાક હોય અને તેનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ત્યારે, આ ફેક્ટરી બંધ રહેવાથી 78 જેટલા ગ્રામ્ય વિસ્તારના 12,000 જેટલા સભાસદ, ખેડૂતો અને તાલુકાના વેપારીઓને દર વર્ષે અંદાજે રૂ.200 કરોડના ટર્નઓવરનું નુકસાન થાય છે. ત્યારે આજે વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યુ દિલ્હીને આ ખાંડ ઉદ્યોગ લીઝ ઉપર આપી કોડીનારની જીવાદોરીને પૂનઃ જીવિત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેને લઇને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવેમ્બર 2025થી બન્ને શુગર મિલ ફરી ધમધમતી થશે
ઉલ્લેખનીય છે કે, તાલાલા શુગર મિલ પર 85 કરોડનું જ્યારે કોડીનાર શુગર મિલ પર 133 કરોડ રૂપિયાનું દેવું હતું. જે IPL કંપની દ્વારા વન ટાઈમ સેટલમેન્ટ અંતર્ગત ભરપાઈ કરી દેવાયું છે. આ ઉપરાંત સંસ્થાના કર્મચારીઓની લેણી નીકળતી રકમ સહિતનો આર્થિક બોઝ પણ IPL કંપની દ્વારા ઉઠાવી લેવાયો છે. આગામી નવેમ્બર 2025થી આ બન્ને શુગર મિલ ફરી ધમધમતી થશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. આ માટે કંપની દ્વારા બન્ને મિલનું યુદ્ધના ધોરણે સમારકામ પણ શરૂ કરી દેવાયું છે. મિલો શરૂ થવાથી ગીર પંથકમાં સોનાનો સૂરજ ઉગશે
આ બન્ને મિલ શરૂ થવાથી ગીર પંથકમાં ફરી સોનાનો સૂરજ ઉગશે તેવું મનાય રહ્યું છે. કારણ કે, બન્ને શુગર મિલમાં હજારો લોકોને રોજગારી ઉપરાંત ટ્રાન્સપોર્ટીંગ સહિતના આનુસંગિક વ્યવસાયો પણ વેગવતાં બનશે, જેના કારણે આ વિસ્તારની ઇકોનોમિ પર સકારાત્મક અસર થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 9 માર્ચનો કાર્યક્રમ
બીજા દિવસે રવિવારે સવારે તેઓ જૈનાચાર્ય બુદ્ધીસાગર સુરિશ્વર મહારાજની જન્મજયંતિના કાર્યક્રમમાં ભાગ લઇ 150 રૂપિયાના સિક્કાનું અનાવરણ કરશે. આ પછી તેઓ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે. બપોર બાદ અડાલજમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કાર્યક્રમમાં વકીલોની શપથવિધિ કરાવશે. તે પછી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિજિટલ સેવા પોર્ટલનું લોકાર્પણ કરી ડભોડાની શાશ્વત મિથિલા ફાઉન્ડેશન સંસ્થાની મુલાકાત લેશે. મોડી રાત્રે તેઓ પરત ફરશે. અમિત શાહ પાછલા સપ્તાહે જ ગુજરાત આવીને ગયા છે. હાલ ગુજરાતમાં ભાજપ સંગઠનની પુનર્રચનાને લઈને વ્યસ્ત છે. મોટાભાગના જિલ્લા, મહાનગરોમાં નિયુક્તિ થઈ ગઈ છે. પ્રદેશ પ્રમુખની ચૂંટણી પહેલાં શાહની મુલાકાત સૂચક છે. આ એક સંયોગ હશે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને શાહ ત્રણેય સીનિયર રાજકારણી રાજ્યમાં ચૂંટણી ન હોવા છતાં એક જ સમયે અલબત્ત અલગ-અલગ સ્થળોએ ગુજરાતમાં હશે.