ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં આજે 8 માર્ચના રોજ વિજ્ઞાન વિષયનું પેપર હતું. આ પેપર ઘણુ સહેલું હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું હતું. તેમજ અન્ય પેપર કરતા આ પેપર ટૂંકું હોવાને કારણે છાત્રોને અડધો કલાક પહેલાં જ પેપર લખવાનું પૂર્ણ થઈ ગયું હતું. સામાન્ય રીતે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયનાં પેપરનો વિદ્યાર્થીઓમાં ખૂબ જ ડર જોવાતો હોય છે. જોકે, આજે વિજ્ઞાનનું પેપર સહેલું તેમજ ટૂંકું અને પેપરમાં કોઈપણ પ્રિન્ટિંગ મિસ્ટક નહીં હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો સાથે નિષ્ણાંત શિક્ષકોએ પણ પેપરને સરળ હોવાનું જણાવ્યું છે. અડધોથી પોણો કલાક પહેલા જ પેપર લખાઈ ગયુંઃ આયુષ
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પઢીયાર આયુષ મિતેષભાઈ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, આજે પેપર ખૂબ જ સહેલું હોવાની સાથે સાથે પ્રમાણમાં ટૂંકું પણ હતું. તેમજ આ પેપરમાં કોઈપણ પ્રકારની પ્રિન્ટિંગ મિસ્ટેક પણ નહોતી, જેના કારણે મારે અડધોથી પોણો કલાક પહેલા જ પેપર લખાઈ ગયું હતું. મોટાભાગના પ્રશ્નો સ્વાધ્યાય પોથી અને બુક્સમાંથી જ પૂછવામાં આવ્યા હોવાને કારણે મારુ પેપર ખૂબ જ સારું ગયું છે. આ વિષયમાં સારા માર્ક્સ આવવાની મારી ધારણા છે. મારે 75 કરતા વધારે માર્ક્સ આવશેઃ તોષા
જ્યારે ગોસ્વામી તોષા જીગરગીરી નામની વિદ્યાર્થિનીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું ધોરણ 10ની પરીક્ષા આપી રહી છું, જેમાં આજે વિજ્ઞાન વિષયનું પેપર ખૂબ જ સહેલું અને પ્રમાણમાં ટૂંકું હતું. મારે 75 કરતા વધારે માર્ક્સ આવશે, તેવો મને વિશ્વાસ છે. ખાસ કરીને તમામ આકૃતિવાળા પ્રશ્નો મેં લખ્યા છે. તેમજ કોપર ઓક્સાઇડ વિશે, પુષ્પનાં વર્ગીકરણ અને શ્વસનતંત્રનાં વર્ગીકરણનાં સવાલો હતા. જેના જવાબો મેં ખૂબ સારી રીતે લખ્યા છે. જેના કારણે સારા માર્ક્સ આવવાની પૂરતી શક્યતા લાગી રહી છે. અગાઉના પેપર કરતા વિજ્ઞાનનું પેપર ટૂંકું હોવાથી થોડું વહેલું લખાઈ ગયું હોવાનું પણ તેણીએ પણ જણાવ્યું હતું. કેમેસ્ટ્રી સેક્શનમાં બ્લુ પ્રિન્ટ મુજબનું જ પ્રશ્નપત્ર હતુંઃ પરેશ જોષી
વિજ્ઞાન પેપરના કેમેસ્ટ્રી વિભાગ વિશે સુરતની ભૂલકા વિહાર સ્કૂલના શિક્ષક પરેશ જોષીએ જણાવ્યું કે, ધોરણ 10ના વિજ્ઞાન પ્રવાહનું પેપર ખૂબ જ સરળ હતું. ધોરણ 10ના વિજ્ઞાન કેમેસ્ટ્રી સેક્શનમાં બ્લુ પ્રિન્ટ મુજબનું જ પ્રશ્નપત્ર હતું. એમાં એમસીક્યુના છ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતાં, જેમાં 4 ખૂબ જ સરળ હતા. 2 પ્રશ્નો થોડા વિચારીને લખવા પડે તેમ હતા. 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સના 8 સવાલ જવાબ હતા. એમાં 5 સવાલ સીધા ટેક્ષબુકમાંથી જ પૂછવામાં આવ્યા હતા. અન્ય ત્રણ સવાલ પુસ્તકના રીલેટેડ પૂછવામાં આવ્યા હતા. નોન ટેક્ષ્ચ્યુલ પ્રશ્નો હતા, જે પણ સરળ જ હતા. બાયોલોજીમાં વધારે ડિસ્ક્રિપ્શન લખવાના આવ્યા નથીઃ ભૂમિકા શ્રોફ
બાયોલોજી સેક્શન વિશે ભૂલકા વિહાર સ્કૂલના શિક્ષિકા ભૂમિકા શ્રોફે જણાવ્યું કે, બાયોલોજીના સેક્શનમાં ખૂબ જ સરળ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતાં. સામાન્ય રીતે આ પ્રશ્નો સતત પુનરાવર્તિત થતા હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓને લખવામાં પણ ખૂબ સરળતા રહે છે. અમીબા જે આકૃતિ દોરવાની હોય છે નેફ્રોન હોય કે ન્યૂરોન હોય બાળકો સરળતાથી જવાબ આપી દેતા હોય છે. વધારે ડિસ્ક્રિપ્શન લખવાના આવ્યા નથી. બે માર્ક્સના, ત્રણ માર્ક્સના અને ચાર માર્કસના ઓબ્જેકટીવ ટાઇપ્સ પ્રશ્નો બનાવવામાં આવ્યા હતાં. વિદ્યાર્થી થોડું મગજ ચલાવે તો પ્રશ્નમાં જ જવાબ હતાઃ જયેશ ત્રિવેદી
ભૂલકા વિહાર સ્કૂલના શિક્ષક જયેશ બિપીનચંદ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ફિઝિક્સનું સેક્શન પણ ખૂબ જ સરળ હોય, તેવું જણાય આવ્યું છે. પહેલું જ એમસીક્યુ સક્ષમ હોય છે. તેમાં બાળકો ઘણી વખત કન્ફ્યુઝ થઈ જતા હોય છે. પરંતુ આ વખતે ખૂબ જ સરળતાથી જવાબ આપી શક્યા હોય તેમ લાગે છે. બે માર્કનો એક પ્રશ્ન એવો છે જેના ઓપ્શનમાંથી તમારે જવાબ આપવાનો છે. જો વિદ્યાર્થી થોડું મગજ ચલાવે તો પ્રશ્નમાંથી જવાબ મળી જાય તેમ હતો. એમાં જે દાખલો પૂછવામાં આવ્યો છે તે સૂત્ર આધારિત છે. એમાં માત્ર કિંમત મુકી દે તો જવાબ વિદ્યાર્થીને સરળતાથી મળી જાય. વિદ્યાર્થીઓએ જો પુસ્તક ના દાખલા બરાબર વાંચ્યા હોય અને આકૃતિ બરાબર અભ્યાસ કર્યો હોય તો વિદ્યાર્થી સરળતાથી માર્ક મેળવી શકે છે. સામાન્ય રીતે વારંવાર જેને પ્રેક્ટિસ કરતા હોય છે તે જ પ્રશ્ન પૂછાયા હોવાથી બાળક સારી રીતે પ્રશ્નોના જવાબ આપી શકે છે.