અંકલેશ્વર-ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરનાર મહિલાનો મૃતદેહ ત્રણ દિવસની શોધખોળ બાદ મળી આવ્યો છે. મૃતક મહિલાની ઓળખ સુરતના અડાજણ વિસ્તારની કીર્તિ જયંતકુમાર પારેખ તરીકે થઈ છે. પાંચમી માર્ચના રોજ બપોરના સમયે કીર્તિબેને નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી. સ્થાનિક નાવિકોએ આ દૃશ્ય જોયું હતું અને તરત જ શોધખોળ શરૂ કરી હતી. ઘટનાસ્થળેથી એક પર્સ મળ્યું હતું, જેમાંથી સુરતના માંડવીથી ભરૂચની એસ.ટી. બસની ટિકિટ મળી આવી હતી. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ફાયર વિભાગે સતત 72 કલાક સુધી શોધખોળ ચાલુ રાખી હતી. આખરે આજે બપોરના સમયે ભરૂચ તરફ આવેલા ગુરુદ્વારા નજીકથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરકંકાસથી કંટાળીને કીર્તિબેને આ અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને ગડખોલ પી.એસ.સી. સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.