લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 7-8 માર્ચ ગુજરાતમાં રહ્યા હતા. અમદાવાદમાં તેમના કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે કોંગ્રેસના પ્રદેશથી લઇને તાલુકા કક્ષાના આગેવાનો સાથે ચર્ચામાં પસાર કર્યો. રાહુલ ગાંધીએ આખાં દિવસમાં 500થી વધુ કોંગ્રેસી નેતાઓની સાથેની ચર્ચા દરમિયાન તેમને ઝીણવટથી ચકાસ્યા હતા. આ સાથે જ તેમણે ગુજરાત કોંગ્રેસનો તાગ મેળવી લીધો હતો. પહેલા દિવસે તો ખાસ બોલ્યા નહીં અને માત્ર સિનિયર્સથી લઈ કાર્યકરોની વાત સાંભળી હતી. ત્યાર બાદ આજે (8 માર્ચ) 2 હજાર કોંગ્રેસના કાર્યકરો માટે જેડ હોલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો પણ હાજર હતા. આ 45 મિનિટના કાર્યક્રમને 25 મિનિટ સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રુપનું કંઈક કરવાનું છે. જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું. 10થી 15 લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું. 5 ટકા વોટ શેર વધ્યો એટલે વાત પૂરી. આ સંબોધનની શરૂઆતમાં રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલને યાદ કરી ગુજરાતને નમસ્કાર કર્યા. આ સાથે જ તેમણે જનતા સાથે કનેક્શન સાધવાની શરૂઆત કરી. તેમણે કાર્યકરોના દિલની વાત જાહેરમાં કરી અને ગુજરાતની અપેક્ષાઓ પર કેમ ખરા ઉતરી શકતી નથી તેના પણ કારણો આપી દીધા. રાહુલે ગુજરાતની પ્રજા કોંગ્રેસથી કેમ વિખૂટી પડી છે અને તેના માટે શું શું કરી શકાય તેની લગભગ બ્લુપ્રિન્ટ જ આપી દીધી. તેમણે કહી દીધું કે જો પ્રજાનો અવાજ નહીં સાંભળીએ અને આપણી જવાબદારી પૂર્ણ નહીં કરીએ ત્યાં સુધી આપણે ચૂંટણી જીતી શકીશું નહીં. આ ઉપરાંત તેમણે ત્રણ દાયકા કરતા વધુ સમયથી જૂથોમાં વહેંચાયેલા કોંગ્રેસના નેતાઓને પણ સ્પષ્ટ શબ્દોમાં બહારનો રસ્તો દેખાડી દેવા સુધીની વાત કરી દીધી હતી. આમ બે દિવસના આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ સમગ્ર કોંગ્રેસના નબળા પાસાઓ તો ઉજાગર કરી દીધા છે. હવે આગામી 8 અને 9 એપ્રિલે યોજાનારા અધિવેશન બાદ કોંગ્રેસનું નવસર્જન કરવાની ગાંઠ વાળી લીધી હોય એમ લાગી રહ્યું છે. એક મહિના બાદ ભાજપ સાથે મળેલા અને ગ્રાઉન્ડ કનેક્ટ ન ધરાવતા નેતાઓને બહારનો રસ્તો બતાવવાની તૈયારી લગભગ કરી લીધી છે. આગળ વાંચો રાહુલ ગાંધીના સંવાદ કાર્યક્રમની પળેપળનાં અપડેટ્સ