જુનાગઢમાં ખેતીવાડી બેંકના મેનેજરે આજે બેંકના રૂમમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. તેઓએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં પોતાના મૃતક પુત્રની સતત યાદ આવતી હોય તેના વિયોગમાં મોતને ભેટી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ પોલીસે લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
દસમા ધોરણમાં અભ્યાસ કરતા પુત્રનું વર્ષ પહેલા મોત થયું હતું
આજથી એક વર્ષ પહેલા મૃતક કાનજી ડોડીયાનો દસમા ધોરણમાં અભ્યાસ કરતા પુત્ર રુદ્રનું મોત થયું હતું, જેથી તેના વિયોગમાં આજે પિતાએ ખેતીવાડી બેન્કના રૂમમાં જ ગળેફાંસો ખાંધો હતો. કાનજીભાઈએ પોતાની પત્ની જયા અને પુત્ર આનંદને સંબોધીને એક સુસાઈડ નોટ પણ લખી જે પોલીસે કબજે કરી છે. ‘તું અને તારા મમ્મી કંઈ ઉપાધિ કરતા નહીં’
મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘પ્રિય જયા અને આનંદ હું આજે મૃત્યુને ભેટવા જઉં છું હું સીડી ઉપરથી પડી ગયો હતો અને મને આપણો રુદ્ર બહુ જ યાદ આવે છે એટલે હું હવે રહી શકું એમ નથી તું અને તારા મમ્મી શાંતિથી રહેજો અને કંઈ ઉપાધિ કરતા નહીં હું રુદ્ર વગર રહી શકું એમ નથી.’ સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી
ખેતીવાડી બેન્કના મેનેજર કાનજી ડોડીયાએ બેંકના રૂમમાં આત્મહત્યા કરી હોવાની જાણ બેંકના સ્ટાફને થતા સ્ટાફ તાત્કાલિક રૂમમાં પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મૃતદેહને નીચે ઉતારીને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસને જે સુસાઇડ નોટ મળી છે તેના આધારે તપાસ હાથ ધરી છે.