back to top
Homeગુજરાતસુરતમાં પરિવારનો સામૂહિક આપઘાત:આર્થિક સંકડામણમાં માતા-પિતા સાથે પુત્રએ દવા ગટગટાવી; ઘરમાંથી સુસાઇડ...

સુરતમાં પરિવારનો સામૂહિક આપઘાત:આર્થિક સંકડામણમાં માતા-પિતા સાથે પુત્રએ દવા ગટગટાવી; ઘરમાંથી સુસાઇડ નોટ મળી

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે (8 માર્ચ) પરિવારના ત્રણ સભ્યએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મૃતકોનાં નામ
(1) ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા (પિતા)
(2) વનિતાબેન ભરતભાઈ સસાંગિયા (માતા)
(3) હર્ષ ભરતભાઈ સસાંગિયા (પુત્ર) હીરામાં મંદી આવતાં પિતા-પુત્રની નોકરી છૂટી
મળતી માહિતી પ્રમાણે અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં આવેલી એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં બીજા માળે સસાંગિયા પરિવાર રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને પુત્ર હતાં. 50 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પત્ની વનિતાબેન હાઉસવાઈફ હતાં. ત્રીસ વર્ષીય પુત્ર હર્ષ પણ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. જોકે દિવાળી બાદ હીરામાં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી. હીરામાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેનાં કામ બંધ થઈ ગયા હતા. ભરતભાઈ છેલ્લા બે મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા. જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી, જોકે છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપતાઓ પણ ચૂકવાયા ન હતા, જેથી આર્થિક સંકડામણ આખો પરિવાર અનુભવી રહ્યો હતો. ત્રણેય જણ દવા પીધેલી હાલતમાં મળ્યાં હતાં
દરમિયાન આજે (8 માર્ચ, 2025) ઘરમાંથી ભરતભાઈ, વનિતાબેન અને તેમનો પુત્ર હર્ષ ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યાં હતાં. આસપાસના લોકો અને સંબંધીઓને જાણ થતાં ઘરે દોડી ગયા હતા. ત્યાર બાદ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે માતા-પિતા અને પુત્ર ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતાં સગાંસંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. પોલીસે સગાં-સંબંધીઓનાં નિવેદન નોંધ્યાં
સામૂહિક આપઘાતની ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ દ્વારા પણ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે જ ઘરે જઈને તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. સગાં-સંબંધીઓનાં નિવેદન પણ નોંધવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. ઘરેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું મળ્યું છે. વધુ તપાસ અમરોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ફ્લેટની લોનના હપતા ચડી ગયા હતાઃ દિલીપભાઈ
આ મામલે મૃતકના સાળા દિલીપભાઈએ જણાવ્યું હતું કે વનિતાબેન મારા મામાનાં દીકરી થાય છે અને ભરતભાઈ મારા બનેવી છે. મારા બનેવી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને હર્ષ પણ હીરામાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. દિવાળી બાદ હીરામાં મંદીના કારણે કામ બંધ થઈ ગયું હતું. દરમિયાન મારા બનેવીને દવાખાનું આવ્યું હતું. ત્યાર બાદ લોનના ચારથી પાંચ હપતા ભરાયા ન હતા. કોઈ હેરાન-પરેશાન કરતા હતા, એની તો જાણ નથી, પણ તેને જે ફલેટ લીધો હતો એ પણ તેણે વેચી નાખ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમણે ફ્લેટ ખરીદ્યો હતો તેમને 50 હજાર કે લાખ રૂપિયા આપ્યા હતા. જોકે ફ્લેટ ખરીદનારને લોન પાસ થઈ ન હતી. દરમિયાન તેમના પૈસા તેઓ પરત માગી રહ્યા હતા. આ બધી માહિતીની મને કોઈ જાણ ન હતી. જોકે હમણા થોડા દિવસ પહેલાં ભાણિયાનો ફોન આવ્યો અને 2,000નું કહ્યું તો મેં તેને 2,000 પણ આપ્યા હતા. સુસાઈડ નોટમાં બે લોકોનાં નામનો ઉલ્લેખઃ PI
અમરોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે. બી. વનારે જણાવ્યું હતું કે સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં બે લોકોનાં નામ છે. હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારે પોતાના મકાનનો સોદો કર્યો હતો. 22 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો, જેમાં એક લાખ રૂપિયા એડવાન્સ લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખરીદદારોને ખબર પડી કે મકાન પહેલાંથી જ લોન પર છે, તેથી તેમણે મકાન લેવાની ના પાડી અને એડવાન્સના એક લાખ રૂપિયા પાછા માગ્યા હતા. કાલે પણ સવારે 9:00 વાગ્યે ફોન આવ્યો હતો. મૃતક હર્ષ લોન એજન્ટ તરીકે નોકરી કરતો હતો, જ્યારે તેના પિતા ભરતભાઈ રિટાયર થયેલા હતા. હાલ સુસાઇડ નોટના આધારે તપાસ ચાલુ છે. 28 ઓક્ટોબર, 2023ના રોજ સોલંકી પરિવારના સાત સભ્યની જિંદગી બુજાઈ હતી
પાલનપુર જકાતનાકા વિસ્તારના સિદ્ધેશ્વર ઍપાર્ટમેન્ટમાં સોલંકી પરિવારના પાંચ સભ્યોએ ઝેરી પદાર્થ ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેના થોડા દિવસો બાદ એજ પરિવારના અન્ય બે સભ્યએ ગળાફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનાર આ પરિવારના મૃતકોમાં મિસ્ત્રીકામના કૉન્ટ્રેક્ટર મનીષ સોલંકી (37 વર્ષ), તેમનાં પત્ની રીટાબહેન (35), પિતા કનુભાઈ (72), માતા શોભનાબહેન (70) અને 6થી 13 વર્ષની ઉંમરનાં ત્રણ બાળકો દીક્ષા, કાવ્યા અને કુશલ સામેલ છે. પરિવારના ઘરેથી પોલીસને પરિવારની ‘આપવીતી જણાવતી અંતિમ ચિઠ્ઠી’ પણ મળી આવી હતી. પોલીસ પ્રમાણે પરિવારની આત્મહત્યાના મૂળમાં આર્થિક સંકડામણ હોવાનું જણાઈ રહ્યું છે. પરિવારના મોભી પોતે એક ફર્નિચર બનાવવાનું કામ કરતા હતાં. તેઓ સુપરવાઇઝર હતા અને તેમના હાથ નીચે 30-35 લોકો કામ કરતા હતા. પોલીસે આ ઘટના અંગે વિગત આપતાં કહ્યું હતું કે પરિવારના અંતિમ લખાણને જોતાં લાગી રહ્યું છે કે તેમને અમુક વ્યક્તિ પાસેથી પૈસા લેવાના નીકળતા હતા, પરંતુ એ પૈસા તેમને મળતા નહોતા. પરિવારે અંતિમ ચિઠ્ઠીમાં કોઈના નામનો ઉલ્લેખ કર્યો નહોતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments