ગુજરાત જાયન્ટ્સે વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની સીઝન- 3માં ચોથી જીત નોંધાવી. શુક્રવારે ટીમે દિલ્હી કેપિટલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. લખનઉના એકાના સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સે 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સે 3 બોલ બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને 178 રન બનાવીને ટાર્ગેટ ચેઝ કર્યો. ગુજરાતની બેટર હરલીન દેઓલે 70 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી. આ જીત સાથે, ગુજરાત જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. હાર છતાં, દિલ્હી કેપિટલ્સ 10 પોઈન્ટ સાથે ટોચ પર છે. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્માએ સારી શરૂઆત આપી
ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા, દિલ્હી કેપિટલ્સે સારી શરૂઆત કરી. જેમાં કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્માએ ટીમને મજબૂત શરૂઆત અપાવી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 54 બોલમાં 83 રનની ભાગીદારી થઈ. મેઘના સિંહના બોલ પર શેફાલી વર્મા આઉટ થઈ ગઈ હતી. તેણે 27 બોલમાં 40 રન બનાવ્યા. શેફાલીના આઉટ થયા પછી, એક બાજુ વિકેટો પડતી રહી. આ દરમિયાન, મેગ લેનિંગે પોતાની ઝડપી ઇનિંગ્સ ચાલુ રાખી. તેણીએ 57 બોલમાં 92 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે 15 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. ગુજરાત જાયન્ટ્સ તરફથી મેઘના સિંહ સૌથી સફળ બોલર રહી. તેણે 4 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ લીધી. જ્યારે ડિઆન્ડ્રા ડોટિને 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ લીધી. ગુજરાતની શરૂઆત ખરાબ રહી, હરલીન દેઓલ અને બેથ મૂનીએ સંભાળી જવાબદારી
178 રનના ટાર્ગેટને ચેઝ કરતા ગુજરાત જાયન્ટ્સે 4 રનના સ્કોરે પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. ગુજરાત તરફથી શિખા પાંડેએ ઓપનર દયાલન હેમલથાને આઉટ કરીને પ્રથમ વિકેટ લીધી. આ પછી, હરલીન દેઓલે બેથ મૂની સાથે મળીને ઇનિંગ્સની કમાન સંભાળી. બીજી વિકેટ માટે બંને વચ્ચે 57 બોલમાં 85 રનની ભાગીદારી થઈ. મિન્નુ મણિએ બેથ મૂનીને આઉટ કરી. મૂનીએ 35 બોલમાં 44 રન બનાવ્યા. આ પછી, હરલીને કેપ્ટન એશ ગાર્ડનર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી. ગાર્ડનર 13 બોલમાં 22 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ ઇનિંગમાં તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી, ડિએન્ડ્રા ડોટિને 10 બોલમાં 24 રન બનાવ્યા. ડોટિનને જેસ જોનાસને આઉટ કરી હતી. ફોબી લિચફિલ્ડ પહેલા જ બોલ પર આઉટ થઈ ગઈ. ગુજરાત જાયન્ટ્સને 12 બોલમાં 16 રનની જરૂર હતી
તે સમયે ગુજરાત જાયન્ટ્સને 12 બોલમાં 16 રનની જરૂર હતી, જીત નજીક લાગતી હતી પરંતુ 19મી ઓવરના પહેલા 5 બોલમાં શિખા પાંડેએ ફક્ત 3 રન આપ્યા, પરંતુ આ ઓવરના છેલ્લા બોલ પર કાશ્વી ગૌતમે સિક્સર ફટકારીને ફરી એક વાર સ્થિતિ બદલી નાખી. છેલ્લી ઓવરના પહેલા બોલ પર, હરલીન દેઓલે ચોગ્ગો ફટકારીને ગુજરાતની જીત સુનિશ્ચિત કરી અને ત્રીજા બોલ પર કાશ્વી ગૌતમે વિજયી રન બનાવ્યો.