રાજનીતિ પર્સેપ્શન અને પ્રજા સુધી કનેક્ટ કરવાનો જ ખેલ છે. જે નેતા એકવાર એક પર્સેપ્શન સેટ કરી દે પછી એની નાવડી પાર સમજો. ગુજરાત કોંગ્રેસ અને ભાજપમાં આ જ મૂળભૂત ફેર છે અને આ જ દ્રષ્ટીકોણ બદલવા માટે લોકસભામાં વિપક્ષ નેતા ગુજરાત આવ્યા હતા. રાહુલે કાર્યકરો સાથે સંવાદ દરમિયાન સીધો 7 કરોડ ગુજરાતીઓને પણ મેસેજ આપી દીધો કે, હું તમારી સાથે છું. 30 વર્ષથી ભાજપ સત્તામાં છે અને જનતામાં નારાજગી પણ છે. પરંતુ કોંગ્રેસ જનતાની નાડ પારખવામાં થાપ ખાતી રહી છે અને ભાજપ તેનો ફાયદો ઉઠાવે છે. ગાંધી-સરદારની ભૂમિથી ઉભું કરશે નવું મોડલ
ગુજરાતીઓની સાથે સાથે રાહુલે કોંગ્રેસના બની બેઠેલા મોટા નેતાઓને ધોળે દિવસે તારા દેખાડી દીધા છે. તેના સંબોધનને કારણે અનેક સિનિયર નેતાઓની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે. જો કે આ માત્ર ગુજરાત જ નહીં, આખા દેશની કોંગ્રેસને લાગુ પડે છે. જેથી કોંગ્રેસ પાર્ટીના સમગ્ર સંગઠનને બદલવા માટે હવે ગાંધી અને સરદારની ભૂમિ એવા ગુજરાત પરથી જ મોડલ ઉભું કરવાની તૈયારીમાં છે. ગુજરાત મોડલ આખા દેશમાં લાગુ કરવા તૈયારી
રાહુલ ગાંધીએ 7 માર્ચે પાયાના કાર્યકરોની મનની વાત સાંભળી અને બીજા દિવસે સ્પષ્ટ સંદેશ પણ આપી દીધો કે હવે એકશન માટે તૈયાર રહેજો. જેમાં પક્ષમાં નિષ્ક્રિય, ભાજપની બી ટીમ બનીને કામ કરતા તથા ફૂટેલા નેતાઓને નવા સંગઠનથી દૂર રાખવામાં આવશે. આ ઉપરાંત પક્ષમાં સતત રીપિટ થતા નેતાઓ પણ નવા સંગઠનથી દૂર રહેશે. કોંગ્રેસનો આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ તો ગુજરાતથી થશે પણ 8-9 એપ્રિલના રોજ યોજાનારા અધિવેશન બાદ આખા દેશમાં આ જ ગુજરાત મોડલ લાગુ કરાશે. આ વાતનો સંકેત 7 માર્ચે રાહુલ ગાંધીની બેઠકોનો દોર પૂર્ણ થયા બાદ સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલે આપતા કહ્યું હતું કે, અમારૂ સંપૂર્ણ ધ્યાન સંગઠન પર છે અને આ ફેરફાર માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં કરવા જઈ રહ્યા છીએ. AICCની કમિટી નવું સંગઠન તૈયાર કરવા કામ કરશે
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ AICC દ્વારા હવે નવા સંગઠનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં AICCની કમિટી બનશે. જે ગુજરાતના નવા સંગઠનને લઈને કામ કરશે. રાષ્ટ્રીય અધિવેશન પહેલા કમિટી દ્વારા કામ કરવામાં આવશે અને અધિવેશન બાદ સંગઠનમાં ફેરફાર થઈ જશે. કમિટી દ્વારા જે નેતાઓ સામેની ફરિયાદ છે તે ફરિયાદ પણ તપાસવામાં આવશે. ગદ્દારોને તાત્કાલિક અસરથી હટાવાશે
AICC ની કમિટી દ્વારા ફરિયાદ કરનાર વ્યક્તિને સાંભળવામાં આવશે અને જેના વિરુદ્ધમાં ફરિયાદ થઈ છે તેને પોતાની વાત રાખવાની તક અપાશે. આ ઉપરાંત પુરાવા સાથેની જે ફરિયાદ હશે તેમાં ઝડપથી કાર્યવાહી થશે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારને તાત્કાલિક અસરથી હટાવી દેવાશે. આ ત્રણ બાબતોના આધારે તૈયાર કરાશે સંગઠન
નવા સંગઠનમાં મુખ્યત્વે ત્રણ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. જે નેતાઓ સામે ફરિયાદ હોય તેને તથા નિષ્ક્રિય નેતાઓને નવા સંગઠનમાં સ્થાન અપાશે નહીં. આ ઉપરાંત જે નેતાઓ સતત રીપિટ થતા હોય તેમની પણ બાદબાકી કરવામાં આવશે. જ્યારે સિનિયર નેતાઓના અનુભવનો લાભ લેવા માટે સંગઠનમાં સ્થાન મળશે. પરંતુ નવા સંગઠનમાં મોટાભાગના ચહેરાઓ યુવા જ રહેશે. આ અંગે રાજકીય વિશ્લેષક હેમંત શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આ ત્રણ મુદ્દાઓથી અસર થાય તો સારી વાત છે.દરેક તાલુકા અને બૂથ પર કોંગ્રેસને મજબૂત કરવાની જરૂર છે. કોંગ્રેસ મરી પરવારી નથી. કોંગ્રેસે મત વધારીને બેઠક જીતવાની જરૂર છે. કોંગ્રેસે જેટલું સ્થાન ગુજરાતન મિજાજ પર આપવું જોઈએ તેનો અભાવ છે. કોંગ્રેસનો લડાયક મિજાજ પરત આવે તો ભાજપને ટક્કર આપી શકે તેમ છે. પડ્યા પાથર્યા રહેતા નેતાઓને રાહુલનું ખતમ, ટાટા…બાય…બાય
તાલુકા પ્રમુખની બેઠકમાં અનેક લોકોએ રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદ કરી કે,સ્ટેજ ઉપર બેઠેલા નેતાઓમાંથી અનેક નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે અથવા ક્યાંકને ક્યાંક ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવે છે. જેના કારણે કોંગ્રેસનો ચૂંટણીમાં રકાસ થાય છે. પક્ષમાં વર્ષોથી એ જ ચહેરાઓ આવ્યા કરે છે અને નવા ચહેરાઓને યોગ્ય સ્થાન મળતું નથી. જુના નેતાઓ નાના કાર્યકરોનું સાંભળતા જ નથી. ભાજપ સાથે મળેલા કોંગ્રેસના જૂના નેતાઓ હાલમાં માત્ર હોદ્દા જ ભોગવી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને લઇને લડી શકે તેવી હિંમત કોંગ્રેસના પીઢ નેતાઓમાં રહી નથી. ખુદ કાર્યકરો જ કહી રહ્યાં છે કે,લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જીતી ન શકનારા કોંગ્રેસના નેતાઓને હાંકી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસનો ઉદ્ધાર થશે નહીં. અધિવેશન બાદ મોટા પાયે ઉથલપાથલ થશે
રાહુલ ગાંધીએ તમામની રજૂઆત સાંભળી હતી અને તમામને તમામને યોગ્ય નિર્ણય લેવા માટેની પણ બાહેંધરી આપી હતી.સંગઠનને મજબૂત કરીને સંગઠનમાં ફેરફાર કરવાની પણ રાહુલ ગાંધીએ વાતચીત કરી હતી. લોકોની રજૂઆત મુજબ સંગઠનમાં ખૂબ જ મોટા પાયે આગામી સમયમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં નવા ચહેરાને પણ તક આપવામાં આવશે તથા પક્ષ વિરોધી અને ભાજપ સાથે જોડાયેલા નેતાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. પક્ષમાં સતત નિષ્ક્રિય અને રીપિટ થતા નેતાઓને નવા સંગઠનથી દૂર રાખવામાં આવશે. જોકે આગામી મહિનામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હોવાથી અધિવેશન બાદ જ નિર્ણય કરવામાં આવશે.