શનિવારે પેલેસ્ટિનિયન સમર્થકોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્કોટિશ ગોલ્ફ રિસોર્ટમાં તોડફોડ કરી હતી. આ તોડફોડ ટ્રમ્પના ગાઝા પર કબજો કરવા અને તેને ફરીથી વસાવવાના નિવેદનના જવાબમાં કરવામાં આવી હતી. પેલેસ્ટાઇન એક્શન નામના જૂથે રિસોર્ટની દિવાલો પર લાલ રંગમાં ટ્રમ્પ માટે અપશબ્દો અને ગાઝાના સમર્થનમાં સૂત્રો દોર્યા હતા, જેમાં ‘ફ્રી ગાઝા’ ‘ફ્રી પેલેસ્ટાઇન’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગોલ્ફ કોર્સના લીલા ઘાસ પર લાલ રંગમાં ‘ગાઝા વેચાણ માટે નથી’ લખેલું હતું. ગોલ્ફ કોર્સમાં ખાડા પણ ખોદ્યા. આ જૂથે રિસોર્ટની બારીઓ અને ઘણી લાઇટો પણ તોડી નાખી હતી. ટ્રમ્પના ગોલ્ફ કોર્સમાં તોડફોડની 5 તસવીરો જુઓ… પેલેસ્ટાઇન એક્શને X પર લખ્યું- અમે ચૂપ ન બેસી શકીએ
ગ્રુપે એક પોસ્ટમાં લખ્યું, ‘પેલેસ્ટાઇન એક્શન ગ્રુપ આજે બ્રિટનના સૌથી મોંઘા ગોલ્ફ કોર્સ પર પહોંચ્યું. આ ટ્રમ્પનું ટર્નબેરી ગોલ્ફ રિસોર્ટ છે. એવા સમયે જ્યારે યુએસ વહીવટીતંત્ર ઇઝરાયલને હથિયાર આપી રહ્યું છે અને ગાઝામાં વંશીય સફાઇની યોજના બનાવી રહ્યું છે, ત્યારે સામાન્ય લોકો ચૂપ રહી શકતા નથી.’ ટ્રમ્પે ગયા મહિને ગાઝા પર કબજો કરવાની વાત કરી હતી
ટ્રમ્પે ગયા મહિને ગાઝા પર નિયંત્રણ મેળવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે પેલેસ્ટિનિયનોને ગાઝામાંથી દૂર કરીને ઇજિપ્ત અને જોર્ડન મોકલવામાં આવે અને ગાઝાનું પુનર્નિર્માણ કરવામાં આવે. ટ્રમ્પે કહ્યું કે સંઘર્ષના અંતે ઇઝરાયલ ગાઝા પટ્ટી અમેરિકાને સોંપી દેશે. અમેરિકા ગાઝાનો વિકાસ કરશે અને અહીં ભવ્ય ઘરો બનાવશે. આ માટે ત્યાં અમેરિકન સૈનિકોની જરૂર રહેશે નહીં. ટ્રમ્પની જાહેરાત પછી ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે કહ્યું કે, તેમણે સેનાને આ સંબંધિત યોજના તૈયાર કરવા કહ્યું છે. ઇઝરાયલી સેના એવા ગાઝાવાસીઓને મદદ કરશે જેઓ ગાઝા છોડીને જાતે જવા માગે છે. ઇઝરાયલ ટ્રમ્પના નિવેદનને સમર્થન આપે
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટ્રમ્પના નિવેદનને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, તે પ્રશંસનીય છે. નેતન્યાહૂએ ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ગાઝા અંગે તેમણે સાંભળેલા આ શ્રેષ્ઠ વિચાર છે. આનો અમલ થવો જોઈએ. આનો લાભ દરેકને મળશે.