દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. કિવીઝની જબરદસ્ત શરૂઆત પછી સ્પિનર્સનો દબદબો જોવા મળ્યો. જેમાં કુલદીપ, વરુણ, જાડેજા અને અક્ષરની ચોકડી સામે કિવી બેટર્સને રન બનાવવામાં ફાંફાં પડી ગયા. ત્યારે આ ફાઈનલ પછી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અમુક સિનિયર ખેલાડીઓ રિટાયરમેન્ટ લેશે. આજે બોલિંગમાં રવીન્દ્ર જાડેજાનો ઘાતક સ્પેલ રહ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડ સામે ખૂબ જ ટાઇટ બોલિંગ કરી. જડ્ડુએ પોતાની 10 ઓવરમાં માત્ર 30 રન આપીને એક મહત્ત્વની વિકેટ ઝડપી હતી. હવે વાત એમ છે કે જેવી જાડેજાએ પોતાની સ્પેલ પૂરી થઈ કે તરત જ કવર પોઝિશન પર ઊભેલા કોહલી જડ્ડુની પાસે આવ્યો અને તેને ભેટ્યો. અચાનક આવી રીતે જાડેજાની સ્પેલ પૂરી થતા સોશિયલ મીડિયામાં ચારેકોર એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે શું આ જાડેજાની છેલ્લી વન-ડે છે? શું આ તેની નિવૃત્તિના સંકેત છે? કે પછી તેની શાનદાર સ્પેલના કારણે વિરાટે જાડેજાને ગળે લગાવ્યો હતો..? રવીન્દ્ર જાડેજાની ODI કરિયર
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ODI કરિયર ખૂબ જ શાનદાર રહી છે. તેણે 204 વન-ડે મેચમાં 231 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તેણે અત્યાર સુધીમાં 2797 રન બનાવ્યા છે. (આ બેટિંગ આંકડા ભારતની બેટિંગ પહેલાના છે). T20 વર્લ્ડ કપ પછી તેમાંથી નિવૃત્તિ લઈ લીધી
જાડેજાએ 10 ફેબ્રુઆરી 2009ના રોજ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે કોલંબોમાં રમી હતી. પોતાની ડેબ્યૂ T20માં જાડેજાએ 4 ઓવરમાં 29 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી. જ્યારે બેટથી 7 બોલમાં 5 રન બનાવ્યા હતા. તેના ઓવરઓલ T20I કરિયરની વાત કરીએ તો તેણે 74 મેચમાં 21.45ની એવરેજથી 515 રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં તેણે માત્ર 7.13ની ઇકોનોમીથી 54 વિકેટ ઝડપી છે.