ગુજરાત સહિત દેશભરમાં ફેબ્રુઆરી 2025ના મહિનામાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે, ગત વર્ષની તુલનામાં વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં વાહનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના વર્ષ 2025માં ફેબ્રુઆરી મહિનામાં વેચાયેલા વાહનોના આંકડાની વાત કરવામાં આવે તો દેશભરમાં તમામ વાહનો મળીને કુલ 18,99,196 વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે ફેબ્રુઆરી 2024ના વર્ષમાં 20,46,328 વાહનો વેચાયા હતા. એટલે કે, ગત વર્ષની સરખામણીમાં દેશમાં 2025ના ફેબ્રુઆરી મહિનામાં 7.19%નો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં ફેબ્રુઆરી, 2025માં 84,115 ટુ-વ્હીલરનું વેચાણ
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના આંકડા મુજબ, ગુજરાતમાં ફેબ્રુઆરી, 2025માં કુલ 1,26,329 વાહનોનું વેચાણ થયું છે. તેની સરખામણીમાં ફેબ્રુઆરી, 2024માં 1,37,978 વેચાણ થયું હતું. એટલે કે, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે વાહનોના વેચાણમાં 8.44%નો ઘટાડો નોંધાયો છે. ગુજરાતીઓએ ફેબ્રુઆરી, 2025માં 84,115 ટુ-વ્હીલર ખરીદ્યા છે. તથા પ્રાઇવેટ વાહનો એટલે કે, કાર સહિતના વાહનો 35,772 વેચાયા છે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે થ્રી-વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં ગત વર્ષની સરખામણીએ અનુક્રમે 4.26% અને 6.82%નો વધારો નોંધાયો છે. ફેબ્રુઆરી, 2025માં થ્રી-વ્હીલર 6,735 અને કોમર્શિયલ વાહન 7,345 વેચાયા છે. ડિલર્સ એસોસિએશન માટે મંદીનો માહોલ
ફેબ્રુઆરી, 2025માં ગત વર્ષની તુલનામાં વાહનોના વેચાણમાં ઘટાડો આવવાનું કારણ જણાવતા ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ્સ એસોસિએશને કહ્યું કે, 2025નો જાન્યુઆરી મહિનો ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારો રહ્યો હતો. પણ ફેબ્રુઆરી મહિનામાં ડિલર્સ એસોસિએશન માટે મંદીનો માહોલ જામ્યો હતો. વાહનોના વેચાણમાં ઘટાડાના કેટલાક કારણો છે. જેમાં લાખો અને કરોડો લોકો મહાકુંભમાં ગયા હતા, જેથી વાહન લેવાનું ટાળ્યું છે. ટુ-વ્હીલરની કિંમત 2%થી 8% સુધી વધતા વેચાણ ઘટ્યું
આ ઉપરાંત વર્ષ 2024 પૂર્ણ થતાં કેટલાક શોરૂમ અને કંપની દ્વારા જાન્યુઆરીમાં પણ એન્ડ ઓફ ધ યર સેલ ચાલુ રાખવામાં આવ્યું હતું, જેથી જાન્યુઆરીમાં અનેક લોકોએ વાહન ખરીદ્યા છે, તેની અસર ફેબ્રુઆરી પર થઈ છે. કારણ કે, ફેબ્રુઆરીમાં ખૂબ જ ઓછા લોકોએ વાહન ખરીદ્યા છે. તદુપરાંત ટુ-વ્હીલરમાં OBD2 ટાઈપ Aમાંથી હવે OBD2 ટાઈપ Bમાં પરિવર્તિત થયું છે. તથા સરકારના નિયમો મુજબ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે, જેથી ટુ-વ્હીલરની કિંમત 2%થી 8% સુધી વધી છે, જેથી વેચાણ ઉપર અસર થઈ છે.નો