યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદી સાથે રવિવારે, 9મી માર્ચે રાજધાની દિલ્હીમાં મુલાકાત કરી છે. સીએમ યોગી અને પીએમ મોદી વચ્ચે મહાકુંભના સમાપન પછી આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આ બેઠક દરમિયાન રાજ્યને લગતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ યુપીમાં કેબિનેટનું વિસ્તરણની શક્યતા છે અને રાજ્યમાં યોજાનારી સંગઠનાત્મક ચૂંટણીઓ અને નિમણૂંકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદી અને સીએમ યોગીની બેઠકમાં કુંભના વિવિધ પાસાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા સીએમ યોગી આદિત્યનાથે 8 માર્ચ શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. સુત્રો મુજબ યુપીમાં સંભવિત મંત્રીમંડળ બાબતે સીએમ યોગી કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ સંગઠનમાં ફેરબરલ અંગે યોગી આદિત્યનાથ અને પીએમ મોદી વચ્ચે વાતચીત થઈ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી કેબિનેટ વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. યુપીમાં કેબિનેટ વિસ્તરણની વાત કરીએ તો હાલમાં 6 મંત્રીઓની જગ્યા ખાલી છે. આ અંગે યુપી ભાજપ અને હાઈકમાન્ડ વચ્ચે મંથન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ યુપી ભાજપના વર્તમાન અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીને યોગી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત વિવિધ કમિશનમાં નેતાઓના એડજસ્ટમેન્ટને લઈને પણ સંગઠનાત્મક વાતચીત ચાલી રહી છે. યુપી ભાજપ અધ્યક્ષ અંગે પણ નિર્ણય લેવાશે કેબિનેટ વિસ્તરણ ઉપરાંત યુપી ભાજપના અધ્યક્ષ માટેના નામની પણ જાહેરાત થવાની છે. કેટલાક નામો પણ રેસમાં છે. સૂત્રોનું માનીએ તો પૂર્વ સાંસદો હરીશ દ્વિવેદી, બીએલ વર્મા, ધરમપાલ સિંહ, સ્વતંત્ર દેવ સિંહનું નામ આ રેસમાં છે. આ સાથે જો યુપીના જિલ્લા પ્રમુખોની યાદીની વાત કરીએ તો ગયા મહિને ફેબ્રુઆરીમાં ભાજપના નેતા વિનોદ તાવડે લખનૌ આવ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાવડેએ જિલ્લા પ્રમુખોની યાદી પર પણ વિચાર મંથન કર્યું હતું. જિલ્લા પ્રમુખોની યાદી આવ્યા બાદ અધ્યક્ષ પદ માટે નામાંકન કરવામાં આવશે તેમ મનાય છે. હાલમાં જ પત્રકારો સાથે વાત કરતાં યુપી બીજેપી ચીફ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ કહ્યું હતું કે યુપી ભાજપમાં ટૂંક સમયમાં સંગઠનાત્મક ફેરફારો થશે. પાર્ટીમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. યુપીમાં વધુમાં વધુ 60 મંત્રીઓ બની શકે છે ઉત્તર પ્રદેશ સરકારમાં વધુમાં વધુ 60 મંત્રીઓ બનાવી શકાય છે. હાલમાં કેબિનેટમાં 21 કેબિનેટ મંત્રીઓ, 14 રાજ્ય મંત્રીઓ સ્વતંત્ર હવાલો ધરાવતા અને 19 રાજ્ય મંત્રીઓ છે, એટલે કે કુલ 54 મંત્રીઓ છે. તે મુજબ 6 મંત્રી પદ હજુ પણ ખાલી છે. એવી પણ ચર્ચા છે કે કેટલાક મંત્રીઓ ફેરબદલ થઈ શકે છે અથવા તો કેટલાકને સંગઠનનું કામ સોંપવામાં આવી શકે છે. આ ઉપરાંત કેબિનેટમાં સામાજિક સમીકરણને ધ્યાને લેવાના પ્રયાસો પણ કરવામાં આવશે. યુપીમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2027માં યોજાવાની છે. યુપીમાં છેલ્લા 8 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં વર્ષ 2022માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને પણ પૂર્ણ બહુમતી મળી છે. 2027ની ચૂંટણીને લઈને ભાજપમાં મોટા સ્તરે સંગઠનમાં ફેરફારની શક્યતા છે.