કાશ્મીરના ગુલમર્ગમાં 8 માર્ચે એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આઉટડોર ફેશન શોનું આયોજન ફેશન ડિઝાઇનર જોડી શિવન અને નરેશ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોમાં ઘણી અર્ધનગ્ન મોડેલોએ બરફ પર રેમ્પ વોક કર્યુ હોવાનો આરોપ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વીડિયો અને ફોટા જોઈને સ્થાનિક લોકોએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. લોકો કહે છે કે રમઝાન દરમિયાન સરકાર આવા ફેશન શોનું આયોજન કેવી રીતે કરવાની મંજૂરી આપી શકે છે. આ શો બાબતે અને કઠુઆના બિલ્લાવરમાં નાગરિકોની હત્યાને લઈને જમ્મુ વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ આ ઘટનાઓ પર ચર્ચાની માંગ કરી હતી. આ મામલાને ધ્યાનમાં રાખીને, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ફેશન શોની તપાસના આદેશ આપ્યા છે, જેમાં સામાજિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવાયા છે. ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, “મેં જે જોયું તે કોઈપણ સમયે, ખાસ કરીને રમઝાન મહિનામાં આયોજિત ન હોવું જોઈએ.” ઓમર અબ્દુલ્લાએ કહ્યું- ફેશન શોનું આયોજન પ્રાઈવેટ પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ઓમર અબ્દુલ્લાએ એ પણ સ્પષ્ટતા કરી કે આ કાર્યક્રમ પ્રાઈવેટ પાર્ટીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમાં સરકારની કોઈ સંડોવણી નહોતી. તેમણે કહ્યું, “આ એક ખાનગી પાર્ટી હતી અને તેના માટે કોઈ સરકારી મંજુરી લેવામાં આવી ન હતી. જો કોઈ કાયદાનું ઉલ્લંઘન થયું હશે, તો અમે કડક કાર્યવાહી કરીશું.” ખુર્શીદ અહેમદ શેખે કહ્યું- રમઝાન દરમિયાન આવી ઘટના શરમજનક છે ફેશન શો પછી, રાજ્યના નેતાઓએ પણ તેના પર પ્રતિક્રિયા આપી. જમ્મુ અને કાશ્મીર આવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે આ ઘટનાને રાજ્યની સંસ્કૃતિ પર સીધો હુમલો ગણાવ્યો. તેણે કહ્યું, રમઝાન દરમિયાન આવી ઘટના શરમજનક છે, તે આપણી સંસ્કૃતિ પર સીધો હુમલો છે. અમે આની સખત નિંદા કરીએ છીએ અને મુખ્યમંત્રી પાસેથી કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. તનવીર સાદિકે કહ્યું- અર્ધ નગ્ન શોનું આયોજન અસ્વીકાર્ય છે જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય તનવીર સાદિકે કહ્યું, “આ શો થવો જોઈતો નહોતો. જમ્મુ અને કાશ્મીર સૂફી સંતોની ભૂમિ છે, અહીં અર્ધનગ્ન શોનું આયોજન અસ્વીકાર્ય છે. મુખ્યમંત્રીએ ઘટનાની નોંધ લીધી છે અને રિપોર્ટ માંગ્યો છે. તેમણે કડક કાર્યવાહીનું વચન આપ્યું છે.” બલવંત સિંહ મંકોટિયાએ કહ્યું- કેટલાક લોકો જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ડહોંળવા માંગે છે આ મુદ્દે ભાજપના ધારાસભ્ય બળવંત સિંહ મંકોટિયાએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ અને કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ પાછી આવે. 5 ઓગસ્ટ, 2019 પછી, કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ છે અને દુનિયાભરના લોકો કાશ્મીર આવવા માંગે છે. પરંતુ કેટલાક લોકો ઇચ્છે છે કે કાશ્મીરમાં શાંતિ ન રહે. આ લોકો બિનજરૂરી મુદ્દા ઉભા કરીને શાંતિ ડહોંળવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિલ્લાવરમાં ત્રણ નાગરિકોની હત્યા પર મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી આ દરમિયાન, ઓમર અબ્દુલ્લાએ કઠુઆ જિલ્લાના બિલ્લાવરમાં ત્રણ નાગરિકોની હત્યા પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, “બિલ્લાવરમાં જે કંઈ બન્યું તેની તપાસ ચાલી રહી છે. પરંતુ આ મામલાને રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યો છે, આ યોગ્ય નથી.” ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે નાયબ મુખ્યમંત્રીને વિસ્તારની મુલાકાત લેતા અટકાવવાનો નિર્ણય ખોટો હતો મુખ્યમંત્રીએ એવી પણ ટિપ્પણી કરી કે નાયબ મુખ્યમંત્રીને બિલ્લાવર વિસ્તારમાં જતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી પણ ત્યાં જવા માંગતા હતા પરંતુ તેમને ના પાડી દેવામાં આવી. તેમણે મને ફોન કર્યો અને મેં તેમને ન જવા કહ્યું. ઓમર અબ્દુલ્લાએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે તો પછી વિપક્ષ નેતા સુનીલ શર્માને ત્યાં જવાની મંજૂરી કેમ આપવામાં આવી.