ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે મેળવેલા વિજયની ઇંગ્લેન્ડના લંડનમાં શાનદાર ઉજવણી થઇ. ટીમ ઇન્ડિયાની જીત બાદ અહીં રહેતા ગુજરાતીઓ અને ભારતીયોએ ક્વીન્સબરી, વેમ્બલી સહિતના વિસ્તારોમાં રસ્તા પર ઉતરીને વિજયોત્સવ મનાવ્યો હતો. ક્રિકેટ રસિયાઓ ટીવી સામે ગોઠવાઇ ગયા હતા
ક્રિકેટની શોધ ભલે અંગ્રેજોએ કરી હોય પરંતુ આજના સમયમાં ક્રિકેટ જગતમાં ભારતીય ટીમનું જોરદાર વર્ચસ્વ છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચને નિહાળવા દેશની સાથોસાથ વિદેશમાં પણ એટલો જ ક્રેઝ હતો. લંડનના ક્વીન્સબરીમાં તો વહેલી સવારથી જ ક્રિકેટ રસિયાઓ ક્લબમાં ટીવી સામે ગોઠવાઇ ગયા હતા. ભારતની જીત બાદ તેમણે ઢોલ નગારાના તાલે ઉજવણી કરી હતી. સ્પોર્ટસ બારમાં ફરીશા નામની ભારતીય ચાહકે દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની ખુશી વ્યક્તિ કરી હતી. તેણે કહ્યું કે, ભારતની જીતથી અમે તમામ લોકો ખૂબ ખુશ છીએ. ક્વીન્સબરીમાં લોકો ઝૂમી ઉઠ્યા
ફક્ત ક્લબમાં જ નહીં લંડનના રસ્તાઓ ઉપર પણ ભારતીય ટીમની જીતની ઉજવણી થઇ હતી. દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે જેવો રોમાંચક વિજય મેળવ્યો કે તરત જ ભારતીય ટીમના ચાહકો લંડનના ક્રિકેટ-ક્રેઝી ક્વીન્સબરીની શેરીઓમાં ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી.ક્વીન્સબરીના રસ્તા પર લોકો ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી ભારતીય તિરંગા અને ભાંગડાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. વેમ્બલીમાં ભારત માતા કી જયના નારા લાગ્યા
ક્વીન્સબરીની જેમ વેમ્બલીમાં પણ ભારતીયોએ એકઠા થઇને ટીમ ઇન્ડિયાની જીતને વધાવી લીધી હતી. અહીં લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. રોડની બન્ને તરફ ભારે ભીડ એકઠી થઇ હતી. જેને જોતા પોલીસ બંદોબસ્ત પણ મુકી દેવાયો હતો. ક્રિકેટ ભારતીયોની પહેલી પસંદ છે. ભારતીયોની રગેરગમાં લોહીની સાથે ક્રિકેટ પણ છે તેવું કહીએ તો વધુ પડતું નહીં ગણાય. શેરી, ગલી, નગરો અને મોટા શહેરો પણ ક્રિકેટના ક્રેઝથી બાકાત નથી. તેવામાં દેશ છોડીને અન્ય દેશમાં વસેલા ભારતીયો કેવી રીતે ક્રિકેટથી દૂર રહી શકે? દિવ્ય ભાસ્કર માટે લંડનથી સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ