નોર્થ કોરિયા ન્યુક્લિયર પાવરથી ચાલતી સબમરીન બનાવી રહ્યું છે. શનિવારે સ્ટેટ મીડિયા દ્વારા તેની તસવીરો જાહેર કરવામાં આવી હતી. આ તસવીરો કિમ જોંગ ઉનની શિપયાર્ડની મુલાકાતની હતી, જ્યાં આ સબમરીન બનાવવામાં આવી રહી છે. એવી શંકા છે કે રશિયાએ આ સબમરીન બનાવવામાં નોર્થ કોરિયાને ટેકનિકલમદદ પૂરી પાડી હશે. ફોટોગ્રાફ્સ સાથે આપવામાં આવેલી માહિતીમાં, સબમરીનને ન્યુક્લિયર પાવર્ડ સ્ટ્રેટેજીક ગાઈડેડ મિસાઇલ સબમરીન તરીકે વર્ણવવામાં આવી હતી. કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ સબમરીન વિશે વિગતો આપી ન હતી પરંતુ કહ્યું હતું કે કિમને તેના નિર્માણ વિશે જાણ કરવામાં આવી હતી. આ અંગે યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા બ્રાયન હ્યુએ કહ્યું કે અમે આ દાવાઓથી વાકેફ છીએ, પરંતુ અમારી પાસે હજુ સુધી તેના વિશે વધુ માહિતી નથી. અમેરિકા નોર્થ કોરિયામાંથી ન્યુક્લિયર શસ્ત્રો નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. 7000 હજાર ટન વજન ધરાવતી સબમરીન, 10 મિસાઇલો વહન કરવામાં સક્ષમ સિઓલની હાંગયાંગ યુનિવર્સિટીના પ્રોફેસર અને સાઉથ કોરિયાના સબમરીન એક્સપર્ટ મૂન કેયુન-સિકે જણાવ્યું હતું કે આ સબમરીન 6,000-ટન ક્લાસ અથવા 7,000-ટન ક્લાસ કેટેગરીની હોઈ શકે છે, જે એક સમયે 10 મિસાઇલો લઈ જઈ શકે છે. તેમણે કહ્યું કે સ્ટ્રેટેજીક ગાઈડેડ મિસાઇલનો અર્થ એ છે કે આ સબમરીન પરમાણુ ક્ષમતાઓથી સજ્જ શસ્ત્રો લઈ જવા સક્ષમ છે. આ સબમરીન સાઉથ કોરિયા અને અમેરિકા માટે જોખમી બની શકે છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયાએ આ સબમરીન બનાવવામાં નોર્થ કોરિયાને ટેકનિકલ મદદ પૂરી પાડી હશે. તેના બદલામાં, નોર્થ કોરિયા યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને આધુનિક શસ્ત્રો અને સૈનિકો પૂરા પાડ્યા હશે. કિમ જોંગ ઉને શસ્ત્રોનો ભંડાર તૈયાર કરવાની વાત કરી હતી ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉને 2021માં કહ્યું હતું કે અમે અમેરિકા તરફથી વધતા લશ્કરી જોખમોનો સામનો કરવા માટે આધુનિક શસ્ત્રોનો ભંડાર તૈયાર કરીશું. આ શસ્ત્રોની યાદીમાં ન્યુક્લિયર પાવર સબમરીનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સોલિડ ફ્યુઅલથી ચાલતી ઈન્ટર-કોન્ટિનેંટલ બેલિસ્ટિક મિસાઇલો, હાઇપર-સોનિક વેપન, સ્પાઈ સેટેલાઈટ અને મલ્ટી વોર-હેડ મિસાઇલોનો સમાવેશ થાય છે. ઉત્તર કોરિયાએ પણ ઘણા શસ્ત્રોનું પરીક્ષણ કર્યું છે. નોર્થ કોરિયા આગામી એક કે બે વર્ષમાં સબમરીન લોન્ચ કરી શકે છે મૂન કેન-સિકે કહ્યું કે નોર્થ કોરિયાની પાણીની અંદર મિસાઇલો છોડવાની ક્ષમતા ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે તેના દુશ્મનો માટે અગાઉથી આ મિસાઇલોને ડિટેક્ટ કરવી મુશ્કેલ બનશે. તેમણે એમ પણ કહ્યું કે નોર્થ કોરિયા સબમરીનની ક્ષમતાઓનું પરીક્ષણ કરવા માટે આગામી એક કે બે વર્ષમાં તેને લોન્ચ કરી શકે છે, ભલે તેને સત્તાવાર રીતે પછીથી સામેલ કરવામાં આવે. શિપયાર્ડની મુલાકાત દરમિયાન, કિમે કહ્યું કે નોર્થ કોરિયા જળ સપાટી અને પાણીની અંદરના યુદ્ધ શસ્ત્રોને આધુનિક બનાવવાનો હેતુ ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દુશ્મન દેશોની જોખમી નૌકાદળ નીતિઓને રોકવા માટે, આપણે ખાતરી કરવી જોઈએ કે આપણા શક્તિશાળી યુદ્ધ જહાજો તેના મિશન પૂર્ણ કરે.