સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત નીપજ્યું છે. દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં સરી પડ્યો હતો. જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવક મોતને ભેટ્યો હતો. બીજી તરફ મૃતક યુવકની પત્ની અને એક સગીર પુત્ર નિકારગુઆમાં જ અટવાયાં છે. જો કે, વતનમાં રહેતાં મૃતકનાં માતા આ સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવી રહ્યાં છે. પુત્ર પરિવાર સાથે ફરવા જવાનું કહીને નીકળ્યો
મળતી માહિતી મુજબ, મોયદ ગામના રૂપાજી વાસમાં રહેતા દિલીપભાઈ પટેલ તેમના પરિવાર સાથે ત્રણ મહિના પહેલાં ઘરેથી નીકળ્યા હતા. દિલીપભાઈની માતા લખમીબેનના જણાવ્યા મુજબ, તેમનો પુત્ર પરિવાર સાથે ફરવા જવાનું કહીને નીકળ્યો હતો. જો કે, તેઓ ક્યાં ગયા છે તેની તેમને કોઈ માહિતી નથી. લખમીબેનનું એક જ રટણ છે કે, મને મારા પુત્ર અને પરિવારની કોઈ જ ખબર નથી. નિકારગુઆ થઈ અમેરિકામાં પહોંચવા માટે એજન્ટ મારફતે ગોઠવણ
હાલમાં મૃતકના પરિવારનું ઘર એકદમ સૂમસામ છે. માતા લખમીબેન વારંવાર એક જ વાત દોહરાવી રહ્યાં છે કે, તેમનો પુત્ર ફરવા જવાનું કહીને ગયો હતો અને હજુ સુધી પરત આવ્યો નથી. જો કે, સૂત્રો દ્વારા મળેલી વિગતો મુજબ, મૃતક યુવકે નિકારગુઆ થઈને અમેરિકામાં પહોંચવા માટે એજન્ટ મારફતે ગોઠવણ કરાવી હતી. દવાઓનો અભાવને લઈ એજન્ટ પણ શંકાના દાયરામાં
આ કેસમાં વધુ તપાસની જરૂર જણાય છે. કારણ કે, ત્રણ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. સાથે જ યુવકના મોતનું સાચું કારણ જાણવા અંગે પણ તપાસ જરૂરી છે. સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક વિગતો એકઠી કરવામાં આવી શકે છે. મોયદના સરપંચે પણ આ અંગે તેમને સંપૂર્ણ જાણકારી નહીં હોવાનું નિવેદન કર્યું છે. જો કે, યુવકના મોત પાછળ ડાયાબિટીસની દવાઓનો અભાવ હોવાને લઈ એજન્ટ પણ શંકાના દાયરામાં છે. એજન્ટે દોઢ માસ સુધી યુવકના પરિવારને જોખમી સ્થિતિમાં રાખ્યા હોવાના સવાલો પણ ઊભા થઇ રહ્યા છે. બીજી તરફ મૃતકનાં પરિવારજનોએ ચૂપકી સાધી લીધી છે. ગામના 50 ટકા પટેલ USમાં
મોયેદ ગામના સરપંચ ધનરાજસિંહ રાઠોડે જણાવ્યું કે, ગામના આશરે 3500 જેટલી વસ્તી છે. જેમાંથી 50 ટકા જેટલા પટેલ લોકો USમાં વસવાટ કરે છે. આ સમગ્ર પ્રકરણ અંગે તેમણે જણાવ્યું કે, ગામમાં એવી ચર્ચાઓ થાય છે કે, તેઓ અમેરિકા ફરવા ગયા હતા અને ત્યાં તેઓ મૃત્યુ પામ્યા છે. આ બાબત અંગે વધુ કાંઈ જાણકારી મારી પાસે નથી.