back to top
Homeગુજરાતમાત્ર 15 સેકન્ડ માટે રહીશનો જીવ બચી ગયો, CCTV:વડોદરામાં સત્વ પ્રાઈમ ફ્લેટની...

માત્ર 15 સેકન્ડ માટે રહીશનો જીવ બચી ગયો, CCTV:વડોદરામાં સત્વ પ્રાઈમ ફ્લેટની દિવાલ ધરાશાયી, લોકોએ આખી રાત રોડ પર વિતાવી; કહ્યું- હવે અમે ક્યાં જઈશું?

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા સત્વ પ્રાઈમ ફ્લેટની દિવાલ ગત રાત્રે અચાનક ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. જેને પગલે સોસાયટીના રહીશો નીચે દોડી આવ્યા હતા. દિવાલ ધરાશાયી થવાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં સોસાયટીના એક રહીશ પસાર થયા બાદ માત્ર 15 સેકન્ડમાં જ દિવાલ તૂટી પડી હતી અને તેમનો જીવ બચી ગયો હતો. દિવલા ધરાશાયી થયા બાદ 40 ફ્લેટના 200 રહીશોને આખી રાત રોડ પર વિતાવવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બાજુમાં ચાલતી વસંતતારા સ્કાય કન્સ્ટ્રક્શન સાઈટના બિલ્ડરને વારંવાર કહ્યું હતું કે, આ કામગીરી બંધ કરો, અમારા ફ્લેટને નુકસાન થઈ શકે છે, તેમ છતાં કામગીરી બંધ કરવામાં આવી નહોતી. જેના કારણે અમારી દિવાલ તૂટી પડી છે અને અમે હવે રસ્તા પર આવી ગયા છીએ. રાત્રે અચાનક દિવાલ ધરાશાયી થતા લોકોમાં ભય
ગઈકાલે રાત્રે 7:30 વાગ્યે સ્થાનિક લોકોએ બિલ્ડરની ઓફિસમાં જઈને કહ્યું હતું કે, તમારી કામગીરી બંધ કરો, અમારી દિવાલમાં તિરાડો પડી ગઈ છે. તેમ છતાં કામગીરી બંધ કરવામાં આવી નહોતી અને રાત્રે 8:30 વાગ્યે દિવાલ પડી ગઈ હતી અને સોસાયટીની પાછળનો ચાલવા માટેનો રસ્તો પણ તૂટીને ધરાશાયી થઈ ગયો હતો. દિવાલ ધરાશાયી થતા આસપાસના ટાવરમાં પણ ધ્રુજારી ઉત્પન્ન થઈ ગઈ હતી. આ ઉપરાંત આસપાસની સોસાયટીઓમાં પણ રોડ પરથી તિરાડો પડી ગઈ હતી. લોકોને ડર છે કે, તેમના ફ્લેટ ગમે ત્યારે નીચે પડી શકે છે. જેથી તેમના ફ્લેટ સુરક્ષિત રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. ‘લોકો ખાતા ખાતા કોળિયો નીચે મૂકીને ભાગ્યા હતા’
છાણી વિસ્તારમાં આવેલા સત્વ પ્રાઈમ ફ્લેટના પ્રમુખ નિમિષાબેને જણાવ્યું હતું કે, ગઈકાલે ખૂબ જ ગંભીર ઘટના બની છે. કોઈને પણ હાર્ટ એટેક આવી જાય, અમે સ્થાનિકોએ ઘણી વખત કામ રોકવા માટે કહ્યું હતું. અમારી સોસાયટીના એક કાકા ચાલતા હતા અને એ સમયે દિવાલ ધસી પડી હતી અને G અને E ટાવરના 40 મકાનના તમામ રહીશોને બહાર કાઢવા પડ્યા હતા. બધા લોકો ખાતા ખાતા કોળિયો નીચે મૂકીને લોકો ભાગ્યા હતા. અહીંના મધ્યમ વર્ગના લોકોએ પોતાનો મહેલ (મકાન) ઊભા કર્યા હતા. આ ઘર અમારા માટે મહેલ છે. હજુ અમારા મકાનના હપ્તા ચાલુ છે. ફાયર બ્રિગેડ આવ્યું છે અને અમારા મકાન ખાલી કરાવી દેવામાં આવ્યા છે. હવે અમે ક્યાં જઈશું. ‘અહીના લોકો રસ્તા પર આવી ગયા હતા’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીંના લોકો રાતે ઘરની બહાર આવી જતા લોકો રસ્તા પર આવી ગયા હતા અને લોકોએ આખી રાત જાગતા વિતાવી હતી. હાલ ધો.10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે, પણ ઘરમાં રિસિપ્ટ લેવા જઈ શકતા નથી. આ બિલ્ડરની રજા ચિઠ્ઠી રદ્દ કરવી જોઈએ. બિલ્ડર હજી અહીં આવ્યો નથી. બિલ્ડર કોઈ પણ ચમરબંધી હશે, પણ કોઈ સમજૂતી નહીં થાય. અહીંનો બિલ્ડર સિધ્ધરાજસિહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે. ‘પરિસ્થિતિ ખૂબ ખરાબ છે છતાં કોઈ જોવા આવ્યું નથી’
સ્થાનિક પારૂલબેન ઝાલાવાડીયાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીની દિવાલ પડી જવાની ઘટના બની છે તે ખૂબ દર્દનાક છે. અમારે અમારા બાળકો સાથે આખી રાત બહાર રહેવું પડ્યું છે. આજે બપોર સુધી અમારી જમવાની કોઈ વ્યવસ્થા થઈ નથી. અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તેમ છતાં અમને કોઈ જોવા પણ આવ્યું નથી. દિવાલ જે સ્થળે પડી ગઈ ત્યાં અમારી સોસાયટીના લોકો રોજ રાત્રે ચાલવા નીકળતા હોય છે. અમારા બાળકો રોજ સાયકલ ચલાવતા હોય છે. ‘અમારી રહેવા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરો’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સદનસીબે ગઈકાલે રાત્રે મેચ ચાલુ હોવાથી અને રવિવારે લોકો બહાર ગયા હોવાથી નીચે હાજર નહોતા. એક કાકા નીચે ચાલતા હતા, તેમનો જીવ કેટલીક સેંકડો માટે બચી ગયો હતો. અમે લોકો જમતા જમતા ભૂખ્યા પેટે નીચે આવી ગયા હતા. અમારી માંગણી છે કે અમારી રહેવા અને અમારા બાળકોની જમવાની વ્યવસ્થા કરો. અમારા ફ્લેટના પાયા હલી ગયા છે, તે વ્યવસ્થિત કરી આપવામાં આવે તમે અમારી માગણી છે. ‘આ લોકો કોઈની વાત સાંભળી નહોતી’
કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, સત્વ પ્રાઈમની બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઈટનું કામ ચાલે છે. તે લોકોને સત્વ પ્રાઈમના રહિશો એક મહિનાથી કહેતા હતા કે આ કામગીરી બંધ કરો. તમે જે રીતે કામ કરી રહ્યા છો, જેના કારણે અમારી બિલ્ડિંગને નુકસાન થશે. આ લોકો રાજકીય મોટા માથા છે જેથી એ લોકોએ કોઈની વાત સાંભળી નહોતી. ઘણા લોકો ખૂબ જ મુસીબતમાં છે. ‘અમે બધું કામ કરી આપવા તૈયાર છે’
વસંતતારા સ્કાય બિલ્ડિંગના સુપરવાઇઝર પંકજભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ભાઈ 14 માળનું વસંતરાય સ્કાય બિલ્ડિંગ બની રહ્યું છે. જેમાં 80 જેટલા ફ્લેટ બનવાના છે. બાજુના ફ્લેટમાં જે પણ નુકસાન થયું છે અમે તેને બરાબર કરી રહ્યા છીએ. અમે લેખિતમાં આપીને બધું કામ કરી આપવા તૈયાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments