દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… અમદાવાદ શહેર ભાજપ પ્રમુખના નામનું કોકડું ગુંચવાયું
ગુજરાત ભાજપના નવા જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત થઈ ચૂકી છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખના નામમાં કોકડું ગૂંચવાયું છે ત્યારે શહેર પ્રમુખ તરીકે મહિલા મૂકવામાં.આવે તેવી ચર્ચા છે. કર્ણાવતી મહાનગર(અમદાવાદ)ના ભાજપ પ્રમુખ તરીકે બે મહિલા પૂર્વ મેયર અને એક મહિલા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો ચર્ચાઈ રહ્યા છે. નવા જાહેર કરાયેલા જિલ્લા અને શહેર પ્રમુખોમાં ઘણા બધા પ્રમુખો રીપીટ કરાયા છે પરંતુ અમદાવાદમાં પ્રમુખ પદ માટે અનેક દાવેદારો છે અને હાલના પ્રમુખ રિપીટ થાય તેવી શક્યતા નહિવત છે. શહેર પ્રમુખ બનવા માટે દાવેદારોની ખેંચતાણ વધી છે જેથી અમદાવાદમાં પ્રમુખ તરીકે કોઈ મહિલાને મૂકવામાં આવી શકે છે. જેની શક્યતાને પગલે હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ હોદ્દેદાર રહી ચૂકેલા ત્રણ મહિલાઓના નામ મૂકવામાં આવ્યા છે. AMC કમિશનર સરકારી બંગલામાં રહેવા ક્યારે જશે?
અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે કોઈપણ અધિકારીની નિમણૂક કરવામાં આવે ત્યારે તેઓને રહેવા માટે બંગલો મળતો હોય છે. કમિશનરનો બંગલો નગરપતિ નિવાસ (મેયર બંગલો) લો ગાર્ડનની બાજુમાં આવેલો છે. પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન અઢી વર્ષ કમિશનર તરીકે રહ્યા પરંતુ કમિશનર બંગલામાં રહેવા માટે ગયા નહોતા. કમિશનર બંગલો અઢી વર્ષ બંધ રહ્યો હતો હવે અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાનીને એક મહિનો થઈ ગયો પરંતુ હજી સુધી કમિશનર પણ આ બંગલામાં રહેવા ગયા નથી. જોકે હાલમાં બંછાનિધિ પાની ગાંધીનગરથી અમદાવાદ અપડાઉન કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ બંગલો શરૂ થશે કે પછી હજી પણ બંગલો બંધ રહેશે તેને લઈને કોર્પોરેશનના કર્મચારીઓને ભાજપના નેતાઓમાં ચર્ચા ચાલી છે તે બંગલો મળ્યો છે તો અમદાવાદ રહેવા આવશે કે પછી ગાંધીનગરથી જ અવરજવર કરતાં રહેશે. ‘રામ વનવાસ પર જશે, ભરત ગાદી પર બેસશે’
રાજકોટ શહેર ભાજપ પ્રમુખના તરીકે ડો. માધવ દવેના નામની જાહેરાત અનેક માટે આશ્ચર્ય ઉપજાવે તેવી હતી. રાજકોટ કમલમ ખાતે જયારે ક્લસ્ટર ચૂંટણી પ્રભારી તેમજ શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત હતા દરમિયાન રાજકોટ શહેરના ધારાસભ્ય ઉદય કાનગડે એક વાક્ય બોલ્યું હતું અને તેને સાંકેતિક ઈશારો પણ કહેવામાં આવ્યો હતો. જેમાં તેઓએ રામ વનવાસ જશે, ભરત ગાદી પર બેસશે કહેતા ધારાસભ્યના આ વિધાનનો સંદર્ભ શું છે તેવી ચર્ચા શરૂ થઇ હતી. હવે આ નિવેદન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે હતું કે, પછી અન્ય કોઈ માટે તે અંગે કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ચર્ચા ચકડોળે ચડી છે. એટલું જ નહિ રાજકોટ ભાજપ પ્રમુખની જાહેરાત સમયે સાંસદ રામ મોકરિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાનુ સન્માન કરવાનું ભૂલાઈ ગયું હતું. કોઇએ યાદ કરાવતા સાંસદ બોલ્યા હતા કે, ‘રામ ભરતનું મિલન કરીને એકબીજાનું સન્માન કરી લઈએ’ અને બાદમાં બંને આગેવાનોએ એકબીજાને પુષ્પગુચ્છ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે વર્તમાન પ્રમુખ સહીત 32 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી પરંતુ પ્રમુખના નામની જાહેરાત પૂર્વે પેપર ફૂટી જતા જયારે ચૂંટણી ક્લસ્ટર દ્વારા નામની જાહેરાત કરવામાં આવી એ સમયે બે ચાર દાવેદારોને બાદ કરતા બાકીના તમામની ગેરહાજરી સૂચક બની હતી અને નારાજગી સ્પષ્ટ દેખાઈ હતી. હવે આગામી સમયમાં સંઘ બેકિંગ ધરાવતા પ્રમુખ માધવ દવે જૂથવાદ ડામવામાં કેટલા સફળ નીવડે છે તે જોવું અગત્યનું રહેશે.. સુરત આપમાં ‘દાડમ’ અને ‘બાડા’ની દખલગીરી
આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષમાં છે. કોર્પોરેટર અને વિપક્ષ નેતા પોતાની રીતે સામાન્ય સભામાં કયા પ્રકારે કયા મુદ્દાઓને ઉઠાવવા અને કયા મુદ્દે ચર્ચા કરવી તે અંગેનો નિર્ણય પણ લઈ શકતા ન હોવાની ચર્ચા છે. પાર્ટીના બે જાણીતા વ્યક્તિ જે દાડમ અને બાડો તરીકે ઓળખાય છે. તેમના દ્વારા કરવામાં આવતા આદેશનું જ પાલન ફરજિયાત પણે કરવાનું રહેતું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ દાડમ અને બાડો કોણ છે? તે પાર્ટીના કાર્યકર્તા ખૂબ સારી રીતે જાણે છે પરંતુ પાર્ટીમાં તેઓ જે રીતે કોર્પોરેશનની તમામ કામગીરીમાં દાખલ કરી રહ્યા છે તે પાર્ટીના કોર્પોરેટર અને અન્ય હોદ્દેદારોને પણ પસંદ નથી. પરંતુ આમ આદમી પાર્ટીમાં દાડમ તરીકે ઓળખાતા વ્યક્તિ પાર્ટી ઉપર પોતાનું એટલું બધું પ્રભુત્વ ઊભું કરી દીધું છે કે વિપક્ષના નેતા પણ સામાન્ય સભામાં કેટલું બોલશે તેની સ્ક્રીપ્ટ પોતે લખીને મોકલે છે. સિંહના હુમલામાં માનવમૃત્યુનો બનાવ છુપાવવા વનવિભાગના ધમપછાડા નિષ્ફળ
અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ખાલપર હઠીલા વિસ્તારની સીમમાં એક વ્યક્તિનો શિકાર કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. જેની બાજુમાંથી સિંહના સગડ પણ જોવા મળ્યા હતા જેથી વનવિભાગની ટિમ પણ તપાસ માટે પહોંચી હતી. પરંતુ હોબાળો ન થાય તે માટે વનવિભાગ દ્વારા શંકા વ્યક્ત કરી આ વ્યક્તિ સાથે કોઈ અણબનાવ બન્યો છે તેમ કહેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ પરિવારજનોએ સિંહ દ્વારા શિકાર કરવામાં આવ્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપવામાં આવી હતી. આમ છતાં વનવિભાગએ વાતને દબાવવા માટે દિવસભર હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. પ્રાથમિક પોસમોર્ટમ રિપોર્ટને પણ અવગણતા આખરે ફોરેન્સિક રિપોર્ટ કરાવવામાં આવતા વનવિભાગે કરેલ દબાણ છુપાઈ ન શક્યું અને આખરે ફોરેન્સિક રિપોર્ટમાં પણ વન્યપ્રાણીએ જ શિકાર કર્યો છે આ વાતનો ઘટસ્ફોટ થયો છે. એટલું જ નહિ ફોરેન્સિક રિપોર્ટ બહાર આવતા નવ નયુક્ત IFS અધિકારીને ના છૂટકે સ્થળ વિઝીટ કરવાની ફરજ પડી હતી. જોકે આ પણ ખાનગી રાહે મુલાકાત કરી હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. વન્યપ્રાણી હિંસક બન્યાનું દબાવવા માટે વનવિભાગ પ્રયાસ કરી રહ્યા હોવાનું અમરેલી જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા તો એવી પણ છે કે જે વિસ્તારમાં માનવ મૃત્યુ થયું તે વિસ્તારમાં ખાનગી રાહે રાત્રીના સમયે એક સિંહને રેસ્ક્યૂ ઓપરેશન કરી પાંજરે પુરી લઇ જવાયો છે. જો કે માનવભક્ષી બનેલ સિંહ પાંજરે પુરાયો કે અન્ય સિંહ તેને લઈ કોઈ સ્પષ્ટતા થઇ શકી નથી. ભાજપના મહિલા કોર્પોરેટર પાડોશીથી પરેશાન!
ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના ભાજપ સરકાર અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા દાવા કરવામાં આવે છે. પરંતુ અમદાવાદના એક મહિલા કોર્પોરેટર જ પોતાના વિસ્તારમાં સુરક્ષિત નથી. મહિલા કોર્પોરેટર અને પાડોશી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી તકરાર ચાલે છે. ભાજપના મહિલા કોર્પોરેટર અને પાડોશીના ઝઘડા અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મહિલા કોર્પોરેટર અને તેમના પરિવાર દ્વારા મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી અને સ્થાનિક પોલીસથી લઈને ડીસીપી સુધી અવારનવાર ફરિયાદો કરી છે. છતાં પણ તેઓને વારંવાર હેરાન કરવામાં આવી રહ્યા છે. પાડોશી સાથેના ઝઘડામાં કેટલાક સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને મજા પડી ગઈ છે અને ખુદ ભાજપના જ કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ આ મહિલા કોર્પોરેટરના મદદમાં આવતા નથી. મહિલા કોર્પોરેટર અને તેનો પરિવાર છેલ્લા કેટલાય સમયથી આ બધી બાબતે હેરાન છે. જો ભાજપની જ મહિલા કોર્પોરેટર સુરક્ષિત ના હોય તો પછી સામાન્ય મહિલાઓ કેવી રીતે સુરક્ષિત રહી શકશે એવી મહિલા નેતાઓને કાર્યકર્તાઓમાં ચર્ચા છે. પ્રમુખને શુભેચ્છા પાઠવવામાં એક નેતાએ ઉતાવળ કરી નાખી
નવા શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી તેને લઈને સોશિયલ મીડિયા ઉપર અભિનંદનના મેસેજો અને ફોટો પોસ્ટ મૂકી અભિનંદન આપવામાં આવી રહ્યા હતા. જેમાં અમદાવાદના એક ભાજપના હોદ્દેદારે એક મહિલા સાથેનો ફોટો મૂકીને તેમને અભિનંદન આપ્યા હતા. જોકે તે મહિલાને કોઈ જિલ્લા કે શહેરના પ્રમુખ બનાવવામાં આવ્યા નહોતા. શહેર હોદ્દેદારને તેમના નજીકના જ અને તેમની સાથે જ હોદ્દેદાર બનેલા હતા તેઓને જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. પરંતુ ઉતાવળે અભિનંદન આપવામાં ફોટો બીજાનો મુકાઈ ગયો અને અભિનંદન બીજાને આપી દેવાયા તેવું બન્યું હતું. જે પોસ્ટનો સ્ક્રીનશોટ પણ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓના ફોનમાં વાયરલ થતા ચર્ચા જાગી હતી કે ઉતાવળે અભિનંદન આપતા આવું થતું હોય એટલે ધ્યાન રાખવું પડે. ગુજરાત યુવા ભાજપ પ્રમુખનું પદ મેળવવા લોબિંગ શરૂ
ગુજરાત ભાજપ સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક થઈ રહી છે. જેમાં યુવા મોરચાના પ્રમુખ બનવા માટે ભાજપ યુવા નેતાઓમાં હોડ જામી છે. ભાજપના પ્રદેશ યુવા મોરચા પ્રમુખ તરીકે પ્રદેશમાં જ હોદ્દો ધરાવતા એક હોદ્દેદારના નામની ચર્ચા જાગી છે. યુવા હોદ્દેદાર પ્રદેશના એક હોદ્દેદારની નજીકમાં છે. નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ યુવા મોરચા પ્રમુખની જાહેરાત થવાની છે ત્યારે યુવા પ્રમુખ બનવા માટે આ હોદ્દેદાર પોતાના સોગઠાં અત્યારથી ગોઠવી રહ્યા છે. યુવા પ્રમુખની રેસમાં અનેક દાવેદારો છે પરંતુ નેતા હાલમાં તો યુવા પ્રમુખ બનવા રેસમાં દોડી રહ્યા છે. બીજી તરફ યુવા નેતા પોતે કયાંય રેસમાં નથી પરંતુ તેઓ અને તેમના ટીમમાં સાથે રહેલા હોદ્દેદારોને પણ ક્યાંકને ક્યાંક સ્થાન મળે તેવા સોગઠાં ગોઠવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે.