back to top
Homeગુજરાત''એ રડતો રડતો મોડીરાત્રે મારી દુકાને આવતો'':કુમળી વયે કાળા કામથી શર્મશાર ગુજરાત,...

”એ રડતો રડતો મોડીરાત્રે મારી દુકાને આવતો”:કુમળી વયે કાળા કામથી શર્મશાર ગુજરાત, સરકારી હોસ્ટેલના સંચાલકનો પુત્ર ‘ઓનપેપર’ સિક્યોરિટી ગાર્ડ

જે બાળકોને દુનિયાદારીની સમજણ ન હોય. જે ઉંમરમાં નવું-નવું જાણવાનું, શીખવાનું હોય તેવા બાળકો જ્યારે અશ્લિલતા પર ઉતરી આવે ત્યારે આ ઘટના તો પોતાનામાં ગંભીર છે જ, પણ સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. કુમળી વયના બાળકો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે, પરેશાન કરવા પૂંઠમાં લાકડી ભરાવે ત્યારે આવી ઘટના ગરવી ગુજરાતના લલાટે કાળી ટીલી સમાન છે.
આ વાત ધંધુકા જિલ્લાના પચ્છમ ગામના સરસ્વતી બક્ષીપંચ કુમાર છાત્રાલયની છે. વાત જાણે એમ છે કે આ છાત્રાલયમાં રહીને ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી સાથે 11 અને 12મા ધોરણના સાથી વિદ્યાર્થીઓએ જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. શિક્ષણ, સંસ્કાર અને સંચાલનને શર્મસાર કરતી આ ઘટના સામે આવ્યા બાદ રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે. સમગ્ર ઘટના અંગેની હકિકત જાણવા માટે દિવ્યભાસ્કર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું. સૌ પહેલા અમે સમગ્ર ઘટનાના પીડિત બાળકના ગામ ભાયલા પહોંચ્યા. અમે પહોંચ્યા ત્યારે પીડિતના ઘરે તાળું જોવા મળ્યું. આ પછી અમે સમગ્ર ઘટનાની તપાસ માટે ઘટનાસ્થળ પચ્છમ ગામની સરસ્વતી બક્ષીપંચ કુમાર હોસ્ટેલ પહોંચ્યા. હોસ્ટેલમાં અમારી મુલાકાત પીડિત બાળક સાથે થઈ. પીડિત બાળકે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી. પીડિતના પરિવારજનો પણ અમારી સાથે વાતચીત કરવા સહમત થયા. ભાસ્કરે ગ્રાઉન્ડ પર જઈને ઘટનાની સમીક્ષા કરી તે જાણીએ તે પહેલાં પીડિત બાળક સાથેની વાતચીત વાંચી લો… ”દસ દિવસમાં મારી સાથે ચારેક વખત ‘ખરાબ કામ’ કર્યું”
જે બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય થયું, તેની પૂંઠમાં જ બળજબરીથી લાકડી ભરાવવાની કોશિશ થઈ. ભાસ્કર જ્યારે પીડિત બાળકને મળ્યું અને વાતચીત કરી તે પહેલાં બાળકના પિતાની સંમતી લીધી હતી અને પરિવારના મોભીની હાજરીમાં વાતચીત કરી હતી. બાળકે ભાસ્કર સાથેની વાતચીતમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. બાળકે જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ તેને હેરાન કરતા હતા તે સતત દસ દિવસથી પરેશાન કરતા હતા. દસ દિવસમાં ચારેક વખત ‘ખરાબ કામ’ કર્યું હતું. એવું માનસિક દબાણ કરતા હતા કે બાળક કોઈને કાંઈપણ કહેતાં ડરતો હતો. બાળકે ભાસ્કરના દરેક સવાલના જવાબ આપ્યા. બાળક સાથેના ઈન્ટરવ્યૂનો વિગતવાર અહેવાલ અહીં લિન્ક પર ક્લિક કરીને વાંચો…
હવે પચ્છમ ગામની વાત પર આવીએ…
અમે જ્યાં ઘટના બની હતી તે હોસ્ટેલમાં પ્રવેશ્યા. સૌ પહેલા અમે પીડિત સાથે હોસ્ટેલમાં રહેતા સાથી મિત્રો સાથે મુલાકાત કરી. સાથી બાળકો કેમેરા સામે તો વાતચીત કરવા તૈયાર ન થયા પરંતુ તેમણે સમગ્ર હકીકત અમને જણાવી. હોસ્ટેલમાં રહેતા બાળકોએ ભાસ્કરને જણાવ્યું કે, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ તેમના જ સાથી મિત્રો પર આતંક ગુજારતા. તેમણે કહ્યું કે, આ ગેંગમાં મુખ્ય પાંચ સભ્યો હતા. બાળકે આતંક મચાવતા પાંચ વિદ્યાર્થીઓના નામ આપ્યા. ભાસ્કર પાસે આતંક મચાવતા બાળકોના નામ છે પણ તમામ સગીર હોવાના કારણે અહીં નામ લખી શકાય તેમ નથી. હોસ્ટેલના બાળકોએ એવો આરોપ લગાવ્યો કે જ્યારે ગૃહપતિ રજા ઉપર હોય ત્યારે હોસ્ટેલની સંભાળ લેનારું કોઈ નહોતું. સંચાલકો પણ ફરકતા નહીં. બાળકોને રીતસરના રેઢા મુકી દેવામાં આવતા હતા. આ સરકારી હોસ્ટેલના ગૃહપતિ છે ઘનશ્યામભાઈ. સંચાલનની જવાબદારી આમ તો એમની જ છે. ભાસ્કરે ગૃહપતિ ઘનશ્યામભાઈનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે, જ્યારે ઘટના બની ત્યારે હું પ્રયાગરાજ ગયો હતો. હું 18 થી 27 ફેબ્રુઆરી સુધી રજા પર હતો. આ ઘટના અંદાજે 22 કે 23 તારીખે સાંજે બની હતી. મેં આ અંગે રજા રિપોર્ટ પણ મોકલી આપ્યો હતો. હું ગેરહાજર હોઉં ત્યારે સમગ્ર વ્યવસ્થાની જવાબદારી સંચાલકોની જ રહેતી હતી. બાળક અંગે વાત કરતાં ઘનશ્યામભાઈ કહે છે કે, પીડિત બાળક શાંત સ્વભાવનો છે. બીજા બાળકો જેવો તોફાની નથી. તેમણે કહ્યું કે, કોઈ બાળકે અગાઉ આવી ઘટનાની કોઈ ફરિયાદ કરી નહોતી. આ હોસ્ટેલમાં 61 વિદ્યાર્થીઓ રહે છે. અત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલતી હોવાથી હાલમાં 15 જેટલા જ વિદ્યાર્થીઓ રહેતા હતા. આ હોસ્ટેલના સંચાલન માટે 7 થી 8 લોકોની કમિટિ છે. ઘનશ્યામભાઈ કહે છે, આવી ઘટના પહેલીવાર સામે આવી છે. હું તો ગેરહાજર હતો. રજા ઉપર હતો. તેથી આ સમગ્ર મામલાની જવાબદારી સંચાલકોની જ ગણાય. ગૃહપતિ ખરેખર રજા પર હતા કે કેમ, તે ચેક કરવા ભાસ્કરે તેમની રજાચિઠ્ઠી પણ તપાસી હતી.
ગૃહપતિ સાથે વાતચીત બાદ અમે સમગ્ર સંસ્થાના સંચાલકોનું લિસ્ટ મેળવ્યું
સંચાલકોની સમિતિમાં કુલ 7 સભ્યો છે જેમાંથી મુખ્ય ચાર લોકોના નામ આ રહ્યા… અમને એક બીજી ચોંકાવનારી વાત જાણવા મળી. આ સંસ્થા ગ્રાન્ટેડ હોવાથી આર્થિક લાભ મેળવવા માટે અહીં મુખ્ય સંચાલક સુખદેવભાઈ ડોડિયાએ સિક્યોરિટી ગાર્ડ તરીકે પોતાના દીકરાનું નામ લખાવી દીધું હતું. પરંતુ તે ક્યારેય હોસ્ટેલમાં ફરકતો ય નહોતો. આ અંગેની ખરાઈ કરવા માટે અમે મુખ્ય સંચાલક સુખદેવભાઈ સાથે પણ વાતચીત કરી. સુખદેવભાઈ કહે છે કે, અમે પહેલા આ ઘટનાથી અજાણ હતા. જ્યારે અમને સમગ્ર ઘટનાની જાણ થઈ કે તુરંત જ અમે દોષિત વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી નાખ્યા. તે કહે છે કે અગાઉ આવી ઘટના બની હોય તો તેમના વાલીઓને અંદરોઅંદર સમાધાન થયું હશે. પીડિત વિદ્યાર્થીની ઓળખ છતી ન થાય તે માટે અગાઉ તેમણે સમાધાનની ફોર્મ્યુલા અપનાવી હતી. સુખદેવભાઈને અમે તેમના દીકરા અંગે પૂછ્યું તો તેઓ ચોંકી ઉઠ્યા. તેમને સ્વિકાર્યું કે હોસ્ટેલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે તેમના દીકરાનું જ નામ છે. તેમણે પોતાનો દીકરો છાત્રાલયમાં આંટો મારી જતો હોવાનું કહી તેનો લૂલો બચાવ પણ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે ગૃહપતિ રજા પર હતા. હવે ચાર-પાંચ દિવસમાં નવો માણસ કેવી રીતે શોધવો.. પણ હું રાત્રે 9 વાગ્યા સુધી હોસ્ટેલમાં હાજર રહેતો હતો. સવારે પાંચ વાગ્યે છોકરાઓને ઉઠાડવાના હોય એટલે જતો. ટૂંકમાં સુખદેવભાઈએ આડકતરી રીતે એવું તો સ્વિકારી જ લીધું કે રાત્રે 9 વાગ્યા પછી ત્યાં કોઈ હાજર નહોતું. હોસ્ટેલમાં આતંક મચાવનાર વિદ્યાર્થીઓ પીડિત વિદ્યાર્થીને ઢોર માર મારતા અને રાત્રે 12 વાગ્યે પાન-મસાલો અને નાસ્તાના પડીકાં લેવા મોકલતા હતા. એ બાળક રડતાં રડતાં અને અંધારામાં ડરતાં ડરતાં નાસ્તાના પડીકાં લેવા જતો હતો. બાળક અડધી રાત્રે જ્યાં નાસ્તો લેવા જતો તે દુકાન સંભાળનાર લીલાબેન ચૌહાણ સાથે પણ ભાસ્કરે વાતચીત કરી. લીલાબેને કહ્યું કે, એ બાળક અવારનવાર મોડી રાત્રે રડતાં રડતાં અમારી દુકાને આવતો હતો. મોડીરાત્રે દુકાનનો દરવાજો ખખડાવતો હતો. અમારું ઘર પાછળ જ હોવાથી અમે તેને જે જોઈતો હોય તે સામાન આપતા હતા. તે નાસ્તાના પડીકાં અને પાન-મસાલા લઈ જતો હતો. હું તેને પૂછતી પણ ખરી કે કેમ રડે છે? કોણ હેરાન કરે છે? પરંતુ તે સ્પષ્ટ જવાબ નહોતો આપતો. તે ગભરાયેલો દેખાતો. હું તેને પૂછતી કે તું આટલી રાત્રે વસ્તુઓ લેવા આવે છે તો તને ડર નથી લાગતો? ત્યારે તે જવાબ આપતો કે, બીક તો લાગે છે પણ એકલા આવવું પડે છે. પીડિત બાળકને ન્યાય મળે તે માટે તેના પરિવારજનો સહિત 50થી વધુ લોકો વહેલી સવારથી પચ્છમ ગામની હોસ્ટેલ પાસે ખડેપગે ઊભા હતા. અમે પીડિતના પિતા સહિત પરિવારજનો સાથે પણ વાતચીત કરી. પીડિતના પિતા કહે છે કે, હું સવારનો ન્યાય માટે અહીં ઉભો છું. મને 24 તારીખે સાજે સૌથી પહેલો ફોન કરવામાં આવ્યો હતો. ફોન આવ્યા બાદ તુરંત જ હું મારા દીકરાને છાત્રાલયમાંથી લઈ ગયો હતો. સંચાલક તો હજુ સુધી આ બાબતે જાણ કરવા માટે પણ તૈયાર નથી. અમે ન્યાયની માંગ કરીએ છીએ. હોસ્ટેલમાં રાત્રે કોઈ હોતું નથી. પાન-મસાલા, ગુટકાથી લઈને દારૂનું વ્યસ્ન અહીં ખુલ્લેઆમ ચાલે છે. અમારો પ્રયાસ તો એ જ છે કે, આ હોસ્ટેલ જ સંપૂર્ણપણે બંધ થવી જોઈએ. કોળી-ઠાકોર સમાજના યુવા આગેવાન શૈલેષભાઈ કહે છે કે, અમે છેલ્લા ત્રણ દિવસથી ન્યાય માટે ખડેપગે છીએ. આ વિસ્તારના ધારાસભ્ય અને સમાજના આગેવાન કાળુભાઈ ડાભી અહીંયા ફરકતા પણ નથી. પીડિત પરિવારનો સંપર્ક પણ તેમને નથી કર્યો. અમારા સમાજના નેતાઓને માત્ર રિબિન કાપવા માટે રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા આ બનાવ માત્ર મારામારીનો લાગતો હતો ત્યારે કાળુભાઈ ડાભી સમાધાન માટે સક્રિય થયા હતા. જો કે,આવું કૃત્ય હોવાની જાણ થયા પછી તે દેખાતા નથી. રાજ્યના ગૃહમંત્રી તો હંમેશા આરોપીઓના સરઘસ કાઢવાની વાત કરતા હોય છે તો આ મામલે કેમ ચૂપ છે? પીડિતના પરિચિત વિપુલભાઈ ગોહિલ કહે છે કે, અમને હજુ પણ ન્યાય મળતો નથી. ધંધુકાના ધારાસભ્યએ અગાઉ મને ફોન કર્યો હતો અને સમગ્ર મામલે સમાધાન કરવાની ભલામણ કરી હતી. પરંતુ આ માત્ર મારામારી નહીં પરંતુ આવું કૃત્ય હોવાનું સામે આવ્યા બાદ મેં તેમને ફોન કર્યો હતો. જો કે, આ પછી કાળુભાઈએ પોતે મીટિંગમાં હોવાનું કહ્યું હતું. જે રીતે અમારો દીકરો રાડ પાડતો હતો તે રીતે આ આરોપી પણ રાડ નાખવા જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments