સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં આવેલા એક શેડમાંથી ઝડપાયેલું 3.40 કરોડનું સિન્થેટીક ડ્રગ એમડીના કેસમાં મુખ્ય આરોપી ચિરાગ ગિરીશભાઈ પટેલની મંજુસર પોલીસે ધરપકડ કરી છે. જ્યારે આરોપીના 12 માર્ચ સુધીના રિમાન્ડ પોલીસે મેળવ્યાં છે. ઉલ્લેખનિય છે કે,આરોપીઓ ચિરાગ પટેલ,બિહારનો વિપુલસિંગ અને અજાણ્યો ઇસમ રોમાટિરિયલ લાવી ડ્રગ તૈયાર કર્યા બાદ લઈ જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ઉપરાંત અગાઉ ઝડપાયેલો આરોપી જગદીશ જીતસિંગ મહીડા 10 વર્ષ અગાઉ પણ ગાંધીનગર ખાતે ડ્રગ બનાવતા ઝડપાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. એસઓજીના પીઆઈ જે.એમ. ચાવડા તેમજ સ્ટાફના માણસોએ બાતમી આધારે દરોડો પાડયો હતો. પોલીસે દરોડામાં ડ્રગ બનાવતા બે ઇસમો ઝડપી પાડ્યા હતા.જેમાં જગદીશભાઈ જીતસિંહ મહીડા (રહે- મોકસી) અને પ્રેમચંદકુમાર હરિનારાયણ મહતો (રહે- ગોરવા) નો સમાવેશ થાય છે. ખેતરમાં બનાવેલા આ શેડમાં સિન્થેટિક ડ્રગ્સ બનાવાતું હતું. પોલીસે તૈયાર થયેલું ડ્રગ્સ મેફેડ્રોનનો 3.3 કિલો જથ્થો કિંમત 3.79 કરોડ ને ઝડપી પાડ્યું હતું.જ્યારે ડ્રગ બનાવવા માટે વપરાતું રો કિંમત 1.73 કરોડનું મટિરિયલ કબજે કર્યું હતું.મોક્સી ગામે ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયા બાદ સમગ્ર વિસ્તાર પોલીસે કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી.મોડી રાત્રે એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવાઈ હતી. નેટવર્કના સૂત્રધારની તપાસ ચાલી હતી.