પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. એવા સમાચાર સામે આવ્યા છે કે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહીં અને તેમને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. જોકે, તેને લઈને અમેરિકા કે પાકિસ્તાનની સરકાર તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. રાજદૂત વગાન પાસે માન્ય યુએસ વિઝા અને તમામ જરૂરી મુસાફરી દસ્તાવેજો પણ હતાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજદૂત કેકે એહસાન વગાનને અમેરિકાના લોસ એન્જેલિસ એરપોર્ટથી પાછા મોકલી દેવામાં આવ્યા છે. તેમની પાસે માન્ય વિઝાથી લઇને દરેક ડોક્યુમેન્ટ્સ હોવા છતાંય આ કાર્યવાહી કરવામાં આવી છે. તેઓ અમેરિકામાં રજા મનાવવા પહોંચ્યા હતા અને આ દરમિયાન ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને રોકી દીધા અને કાર્યવાહી કરી આ ઘટના અંગે વિદેશ મંત્રી ઈશાક ડાર અને વિદેશ સચિવ અમીના બલોચને જાણ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે લોસ એન્જલસમાં પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસને આ મામલે તપાસ કરવા કહ્યું છે.તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કેકે અહેસાન વાગન લાંબા સમયથી પાકિસ્તાનની વિદેશ સેવામાં છે. તેમણે કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરીથી લઈને લોસ એન્જલસમાં પાકિસ્તાનના કોન્સ્યુલેટ જનરલમાં ડેપ્યુટી કોન્સલ જનરલ, મસ્કતમાં રાજદૂત અને નાઈજરમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેવા આપી છે.