સરકારની અમૃત યોજના હેઠળ 2.28 કરોડના ખર્ચે નાની જગ્યામાં જંગી ખર્ચ સાથેના આદિપુરના રાજેન્દ્ર પાર્ક બગીચો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર એજન્સી એ બગીચામાં ખોદકામ કર્યું છે, અને જુના સાધનો અલગ કર્યા છે. પેવર બ્લોક પણ બીછાવ્યા છે, ત્યાર પછી કોઈ કારણોસર કામ 6 મહિનાથી બંધ અવસ્થામાં છે. તત્કાલીન સમયના ચીફ ઓફિસર અને હાલના મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર બગીચાની મુલાકાત લઈ આવ્યા છે, ત્યાર પછી પણ કામ બંધ અવસ્થામાં જ છે. જેના પગલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે એક તરફ નાની જગ્યામાં જંગી ખર્ચ તો બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલ વિશાળ બગીચો છે, તે ખાસું એવું ડેવલપમેન્ટ માંગે છે. પણ તેમાં 50 લાખ રૂપિયા ના ખર્ચે એક ભાગમાં જ ડેવલોપમેન્ટ કરવાનું છે અને તેની કામગીરી પણ ચાલુ છે. પરંતુ હાલના સમયે સૌથી વધુ સવાલો ઉઠી રહ્યા છે તે છે આદિપુર ના રાજેન્દ્ર પાર્ક બગીચો છે. તત્કાલીન સમયની નગરપાલિકાએ એજન્સીને 2.28 કરોડના ખર્ચે બગીચો બનાવવાનું કામ આપ્યું છે. આધુનિક બગીચો બનાવવાનો છે એટલે નાની જગ્યાનો કરોડોનો ખર્ચ તેમાં કરવામાં આવી રહ્યો છે. પરંતુ દસમા મહિનાથી આ બગીચાનું કામ બંધ અવસ્થામાં છે. પહેલા તો વ્યાપક ખર્ચ સામે સવાલો ઉઠી રહ્યા છે અને હવે બગીચાનું કામ ખુદ તંત્રએ બંધ કરાવ્યું હોવાનું સામે આવતા સવાલો ઊઠે છે. આ બગીચામાં 2.28 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ હોલનું રીનોવેશન, ગેટનો લોખંડનો દરવાજો, સુરક્ષા કેબિન અને ટિકિટ બારી, ગાજેબોનો, ફુવારા, જીમ, રમત ગમતના આધુનિક સાધનો, સ્ટ્રીટ લાઈટો, સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વોલીબોલ કોર્ટ, પ્રેક્ટિસ ક્રિકેટ પીચ, બેસવા માટેના બાંકડા સાહિત કામગીરી કરવાની છે. જગ્યા વિશાળ નથી એટલે તેમાં પ્રેક્ટિસ ક્રિકેટ પીચ તથા વોલીબોલ કે અન્ય કોઈ કોર્ટ તે વસાવે તો સામે બાળકોને રમત ગમતના સાધનોથી રમવાની જગ્યા ઓછી પડે તેમ છે. ખર્ચ ઉપર અનેક સવાલો ઊભા થયા છે તેની સાથે સાથે આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે છ મહિનાથી બગીચાનું કામ બંધ છે. કામ શુ કામ બંધ કરાવવામાં આવ્યું છે, તેનો જવાબ જવાબદારો પાસે નથી તેના કારણે પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. ખરેખર આ બગીચાના ખર્ચ અને કામ બાબતે મહાનગરપાલિકાના કમિશનર સમીક્ષા કરે તે અત્યંત જરૂરી અને આવશ્યક છે. બીજી સૂચના ન મળે ત્યાં સુધી કામ સ્થગિત કરવું
દસમા મહિનામાં તત્કાલીન સમયે નગરપાલિકાએ એજન્સીને પત્ર પાઠવીને કમ્પાઉન્ડ હોલ દરવાજા, સીસીટીવી કેમેરા સહિતની 10 કામગીરી બીજી સૂચના ન મળે ત્યાં સુધી ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. અને આ કામ અટકાવવામાં પદાઅધિકારીની ભૂમિકા હોવાનું સામે આવી રહ્યું છે કરોડો રૂપિયાના ખર્ચે નવો બગીચો બનાવો અથવા તો બગીચાને ડેવલોપ કરવાનું કામ શરૂ થયા પછી અટકાવવામાં આવે તો અનેક સવાલો ઊઠે છે અને રાજેન્દ્ર પાર્કમાં પણ એવું જ થઈ રહ્યું છે. છત્રપતી શિવાજી પાર્ક ખંડેર બનવા તરફ
મહાનુભવોના નામ ઉપરના બગીચાઓ ખંડેર બનવા તરફ છે, છત્રપતી શિવાજી પાર્કની સ્થિતિ ખરાબ છે, ફુવારા બંધ છે. યોગ્ય મેન્ટેનન્સ થતું નથી. તો ટાગોર પાર્કમાં પણ આવી જ સ્થિતિ છે. મનપા હસ્તકના 9 બગીચાઓ છે. તે પૈકીના 7 નું સંચાલન ખાનગી ધોરણે સોપાયેલું છે. છતાં બગીચા ની સ્થિતિ સારી નથી. અધિકારીઓ સમીક્ષા કરે અને યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી છે.