સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી કામધેનુ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અંગે કિસાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 200થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. મહેસાણા વર્તુળના વન સંરક્ષક ડૉ. કે. શશીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી આવનારી પેઢી માટે આશીર્વાદરૂપ છે. તેમણે દેશી ગાય આધારિત ખેતીને વર્તમાન સમયનો શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો. આ પદ્ધતિ માનવ અને પર્યાવરણ બંને માટે હિતકારક છે. તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતીથી કેન્સર જેવા રોગોથી પણ બચી શકાય છે. DCF શ્રેયશભાઈ પટેલે ગ્લોબલ વોર્મિંગ, અતિવૃષ્ટિ અને ગરમીની સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી આ સમસ્યાઓનો એકમાત્ર ઉપાય છે. તેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ખેડૂતોની આવક બમણી થાય છે. તેમણે ખેડૂતોને પોતાના ખેતરના નાના ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં DFO એચ.કે. પંડ્યા, RFO અને ફોરેસ્ટર સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.