મોડાસા માર્કેટયાર્ડમાં આજે ખેડૂતોએ ઘઉંની હરાજી અટકાવી દીધી હતી. વેપારીઓ દ્વારા ઘઉંના ભાવમાં કરાયેલા ઘટાડાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ઘઉંની આવક શરૂ થઈ છે. ખેડૂતોને પ્રતિ મણ 600થી 650 રૂપિયાનો ભાવ મળી રહ્યો હતો. આજે વહેલી સવારથી ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડમાં આવ્યા હતા. હરાજી દરમિયાન વેપારીઓએ માત્ર બે-ત્રણ ખેડૂતોને જ 600 રૂપિયાથી વધુનો ભાવ આપ્યો. બાકીના ખેડૂતોને પ્રતિ મણ માત્ર 400થી 500 રૂપિયાનો ભાવ આપવામાં આવ્યો. આ ભાવથી નારાજ થયેલા ખેડૂતોએ માર્કેટયાર્ડમાં હોબાળો મચાવ્યો. પરિસ્થિતિ વધુ બિચકે નહીં તે માટે માર્કેટયાર્ડના સત્તાધીશોએ હરાજી બંધ કરાવી દીધી. આ સમગ્ર ઘટના અંગે વેપારીઓએ કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે તેઓ ખેતી પાછળ પુષ્કળ મહેનત અને ખર્ચ કરે છે. તેમને તેમની ઉપજના યોગ્ય ભાવ મળવા જોઈએ. વેપારીઓ દ્વારા ઓછા ભાવ આપવામાં આવતા તેમની આજીવિકા પર અસર થાય છે.