2022માં બનેલી મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં જયસુખ પટેલ સહિત 10 લોકોની અટકાયત બાદ એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેને જામીન આપ્યા હતા. ત્યારે આરોપીઓના વકીલે તમામ આરોપી નિર્દોષ હોવાની અરજી રજૂ કરવામાં આવી હતી. તેમાં સરકાર તેમજ વિકટીમ એસો.ના વકીલ દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જો કે, આજે તે કેસમાં આગામી તા 15 એપ્રિલની મુદત પડી છે અને જયસુખ પટેલને મોરબી જિલ્લામાં પ્રવેશને મંજૂરી આપી છે. શું છે મામલો?
30 ઓકટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટતા 135 લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં પોલીસે 10 આરોપીઓ સામે FIR નોંધી હતી. આ 10 આરોપીઓ પૈકી મોરબી ઝૂલતાં બ્રિજનું મેનેજમેન્ટ કરનાર ઓરેવા કંપનીના 2 મેનેજર, 2 કલાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ અને બ્રિજનાં કલરકામ સાથે સંકળાયેલા 1 વ્યક્તિ એમ મળીને કુલ 8 લોકોને હાઈકોર્ટ જામીન આપી ચૂકી છે. જ્યારે મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન હાઇકોર્ટે 19 ડિસેમ્બરે ફગાવી દીધા હતા. જયસુખ પટેલ ઉપર IPCની કલમ 304, 308, 337 અને 114 વગેરે કલમ લાગેલી છે. એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેને જામીન આપ્યા હતા. કોર્ટે આ કેસમાં 15 માર્ચ સુધીની મુદત આપી
આરોપીઓના વકીલ તરફથી જુદી જુદી પાંચ અરજીઓ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં તે તમામ સામે આઇપીસીની જે કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે તે કલમ હેઠળ તેઓની સામે ખરેખર કોઈ ગુનો બનતો નથી જેથી તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું અને તેઓને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જેની સામે સરકાર તરફથી આરોપીના વકીલે ડિસ્ચાર્જ માટે જે અરજી કરી હતી તેનો જવાબ રજૂ કરી દેવામાં આવ્યો હતો અને “તમામ આરોપીઓ સામે ચાર્જશીટમાં જે કલમ છે યોગ્ય છે” તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિકટીમ એસો.ના વકીલે ડિસ્ચાર્જ અરજી સામે વાંધા સાથેનો જવાબ આપ્યો હતો. આ કેસની સોમવારે મુદત હતી ત્યારે આરોપીના વકીલ દ્વારા મુદત માગવામાં આવી હતી. જેથી કરીને કોર્ટે આ કેસમાં આગામી તા 15/4/25ની મુદત આપી છે. જયસુખ પટેલ મોરબી જિલ્લામાં પ્રવેશ કરી શકશે
આ કેસમાં જયસુખ પટેલને ઘણી બધી શરતોને આધીન જામીન અગાઉ આપવામાં આવેલા છે. જેમાં ખાસ કરીને તેઓને મોરબી શહેર અને જિલ્લામાં પ્રવેશ કરવો નહીં તેવી પણ એક શરત હતી અને જયસુખ પટેલના વકીલ મારફતે તેઓને મોરબી જિલ્લામાં પ્રવેશ કરવાની મુક્તિ આપવા માટેની અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે અગાઉ જામીન માટે મૂકેલી શરતોમાંથી તેને મોરબી જિલ્લામાં પ્રવેશ કરવો નહીં તેવી જે શરત હતી તેને રદ કરી છે. જેથી કરીને હવે મોરબી શહેર અને જિલ્લામાં જયસુખ પટેલ મોરબી જિલ્લામાં પ્રવેશ કરી શકશે. જો કે, કોર્ટમાં જમા કરાવવામાં આવે તેનો પાસપોર્ટ પાછો આપવામાં આવશે નહીં તેવું જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની પાસેથી જાણવા મળ્યું છે. ઝૂલતા પુલ કેસમાં હાલમાં કોણ કોણ છે જામીન ઉપર
ઝૂલતા પુલ કેસમાં પોલીસે તપાસ કરીને જે તે સમયે કુલ મળીને 10 આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા અને ત્યાર બાદ ક્રમશઃ તે આરોપીઓના વકીલો મારફતે મૂકવામાં આવેલી જમીન અરજીઓને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જેથી કરીને હાલમાં આ કેસમાં ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ, ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ અને દિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર તથા પ્રકાશ લાલજીભાઈ પરમાર તે ઉપરાંત મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ જામીન ઉપર છે. જાણો બ્રિજ બન્યો ત્યારથી લઈને અત્યારસુધી શું-શું થયું: