આજના ભાસ્કર એક્સપ્લેનરમાં જાણો અમદાવાદ કેવી રીતે સ્માર્ટ ફ્લેપ લોક સિસ્ટમથી પાર્કિંગ અને ટ્રાફિકની સિસ્ટમને સુધારશે. અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગથી હવે ટ્રાફિક પણ ઘટશે અને સતત વાગતા હોર્નના કારણે રસ્તા પર થતા ઝઘડા પણ બંધ થશે. પૂરી વિગતો નીચે આપેલી છે પણ ઉપરના ફોટો પર ક્લિક કરીને વીડિયોથી પણ માહિતી મેળવી શકાશે. ફ્લેપ લૉક પાર્કિંગ સિસ્ટમના કારણે અમદાવાદ શહેર ટ્રાફિક અને પાર્કિંગ મામલે એક રિવોલ્યુશન બનાવવા જઈ રહ્યું છે. ફ્લેપ લૉક સિસ્ટમ પાર્કિંગ સિસ્ટમને સુધારશે, વાહનની સુરક્ષાને વધારશે અને ભીડને પણ ઓછી કરશે. આ સિસ્ટમમાં ઓટોમેટેડ ફ્લેપ લૉક છે જે ક્યૂઆર કૉડથી પેમેન્ટ કરીને ચાલશે. ખાલી આટલું જ નહીં મોબાઈલ એપ્લિકેશનથી પાર્કિંગની ફી ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી ફ્લેપ લૉક એટલે જમીન પરનો દંડો ગાડીને રસ્તા પરથી હટવા નહીં દે. એટલે ગાડીની ચોરી મામલે પણ નો ટેન્શન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સિસ્ટમના અખતરા માટે શહેરની C G રોડ, SOBO સર્કલથી મેરીગોલ્ડ સર્કલ, ઝાયડસ હોસ્પિટલથી હેબતપુર રોડ, મીઠાખલી સર્કલથી લો ગાર્ડન અને યુનિવર્સિટી રોડ મળીને કુલ પાંચ જગ્યાઓ પસંદ કરી છે. દરેક જગ્યા પર ફ્લેપ લોકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે જે ચુંબકીય સેન્સર અથવા લૂપ ડિટેક્શન ટેક્નોલોજીથી ચાલશે. જે પાર્ક કરેલા વાહનોને શોધી કાઢશે અને પાર્કિંગની ફી પણ આપમેળે ગણતરી કરીને આપી દેશે. લોકો આ સિસ્ટમમાં રીયલ ટાઈમ પાર્કિંગ અને મોબાઈલ એપ્લિકેશનથી જગ્યાઓ શોધી ગાડી પાર્ક કરી ક્યૂઆરથી ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે. આ સિસ્ટમ કેમેરા અને સેન્ટ્રલાઈઝ્ડ કમાન્ટ સેન્ટર સાથે જોડાયેલ હશે જે પાર્કિંગ સ્થળોનું નિરીક્ષણ પણ કરશે. આ સિસ્ટમથી તમારા વાહનની સુરક્ષા પણ થશે અને ગેરકાયદેસર રીતે થતા પાર્કિંગ પણ બંધ થશે. અમદાવાદ શહેરમાં આડેધડ થતા ગેરકાયદેસર પાર્કિંગ બંધ થાય અને સ્માર્ટ રીતે પાર્કિંગ થઈ શકે તેના કારણે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ ચાલુ રાખવા માટે ઈન્ટરનેટ ઓફ થિંગ એટલે કે IoT ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમ પાર્કિંગને ઓપ્ટિમાઈઝ કરીને શહેરમાં ભીડ ઘટાડવાનો પણ પ્રયાસ કરશે. આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે તે જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરી ભાસ્કર એક્સપ્લેનરનો પૂરો વીડિયો જુઓ.