અમદાવાદ સિટી સિવિલ સેશન્સ ખાતે આરોપી નાસીર હુસેન શેખ સામે ટ્રાયલ ચાલી હતી. આરોપી અમદાવાદના મીરઝાપુરનો રહેવાસી છે. તેની સામે વર્ષ 2022માં NDPS એક્ટ અંતર્ગત કેસ દાખલ થયો હતો. જેમાં જજ બી. એલ. ચોઇથાણી દ્વારા 6 સાહેદ, 15 દસ્તાવેજી પુરાવા અને સ્પેશિયલ સરકારી વકીલ અખિલ. પી. દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને 12 વર્ષ સખત કેદની સજા અને 6 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. પોલીસે 2003માં આરોપીને ઝડપ્યો હતો
કેસને વિગતે જોતા, પોલીસને બળેલી બાતમીને આધારે વર્ષ 2003માં કાલુપુર રેલવે સ્ટેશન પાસે એક ગાડી રોકવામાં આવી હતી. જે ગાડી આરોપી નાસીર હુસેન શેખ ચલાવી રહ્યો હતો. તે ગાડીમાં તપાસ કરતા બે બેગમાંથી 10 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા, જેનું વજન આશરે 30 કિલો જેટલો થયું હતું. ઝડપાયેલા આરોપીઓ બીજા આરોપીઓને પણ આશરે 9.9 કિલો જેટલા ચરસની ડિલિવરી આપી ચૂક્યો હતો. આ ઉપરાંત ગાડીમાંથી પાંચસો અને હાજરની નોટમાં 4 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આરોપીઓ આ ચરસ કાશ્મીરથી લાવતા હતા. અન્ય 8 આરોપીને 2008માં સજા થઈ હતી
કુલ 9 આરોપીમાંથી આરોપી નાસીર હુસેન શેખ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ચૂક્યો હતો. જેને વર્ષ 2021ના અંતે પોલીસે ઝડપી પાડ્યો હતો. અન્ય 8 આરોપીને વર્ષ 2008માં સજા થઈ હતી. જેમને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કરેલી અપીલ ફગાવી નાખવામાં આવી હતી. NDPS કેસમાં એક વર્ષથી લઈને દેહાંત દંડ સુધીની સજાની જોગવાઈ છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓને નજરે જોનાર સાહેદો પણ હતા. પોલીસે રિવોલ્વર બતાવીને ગુનો કબુલાવડાવ્યોઃ આરોપી
આરોપી તરફે પંચનામું ખોટું કરાયા હોવાની, પોલીસની તપાસ પ્રક્રિયા સામે પ્રશ્ન ચિન્હ મૂકવામાં આવ્યા હતા. જેમાં પંચનામાં દરમિયાન વીડિયોગ્રાફી નહીં કરાઈ હોવાની, આરોપી ડ્રાઇવર ગાડી ચલાવતો હોવા છતાં તેનું લાઇસન્સ નહીં રજૂ કરાયા હોવાનું, ખોટા પુરાવા રજૂ કરાયા હોવાનું, CCTV પણ નહીં લેવાયા હોવાની અને વીડિયોગ્રાફી નહીં કરી હોવાની રજૂઆતો કરીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાની રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ આરોપીએ રજૂઆત કરી હતી કે, પોલીસે રિવોલ્વર બતાવીને તેની પાસે ગુનો કબુલાવડાવ્યો હતો. અદાલતો દાંત વગરનો વાઘ નથી, તેમ નોંધીને સજા ફટકારી
જો કે, કોર્ટે નોધ્યું હતું કે, આરોપી નિર્દોષ હતો તો શા માટે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો? આરોપીએ કોર્ટની સહાનુભૂતિ મેળવવા વ્હીલચેર ઉપર હોવાની પણ નોંધ કરી હતી. આરોપીને સજા ફટકારતા નોંધ્યું હતું કે, સમાજમાં ડ્રગ્સ એક મોટું દુષણ બન્યું છે. તમાકુ, શરાબ બાદ હવે ડ્રગ્સ યુવાધનને બરબાદ કરી રહ્યું છે. પોલીસની રેડમાં સ્થળ ઉપરથી 30 કિલો જેટલું ડ્રગ્સ અને 4 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. 1 કિલો જેટલું ડ્રગ્સ કોમર્શિયલ કોન્ટીટીમાં ગણાય છે, તેના કરતાં 30 ગણું વધારે ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. આરોપી પોતે 18 વર્ષથી ફરાર હતો, જેને લઈને અન્ય આરોપીઓના ટ્રાયલમાં વિલંબ થયો હતો. તેમજ સરકારને કાનૂની પ્રક્રિયામાં આર્થિક નુકસાન ગયું હતું. અદાલતો દાંત વગરનો વાઘ નથી, તેમ નોંધીને અદાલતે આરોપીને 12 વર્ષ સખત કેદ અને 6 લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો.