અમદાવાદના સીજી રોડ પર લાલ બંગલા પાસે આવેલા એક જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખીને 2.40 કરોડની કિંમતના સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સના સ્ટાફની સતર્કતાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, ત્યારે ઝોન 1 એલસીબી સ્કોડે બનાવના 24 કલાકમાં સાત આરોપીની ધરપકડ કરી છે. 2.40 કરોડના સોનાના દાગીના લઈને નીકળ્યા હતા
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે, રોહિતભાઈ શાહ સીજી રોડ લાલ બંગલા પાસે સુપરમોલમાં પામ જ્વેલર્સ નામથી વ્યવસાય કરે છે. જે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જ્વેલર્સ પાસેથી ઓર્ડર લઈને દાગીના બનાવવાનું કામ કરે છે. સોમવારે તેમના સ્ટાફમાં કામ કરતા અભિષેક રાણા, જયેશ રબારી અને ડ્રાઈવર નિતેષ 2.40 કરોડની કિંમતની 200 જેટલી સોનાની ચેઈન અને 200 જેટલી સોનાની લકીને બે બેગમાં લઈને બેઝમેન્ટમાં રહેલી કારથી પાલનપુર જવાના હતા. કારનું હોર્ન વગાડતા જ ત્રણેય શખસો ભાગી ગયા હતા
ત્રણેય જણા બેઝમેન્ટમાં જતા હતા અને કારમાં બેગ મુકી ત્યારે લિફ્ટ પાસે બેઠેલા ત્રણ શંકાસ્પદ લોકો દોડી આવ્યા હતા. તેમણે અભિષેક અને અન્ય કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી છાંટીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અભિષેકે મદદ માટે કારનું હોર્ન વગાડતા ત્રણેય જણા એક અન્ય કારમાં નાસી ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે
આ અંગે ઝોન 1 ડીસીપીની એલસીબી સ્કોડે તપાસ શરૂ કરી હતી, ત્યારે સીસીટીવી કેમેરામાં ઇકો કાર કેદ થઈ હતી. આ ગાડીના માલિકની પોલીસે પૂછપરછ કરતા ગાડીના માલિકે ગાડી ખેડાના નિશિત સોલંકી નામના વ્યક્તિને ગાડી આપી હતી. જેથી એલસીબી સ્કોડે આરોપી નિશિતની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ બાદ અન્ય છ આરોપીના નામ સામે આવ્યા હતા. બે આરોપી ફરાર, શોધખોળ ચાલી રહી છે
પોલીસે આ ગુનામાં જ્વેલર્સની ગાડી કેટલા વાગ્યે ક્યાંથી નીકળશે તેની માહિતી આપનાર મિતુલ દરજી, લૂંટ માટે ગાડી અને માણસો એરેન્જ કરનાર પવન સોની, માણસોની વ્યવસ્થા કરી આપવા બદલ 10,000 ગુગલ પે કરનાર સંગ્રામસિંહ રાઠોડ, જ્વેલર્સના કર્મચારીની આંખમાં મરચું નાખી લૂંટનો પ્રયાસ કરનાર દીપક મચ્છર, અનિલ પરિહાર અને હિતેશ મહેશકર એમ કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં હજુ બે આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.