કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF)ના 56મા સ્થાપના દિવસ નિમિત્તે ‘સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત’ સૂત્ર સાથે વિશેષ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામ નજીક આરાધના ધામ ખાતે પહોંચી હતી. 10 માર્ચની સાંજે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ સાઇકલિસ્ટોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રાત્રિ રોકાણ બાદ સવારે મહાનુભાવોએ રેલીને દ્વારકા તરફ પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી 11 માર્ચે વડત્રા, લીંબડી અને ચરકલા થઈને 12 માર્ચે સવારે 9 વાગ્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચશે. વાડીનાર CISF યુનિટે રેલીના સ્વાગત અને વ્યવસ્થા માટે સંપૂર્ણ આયોજન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ 7 માર્ચે આ સાઇકલ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. 14 મહિલા જવાનો સહિત કુલ 125 CISF કર્મચારીઓ 25 દિવસ સુધી લખપતથી કન્યાકુમારી સુધીની સાઇકલ યાત્રા કરશે. આ યાત્રા દ્વારા CISFની દરિયાકિનારાની સુરક્ષા પ્રત્યેની કટિબદ્ધતા અને ભારતની આર્થિક સમૃદ્ધિમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રદર્શિત કરવામાં આવશે. CISF એ કેન્દ્ર સરકાર હેઠળનું વિશેષ સુરક્ષા દળ છે. તે પોલાદના કારખાના, કોલસાની ખાણો, તેલ શુદ્ધિકરણ પ્લાન્ટ, વીજળી મથકો, બંધો, એરપોર્ટ, બંદરો, પરમાણુ કેન્દ્રો અને અન્ય મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓની સુરક્ષા કરે છે.