back to top
HomeદુનિયાEditor's View: ટ્રમ્પને હાથનાં કર્યાં હૈયે વાગ્યાં:દોઢ મહિનામાં દાવ ઊંધો પડ્યો, અમેરિકામાં...

Editor’s View: ટ્રમ્પને હાથનાં કર્યાં હૈયે વાગ્યાં:દોઢ મહિનામાં દાવ ઊંધો પડ્યો, અમેરિકામાં મંદીના ભણકારા છતાં ટંગડી ઊંચી, મસ્કને માપમાં રહેવા કહેવું પડ્યું

અમેરિકાએ બીજા દેશો પર ટેરિફ લાગૂ કર્યો. એ દેશોએ પણ અમેરિકા પર ટેરિફ લગાવ્યો. ટ્રમ્પે અમેરિકાની સરકારી ઓફિસોમાંથી કર્મચારીઓની છટણી કરી. અગત્યની પબ્લિક સર્વિસ બંધ કરી દીધી. આ બધાના કારણે અમેરિકામાં કેપિટાલિઝમ ક્રાઈસિસ એટલે કે ‘મૂડીવાદી કટોકટી’ ઊભી થઈ છે. અમેરિકાનું શેરબજાર ડાઉન થઈ ગયું છે. શેરબજાર ડાઉન થતાં જ ટ્રમ્પના પરમમિત્ર ઈલોન મસ્કને જ સૌથી મોટો ફટકો પડ્યો છે. અત્યારે ટ્રમ્પ અને મસ્કની જોડીને જ હાથનાં કર્યાં હૈયે વાગ્યાં છે. નમસ્કાર, એક તરફ દુનિયાના દેશોનો વિશ્વાસ ડોલર પરથી ઉઠતો જાય છે. ચીન સહિતના દેશો અમેરિકી બોન્ડમાંથી અબજો રૂપિયાનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે. યુરોપીય સંઘના સૌથી મોટા દેશ જર્મનીએ પણ જાહેરાત કરી દીધી કે યુરોપીય સંઘને અમેરિકાની જરૂર નથી. અમે અમારી આર્થિક નીતિ ઘડીશું. આ બધા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ટંગડી ઊંચી રાખી છે. તેમણે કહ્યું કે, આ એક સંક્રમણ કાળ છે. આવું થોડું સમય ચાલશે બાકી અમેરિકાની અર્થવ્યવસ્થા વધારે મજબૂત બનશે. અમેરિકા અત્યારે છે તેનાથી વધારે પૈસાદાર બની જશે. ટ્રમ્પને ટેરિફમાં રસ નથી પણ આ વાતમાં વધારે રસ છે
જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણકુમારે અમેરિકાની મંદીનું સચોટ વિશ્લેષણ કર્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે તેને સમજવા માટે કેપિટાલિઝમના ક્રાઈસીસ એટલે કે મૂડીવાદી કટોકટીને સમજવી પડશે. મૂડીવાદમાં પહેલાં જેવી ક્ષમતા નથી રહી કે પહેલાં જેવો રોજગાર વધારી શકે. અમેરિકામાં ટ્રમ્પે વર્ક્સને કહ્યું કે, હું જોબ્સ પાછી લાવીશ. આપણા કામ ચીન, મેક્સિકો, ભારતમાં ચાલ્યા ગયા છે તેને પાછા લાવીશ. ટ્રમ્પ આ વાત ત્યારે પણ કહેતા હતા જ્યારે ચાર વર્ષ પહેલાં પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા હતા. ટ્રમ્પ માને છે કે વધારે ટેરિફ લગાવીને બીજા દેશોમાં જે ઈન્ડસ્ટ્રી ચાલી ગઈ છે તેને પાછી લાવીશું. અરુણ કુમાર એમ પણ કહે છે કે ટ્રમ્પે ચોક્કસ ફ્રેમ વર્ક કર્યું છે અને અમેરિકાની ઈન્ડસ્ટ્રી અમેરિકામાં જ પાછી લાવવી એ તેના ફ્રેમવર્કમાં આવે છે. ટ્રમ્પે પહેલાં કહ્યું કે ફેબ્રુઆરીથી ટેરિફ લાગૂ થશે, પછી કહ્યું કે માર્ચથી ટેરિફ લાગૂ થશે હવે એપ્રિલની વાત કરે છે. એ ટેરિફ લગાવવાનું ઠેલવ્યા કરે છે એનો સ્પષ્ટ મતલબ છે કે ટ્રમ્પ ઈચ્છે કે અમેરિકા બહાર રહેલી તેની ઈન્ડસ્ટ્રી અમેરિકામાં પાછી આવે. માનો કે ઈન્ડસ્ટ્રી અમેરિકામાં પાછી આવે તો તેને સેટઅપ કરવામાં સમય લાગશે. ડિસ્ટ્રીબ્યુશન ચેઈન તૂટશે. અમેરિકામાં મોંઘવારી વધશે. જેથી અર્થ વ્યવસ્થા ડિક્લાઈન પર જશે. તેનાથી ડિમાન્ડ ઘટશે. બીજા દેશમાંથી અમેરિકામાં માલ આવશે તો એ પણ મોંઘો આવશે. ચીન, કેનેડા અને મેક્સિકોથી માલ આવતો હતો તે સસ્તો હતો. હવે ટેરિફ પછી મોંઘો માલ આવશે. અમેરિકાની અંદર જ ડિમાન્ડ ઘટવાની છે. આ બધાના કારણે અનિશ્ચિતતા વધારે ઊભી થઈ ગઈ છે. અનિશ્ચિતતા વધે છે તો કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઘટી જાય છે. બિઝનેસનો કોન્ફિડન્સ ઘટી જાય છે. બિઝનેસ કોન્ફિડન્સ ઘટી જાય છે તો એ ઈન્વેસ્ટમેન્ટ ઓછું થાય. કન્ઝ્યુમરનો કોન્ફિડન્સ ઓછો થાય તો એ કન્ઝ્યુમર પર અસર કરે છે. તો એ ફરી પ્રોડક્શન પર અસર કરશે. એનો અર્થ એ થયો કે અમેરિકાની અર્થ વ્યવસ્થા ડિક્લાઈન પર જશે. ટ્રમ્પનો દાવ ઊંધો પડી રહ્યો છે
છેલ્લા કેટલાક દિવસોથી ટ્રમ્પનો અમેરિકા પરનો દાવ ઉલટો પડી રહ્યો હોય તેવું લાગે છે. અમેરિકાના અર્થતંત્રમાં મંદીના સંકેતો સંભળાવા લાગ્યા છે. મંદીના ડરને કારણે સોમવારે અમેરિકન બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ નવેમ્બર 2023 પછી પહેલી વાર 200 DMA ની નીચે બંધ થયો. નાસ્ડેકમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો. સપ્ટેમ્બર 2022 પછી નાસ્ડેકમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. નાસ્ડેકમાં ઘટાડાને કારણે એલોન મસ્કને સૌથી મોટો ફટકો પડ્યો છે. તમે એમ પણ કહી શકો છો કે નાસ્ડેકમાં આટલો મોટો ઘટાડો એલોન મસ્કની કંપની ટેસ્લાને કારણે થયો હતો. માત્ર 2 મહિના પહેલા એટલે કે ડિસેમ્બર-2024માં ટેસ્લાના શેરનો ભાવ 488.54 ડોલર હતો, જ્યાંથી હવે તે ઘટીને 222.15 ડોલર થઈ ગયો છે. તેનો અર્થ એ કે ટેસ્લાના શેર માત્ર બે મહિનામાં 50 ટકાથી વધુ તૂટ્યા છે. ટ્રમ્પની ટેરિફ નીતિઓ અને વિદેશી નીતિઓના કારણે અમેરિકામાં મંદીની શક્યતા વધી ગઈ છે. અમેરિકા ગોથે ચડ્યું, દુનિયાને પણ ગોથે ચડાવી
પ્રોફેસર અરુણ કુમાર સરળ ભાષામાં આ વાત સમજાવે છે. તે કહે છે કે અત્યારે અમેરિકામાં કેપિટાલિઝમ ક્રાઈસીસ જબરદસ્ત છે. અમેરિકાને સમજાતું નથી કે તેની ઈન્ડસ્ટ્રીઝ જે બહારના દેશોમાં છે તેને પાછી કેવી રીતે લાવી શકાય. સવાલ એ છે કે આજે અમેરિકાની સ્થિતિ આવી કેમ થઈ ગઈ? એ જાણવા થોડો ભૂતકાળ જાણવો પડશે. WTO (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) માં નેગોશિએશન થયું. તેમાં એવું નક્કી થયું કે WTOમાં ટ્રેડ કોણ કરશે. કેટલો ટેરિફ લાગશે. આ બધી નીતિ WTOમાં બની હતી. એમાં પણ એવું થયું કે જે એડવાન્સ ટેકનોલોજી આઈટમ હતી તે એડવાન્સ દેશો ઉત્પાદન કરતા. જે ઈન્ટરમિડિએટ કે લો-ટેકનોલોજી આઈટમ છે તે ડેવલપિંગ દેશો પર છોડી દેવામાં આવી. એમાં અમેરિકાનએ એ નહોતું વિચાર્યું કે ચીન આટલું આગળ નીકળી જશે. લો-ટેકનોલોજીમાં ચીન દુનિયાનું હબ બની જશે તેવી કલ્પના પણ નહોતી. અમેરિકાને આ વાત સમજાઈ નહીં એટલે પોતાનો ફાયદો જોવા લાગ્યું. એવામાં રશિયા પણ નબળું પડી ગયું. દુનિયાના દેશોને પહેલાં જેટલી મદદ કરવા રશિયા હવે સક્ષમ નથી એ ખબર પડી ગઈ. એટલે એ રસ્તો પણ બંધ થઈ ગયો. એટલે અમેરિકાએ પોતાના ફાયદા માટે કેટલીક નીતિ બનાવી. અમેરિકામાં હાર્ડ કેપિટાલિઝમનો દોર શરૂ થયો
અત્યારે અમેરિકા એટલે રોવે છે કે, જે લિબરલ કેપિટાલિઝમ (ઉદાર મૂડીવાદ) નો ફેઝ છે તે ખતમ થઈ ગયો છે અને હાર્ડ કેપિટાલિઝમ (કઠોર મૂડીવાદ)નો ફેઝ શરૂ થયો છે. આ હાર્ડ કેપિટાલિઝમના ફેઝમાં ટ્રમ્પ એ બધું જ કરવા માગે છે જેનાથી અમેરિકાને ફાયદો થાય. અમેરિકામાં મંદી તો હતી જ પણ હવે ઝડપથી વધી રહી છે. વર્લ્ડ બેન્કની નીતિઓ હતી, તેમાં પણ લોકોને લાગતું હતું કે આનાથી પરેશાની વધશે. એટલે 1980માં વર્લ્ડ બેન્કને લાગ્યું કે એક સેફ્ટી નેટ હોવી જરૂરી છે. 2005માં પણ ભારતે સેફ્ટી નેટની નીતિ અપનાવી. રાઈટ ટુ ફૂડ, રાઈટ ટુ એજ્યુકેશન એ બધું કર્યું. તેમ છતાં રોજગારી વધતી નહોતી. કારણ કે નવી ટેકનોલોજી ઓટોમેશન આધારિત છે. દુનિયાભરમાં રોજગારીનો મુદ્દો ઉઠ્યો ત્યારે વર્લ્ડ બેન્ક 2015માં યુનિવર્સલ બેઝીક ઈન્કમ સ્કીમ લાવ્યું. વર્લ્ડ બેન્કને એમ હતું કે આનાથી બેરોજગારોના હાથમાં પૈસા આવશે પણ એવું થયું નહીં. હવે રિવર્સ ગ્લોબલાઈઝેશન ચાલુ થયું
ટ્રમ્પે ચૂંટણી વખતે એવું કહેલું કે, અમેરિકાના લોકોને રોજગારી ભરપૂર મળશે એટલે ટ્રમ્પ વિરોધી બ્લૂ કોલર લોકો પણ ટ્રમ્પ તરફી થઈ ગયા. કારણ કે આ મજૂર વર્ગને એમ હતું કે ટ્રમ્પ આવશે તો કામ મળશે. પણ એવું થયું નહીં. ઊલટું ટ્રમ્પે સરકારી નોકરીઓમાંથી લોકોને કાઢવાનું શરૂ કર્યું. પલ્બિક સર્વિસમાં કાપ મૂક્યો. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જેવો કોઈ વિભાગ જ નહીં હોય તેવી જાહેરાત કરી. આ પ્યોર કેપિટાલિઝમ (પૈસા ભેગા કરો, બીજી વાત નહીં) એવી નીતિ છે. આનો મતલબ એવો થયો કે બિઝનેસનું હિત હશે તે અમે રાખીશું. એટલે ટ્રમ્પે સોફ્ટ કેપિટાલિઝમ ખતમ કરી દીધું અને હાર્ડ કેપિટાલિઝમ આવી ગયું.આનાથી અમેરિકામાં મંદી વધશે.
ટ્રમ્પ કહે છે કે આ શોર્ટ ટર્મ પોલિસી છે પણ એવું નથી. અમેરિકામાં ટેરિફ વધશે અને ડિમાન્ડ ઘટશે, બેરોજગારી વધશે એટલે અમેરિકામાં ભયંકર મંદી વધી જશે. હકીકતે ટ્રમ્પ મંદીને જોર આપવાનું લોન્ગ ટર્મ થ્રેટ ક્રિએટ કરી રહ્યા છે. અમેરિકામાં તો પરેશાની વધશે પણ દુનિયામાં ય પરેશાની વધવાની છે. એક ગ્લોબલાઈઝેશન થયું હતું કે રિવર્સ થઈ રહ્યું છે. ગ્લોબલાઈઝેશનમાં બિઝનેસને બહુ ફાયદો થયો પણ લેબર પરેશાન થઈ ગયા. અમેરિકામાં છટણી થવા લાગી. બેરોજગારી વધી. હવે ડિ-ગ્લોબલાઈઝેશન થશે તેમાં પણ લેબરને તકલીફ પડશે. જેમ કે પબ્લિક સર્વિસ હતી, ગરીબ માણસને સપોર્ટ જોઈએ એ બધું ખતમ થઈ જશે. કારણ કે ત્યાં પ્યોરલી કેપ્ટીસ ઈકોનોમી ચાલશે. ધીમે ધીમે ઈકોનોમી રિસેશન (મંદી) તરફ જશે. દુનિયા હવે અમેરિકાને તેની જ ભાષામાં સમજાવે છે
દુનિયા હવે અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપી રહી છે. એ દોર ખતમ થઈ રહ્યો છે જ્યારે અમેરિકા રોકટોક વગર દુનિયા પાસેથી પૈસા લઈને જલસા કરતું હતું. હવે સ્થિતિ એવી થઈ છે કે અમેરિકી ડોલર સિસ્ટમ જ તેના સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. જે અમેરિકી ડોલર પર આખી દુનિયા ભરોસો કરતી હતી, હવે એ જ ડોલર આર્થિક મોંઘવારી અને મંદીનું સૌથી મોટું કારણ બની રહ્યો છે. એક અનુમાન છે કે આવનારા પાંચથી દસ વર્ષ સુધી અમેરિકામાં વાર્ષિક મોંઘવારી દર 3.5% રહેશે. અમેરિકી સરકારની બેન્ક ફેડરલ રિઝર્વે મોંઘવારી દર 2% સુધી લઈ જવાનું પ્રોમિસ આપ્યું હતું તેના પર પાણી ફરી વળ્યું. સવાલ એ છે કે, અમેરિકા પોતાની જ અર્થ વ્યવસ્થા નથી સંભાળી શકતું તો તેની અસર ભારત અને દુનિયાના બીજા દેશો પર શું પડશે? શું ડોલરની તાકાત ખતમ થઈ રહી છે? જો હા તો દુનિયા કોના પર ભરોસો કરશે? આ સમસ્યા એ દેશો માટે ગંભીર છે જે અમેરિકી ડોલર પર નિર્ભર છે. અમેરિકા જેટલા ડોલર છાપે છે તેનાથી તે દુનિયા પાસેથી સામાન ખરીદે છે. પછી વર્લ્ડ સેન્ટ્રલ બેન્ક બાકીના ડોલરનું અમેરિકી બોન્ડમાં રોકાણ કરી દેતી હતી. અમેરિકી બોન્ડના ગણિતને આ રીતે સમજો
ભારતે અમેરિકાના સરકારી બોન્ડમાં 241.9 અરબ ડોલરથી વધારે રોકાણ કર્યું હતું. મે-2024માં આ આંકડો 237.8 અરબ ડોલર હતો. એટલે ભારતનું રોકાણ છેલ્લા કેટલાય વર્ષોના રોકાણ કરતાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું હતું. પણ હવે તેમાં ઘટાડો થવા લાગ્યો છે. ડિસેમ્બર-2024માં તે ઘટીને 219 ડોલર થઈ ગયું. એનો મતલબ એવો છે કે ભારત પહેલાં જે અમેરિકી બોન્ડ્સ ખરીદતું હતું તે હવે ધીમે ધીમે હોલ્ડીંગ ઘટાડી રહ્યું છે. દુનિયાના ઘણા દેશોએ અમેરિકાના બોન્ડમાં 9 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરી રાખ્યું છે. આ દેશો એવું વિચારે છે કે તેમને નફો થશે પણ એવું થતું નથી. જો કોઈ દેશ અમેરિકાને પૈસા આપે છે તો ઓછામાં ઓછું 5 ટકા રિટર્ન જોઈએ પણ જો અમેરિકા જ્યારે બોન્ડ પર વધારે વ્યાજ આપવા લાગે તો તેની અસર દુનિયાના અર્થતંત્ર પર પડે છે. અત્યારે અમેરિકી બોન્ડ પર વ્યાજદર 4.5% સુધી પહોંચી ચૂક્યો છે. તેના કારણે અમેરિકામાં લોનના વ્યાજનો દર 8 ટકા થઈ ગયો છે. જો અમેરિકા બોન્ડ પર વ્યાજદર વધારે છે તો અમેરિકામાં લોન લેવાનું બહુ મુશ્કેલ બની જવાનું છે. આની અસર અમેરિકાના લોકોની ખરીદી, ઘર લેવામાં અને બિઝનેસ પર પડશે. આનાથી અમેરિકાની આખી અર્થવ્યવસ્થા નબળી પડી શકે છે. એટલે જ ભારત સહિત ઘણા દેશ અમેરિકી બોન્ડમાં રોકાણ ઘટાડી રહ્યા છે. અમેરિકામાં મંદી ટકોરા મારે એટલે થોકબંધ ડોલર છાપવાનું શરુ થઈ જાય
જ્યારે જ્યારે અમેરિકામાં મંદીના વાદળો ઘેરાય છે ત્યારે ત્યારે અમેરિકી સરકાર અને ફેડરલ રિઝર્વ બેન્ક વધારે ને વધારે ડોલર છાપવાનું શરૂ કરી દે છે. 2008ની મંદી વખતે પણ આવું જ થયું હતું અને 2020માં કોરોના વખતે પણ આવું થયું હતું. તેની પણ ઊંધી અસર એ પડે છે કે માર્કેટમાં ઢગલાબંધ ડોલર ઠલવાય છે તો સંપત્તિની કિંમત ખૂબ વધી જાય છે અને મોંઘવારી આભને આંબે છે. અત્યારે અમેરિકાની જે હાલત થઈ રહી છે તે જોતાં ચીન અને બીજા દેશોએ અમેરિકી બોન્ડમાંથી પોતાના પૈસા કાઢીને બીજે રોકાણ કરવાનું ચાલુ કર્યું છે. ચીને 2009 પછી પહેલીવાર મોટી સંખ્યામાં અમેરિકી બોન્ડ વેચ્યા. 2024ના અંતમાં જ 57 અબજ ડોલરના બોન્ડ વેચ્યા અને હવે ચીન પાસે 760 અરબ ડોલરના અમેરિકી બોન્ડ બચ્યા છે. અમેરિકામાં મંદી અને મોંઘવારી આવી રહી છે એ ચીન સમજી ગયું છે અને એટલે જ બોન્ડ વેચવા લાગ્યું છે. ચીન હવે અમેરિકી બોન્ડને બદલે સોનામાં રોકાણ કરવા લાગ્યું છે. ચીને સોનાના ભંડાર ભરવાના ચાલુ કર્યા છે. ચીનની કુલ વિદેશી મુદ્રામાં 6 ટકા તો સોનું જ છે. જે પહેલાં કરતાં ડબલ થઈ ગયું છે. માત્ર ચીન જ નહીં પણ જાપાન, ભારત, બ્રિટન, આયર્લેન્ડ અને સ્વિત્ઝર્લેન્ડે ડિસેમ્બર 2024થી જ અમેરિકી બોન્ડમાં રોકાણ ઘટાડી નાખ્યું. ડોલર સામે યુરો મજબૂત કરવા સ્ટ્રેટેજી
ટ્રમ્પની નવી નીતિઓની સૌથી મોટી અસર યુરોપીયન દેશો પર પડશે. યુરોપના દેશોનો સૌથી મોટો રોકાણકાર દેશ છે જર્મની. હવે તો જર્મનીની નવી સરકારે પણ જાહેરાત કરી દીધી છે કે યુરોપીયન યુનિયન ટ્રમ્પની આર્થિક નીતિઓ મુજબ નહીં ચાલે. યુરોપ હવે પોતાની મુદ્રા યુરોને મજબૂત કરવા માટે એશિયા અને બીજા દેશો સાથે બિઝનેસ વધારી શકે છે. સાથે સાથે યુરોપ અમેરિકી બોન્ડમાંથી રોકાણ પાછું લઈ શકે છે. જો આવું થયું તો અમેરિકી ડોલરને ફટકો પડશે. ભારતે પણ રૂપિયો નબળો પડતો રોકવા માટે નવી રોકાણ વ્યવસ્થા શોધવી પડશે જેથી અમેરિકી બોન્ડ પર નિર્ભર ન રહેવું પડે. છેલ્લે,
અમેરિકાની ચૂંટણીથી ઈલોન મસ્ક સતત ચર્ચામાં છે. હવે ધીમે ધીમે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તિરાડ પડી રહી હોવાના સંકેત મળ્યા છે. એક કેબિનેટ મિટિંગમાં મસ્કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો પર જાહેરમાં ઘણા આક્ષેપો કર્યા. ટ્રાન્સપોર્ટ મંત્રી સાથે પણ દલીલો કરી. એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કને ઈશારો કરીને બેસી જવા જણાવ્યું ને કહ્યું કે, તમારું કામ માત્ર સલાહ આપવાનું છે. નિર્ણય લેવાનું કામ મંત્રીઓનું છે. બીજી તરફ, અમેરિકામાં મંદીના ભણકારાની અસર ઈલોન મસ્કની નેટવર્થ પર પણ જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં મસ્કની કુલ સંપત્તિ 29 બિલિયન ડોલર એટલે કે અઢી લાખ કરોડથી વધુ ઘટી ગઈ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. કાલે ફરી મળીએ. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments