હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હોલસેલ માર્કેટમાં અવનવી પિચકારીઓ અને અવનવા કલરોનું આગમન થયું છે. રંગબેરંગી કલરો અને અવનવી પિચકારીઓથી રાજકોટ બજાર રંગાયું છે. જેમાં આ વર્ષે ચાર્જેબલ પિચકારી અને વેજીટેબલ કલરે આકર્ષણ જમાવ્યું છે. આ વર્ષે માર્કેટમાં આવેલા વેજીટેબલ કલરમાં ટોમેટો, ગાજર, બીટ અને કોબીની ફ્લેવર્સ આવી છે. આ કલર્સ ભુલથી કોઈ વ્યક્તિ ગળી જાય તો પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. હથોડી, ત્રિશુલ, કુહાડી સહિતની પિચકારીની ડિઝાઈન
રંગોનો તહેવાર એટલે હોળી આ તહેવાર મનુષ્ય જીવનને અનેરા ઉત્સાહથી ભરી દે છે. લોકો આ તહેવારને ખુબજ હર્ષોલ્લાસ સાથે અને ખુશીઓથી મનાવે છે. આ દિવસે તમામ ફરિયાદો ભૂલી એકબીજાને પ્રેમથી ગળે લગાવી એકબીજા પર રંગ ગુલાલ લગાવી આ ખાસ તહેવારની ઉજવણી કરે છે. રંગોના તહેવારને એક દિવસ બાકી છે ત્યારે બજારમાં લોકો રંગ કલર , પિચકારી અને કલર સ્મોકની ખરીદી કરી રહ્યા છે. રાજકોટની બજારમાં આ વર્ષે ખાસ હથોડી, ત્રિશુલ, કુહાડી, રાયફલ સહિત ડિઝાઇનમાં 3 ઇંચથી લઇ 3 ફૂટ સુધીની રૂ.10થી 1500 કિંમતની પિચકારી બજારમાં ઉપલબ્ધ છે. આ વર્ષે બજારમાં 10 %નો સામાન્ય વધારો- મહિલા વેપારી
રાજકોટની સદર બજારમાં આવેલા રાજધાની સિઝનલ સ્ટોરના મહિલા વેપારી પાયલ જસાણીએ જણાવ્યું હતું કે, હોળી-ધુળેટીના પર્વને લઇ હવે બજારમાં ધીમે ધીમે ખરીદી શરૂ થઇ ચુકી છે. ધોરણ 10-12ની પરીક્ષા પૂર્ણ થઇ એટલે હવે નાના મોટા તમામ લોકો ખરીદી કરવા માટે બજારમાં આવી રહ્યા છે. આ વર્ષે બજારમાં કોઈ ખાસ ભાવમાં વધારો નથી નોંધાયો. માત્ર 10 % જેટલો વધારો છે જે સામાન્ય કહી શકાય. દર વર્ષે છેલ્લા 2 દિવસ ખરીદીનો રંગ જોવા મળતો હોય છે જેની શરૂઆત થઇ ચુકી છે. ચાર્જેબલ પિચકારીની બજારમાં ડિમાન્ડ
આ વર્ષે બજારમાં 3 ઇંચથી લઇ 3 ફૂટ સુધીની અને 10 રૂપિયાથી લઇ અને 1500 રૂપિયા સુધીની પિચકારી બજારમાં ઉપલબ્ધ છે. આ વર્ષે પિચકારીમાં નાના બાળકોની સ્પેશિયલ કાર્ટૂન પિચકારી ઉપરાંત હથોડી, ત્રિશુલ, કુહાડી, રાયફલ તેમજ ઇલેક્ટ્રિક ચાર્જેબલ સહિતની પિચકારીનું આકર્ષણ જોવા મળી રહ્યું છે જેની કિંમત રૂપિયા 1500 છે. પિચકારીની સાથે સાથે કલર બજારમાં પણ અવનવી વેરાયટી જોવા મળી રહી છે. હર્બલ કલર, નેચરલ કલર અને આ વર્ષે ખાસ વેજીટેબલ અને ફ્રૂટ કલર્સે એન્ટ્રી કરી છે. વેજીટેબલ કલર્સમાં ટોમેટો, ગાજર, બીટ અને કોબીની ફ્લેવર્સ આવી છે. આ કલર્સ ભુલથી કોઈ વ્યક્તિ ગળી જાય તો પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને ફલેવર પ્રમાણે તેનો ટેસ્ટ આવે છે.