ગોહિલવાડ પંથકમાં ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. મંગળવારે મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી રહ્યું હતું. સોમવારે મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. સોમવારે પવનની ગતિ 14 કિમી પ્રતિ કલાક અને ભેજનું પ્રમાણ 24 ટકા રહ્યું હતું. મંગળવારે પવનની ગતિ 12 કિમી પ્રતિ કલાક અને ભેજનું પ્રમાણ 27 ટકા નોંધાયું હતું. બુધવારે લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી રહ્યું છે. પવનની ગતિ શૂન્ય અને ભેજનું પ્રમાણ 56 ટકા નોંધાયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરી છે. સામાન્ય રીતે ભાવનગરમાં મે મહિનાના મધ્યભાગથી 39-40 ડિગ્રી તાપમાન નોંધાતું હોય છે. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસર અને જળવાયુ પરિવર્તનને કારણે ઉનાળાની શરૂઆતમાં જ આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે તાપમાન વધવાની સંભાવના છે. આજે તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.