મીઠાપુર પોલીસે ભીમરાણા ગામમાં યુવાન પર જીવલેણ હુમલાના કેસમાં ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસ મુજબ, ભીમરાણા વિસ્તારમાં રહેતા 21 વર્ષીય સુમિતભા કેરે એક યુવતીના ઘર સામે બેસતા નરેશ નામના શખ્સને ફોન કરી ત્યાં ન બેસવા જણાવ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે થયેલી બોલાચાલી બાદ સમાધાન માટે શિવમ ઉર્ફે પપીયો, દિલીપ ચમડિયા અને કરણ કારા નામના ત્રણ શખ્સો સુમિતભાને રિક્ષામાં આંગણવાડી પાસે લઈ ગયા હતા. ત્યાં શિવમે સુમિતભાના માથાના પાછળના ભાગે લોખંડનો પાઈપ માર્યો હતો. દિલીપે છરી વડે હુમલો કરતાં સુમિતભાને ડાબા કાનની બુટ નીચે ઈજા થઈ હતી. આરોપીઓએ બીભત્સ ગાળો બોલી બેફામ માર માર્યો હતો. મીઠાપુર પોલીસે ત્રણેય આરોપીઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. તુષાર પટેલ આ કેસની તપાસ કરી રહ્યા છે. અન્ય એક બનાવમાં, ભાણવડ તાલુકાના ભેનકવડ ગામના 67 વર્ષીય શામામંદભાઈ વીઘાણી ખેત મજૂરીએ જતા હતા ત્યારે પૂરઝડપે આવતી બોલેરો (GJ 25 A 9983)ની અડફેટે આવતાં તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. ભાણવડ પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધ્યો છે.