ધંધુકા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કપાસ ચોરીની ઘટનાઓએ ખેડૂતોની ચિંતા વધારી હતી. કોટડા ગુંજાર, વાગડ, પડાણા, રંગપુર, ગલસાણા અને અણીયાળી સહિતના ગામોમાં કપાસ ચોરીની અનેક ઘટનાઓ બની હતી. પોલીસ ફરિયાદ છતાં ચોરીઓ ન અટકતા, ખેડૂતોએ જાતે જ પહેરો ભરવાનું શરૂ કર્યું હતું. ગઈકાલે મોડી રાત્રે છસીયાણા ગામની સીમમાં ત્રણ શખ્સો કપાસની ચોરી કરતા રંગેહાથ ઝડપાયા હતા. ખેડૂતોએ તેમને તરત જ ધંધુકા પોલીસને સોંપી દીધા હતા. પોલીસે આરોપીઓ રાજુ સોલંકી, ગજરાજ મકવાણા અને ભાઈલાલ પટેલની ધરપકડ કરી છે. તેમની પાસેથી 22 મણ ચોરીનો કપાસ અને લોડિંગ વાહન મળી આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂપિયા 33 હજાર છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.