ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. આ ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ સુરક્ષા જાળી લગાવવાની માંગ કરી છે. નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનેલો આ બ્રિજ હવે આત્મહત્યા માટેનું હૉટસ્પૉટ બની ગયો છે. સામાજિક કાર્યકર યોગી પટેલના જણાવ્યા મુજબ, 12 જુલાઈ 2021થી બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં 32 લોકોએ બ્રિજ પરથી આપઘાત કર્યો છે. આ ઉપરાંત 20થી વધુ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું કે આ મુદ્દે અગાઉ પણ કલેકટર અને માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આથી આત્મહત્યાના બનાવો યથાવત ચાલુ છે. તેમણે વહેલી તકે બ્રિજની બન્ને તરફ સુરક્ષા જાળી લગાવવાની માંગ દોહરાવી છે.