back to top
Homeદુનિયા'ભારતની બેંકમાં પૈસા નથી ઉપાડી શકતા, ઈન્ટરનેટ કનેક્શન નથી મળતું':NRIના ડेલિગેશને PM...

‘ભારતની બેંકમાં પૈસા નથી ઉપાડી શકતા, ઈન્ટરનેટ કનેક્શન નથી મળતું’:NRIના ડेલિગેશને PM મોદી સામે રજૂ કરી વ્યથા, વાઇબ્રન્ટ સમિટ યુએસમાં યોજવા કર્યું સૂચન

‘અમને અમારા વતન પ્રત્યે પ્રેમ છે. દેશના વિકાસથી અમે NRI લોકો ખૂબ ખુશ છીએ. અમે હજી દેશના વિકાસમાં વધુ ફાળો આપવા માંગીએ છીએ. પણ અમુક નાની સમસ્યાઓથી અમે NRI ખૂબ પરેશાન થઈ રહ્યા છીએ. ભારતની બેંકોમાં પડેલા અમારા રૂપિયા અમે વાપરી શકતા નથી. એટલું જ નહીં વતનમાં ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મુશ્કેલી આવે છે.’ આ વ્યથા NRIના ડેલિગેશને પીએમ મોદી સમક્ષ વ્યક્ત કરી હતી. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ (FOGA)નું ડેલિગેશન હાલમાં દિલ્હીમાં પીએમને મળ્યું હતું. જેમાં મોદીએ તમામ પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું. ડેલિગેશને આગામી વર્ષે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અમેરિકામાં યોજવાનું સજેશન પણ કર્યું હતું. પીએમ મોદીની મુલાકાત બાદ આ ડેલિગેશન ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મળ્યું હતું. આ અંગે દિવ્ય ભાસ્કરે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ (FOGA)ના પ્રેસિડન્ટ ડૉ. વાસુદેવભાઇ પટેલ સાથે વિગતે વાત કરી હતી. જેમાં તેમણે પીએમ મોદી સાથેની મુલાકાત અને NRI લોકોને મૂંઝવતા પ્રશ્નો અંગે જણાવ્યું હતું. અમે પ્રોપર્ટી લે-વેચ કે ઇન્ટરનેટ કનેક્શન નથી લઇ શકતા
વાસુદેવભાઈ પટેલે કહ્યું, જે NRI 180 દિવસથી ઓછો સમય ભારતમાં રહે છે તે કાયદેસર રીતે આધાર કાર્ડ મેળવી નથી શકતા. આજે બેંક કે દસ્તાવેજ કે કોઇ પણ સરકારી કામે જાઓ તો આધારકાર્ડ જોઇએ જ છે. મારું જ ઉદાહરણ આપું તો મેં હમણાં વડોદરામાં પ્રોપર્ટી લીધી. હું વર્ષમાં ત્રણ મહિના અહીં રહું છું. મેં જ્યારે ઇન્ટરનેટ કનેક્શન માટે એપ્લાય કર્યું તો એરટેલવાળાએ કહ્યું કે ‘તમારું OCI (ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઇન્ડિયા) કાર્ડ બરાબર છે. પણ આધાર કાર્ડ વગર ઇન્ટરનેટ કનેક્શન નહીં મળે.’ અમેરિકન પાસપોર્ટ પણ આવા કામોમાં વેલિડ નથી. આ સિવાય મારે પોતાનું ગેસ કનેક્શન જોઇતું હતું. એમાં પણ એ જ પ્રશ્ન આવ્યો. કોઇ પ્રોપર્ટી લેવી-વેચવી હોય કે વારસાગત મળેલી વસ્તુ માટે આધાર કાર્ડ જોઇએ જ છે. બીજું કે નિયમ એવો છે કે 180 દિવસથી ઓછો સમય ભારતમાં રહેલા હોય એવા NRIને આધારકાર્ડ નથી મળતું. તો આનો રસ્તો શું? કાં તો પછી NRI ભારતમાં રૂપિયા ઇન્વેસ્ટ કરવાનું બંધ કરી દે અથવા આ સમસ્યાનો ઉપાય શું હોય શકે? આ અંગે અમે પીએમ મોદીને મળીને અમારા સજેશન્સ આપ્યા હતા. પીએમ મોદીએ અમારી વાતને પોઝિટિવ લઇને અધિકારીઓને બોલાવ્યા હતા અને આધારકાર્ડના ચેરમેન સાથે પણ કોરસપોન્ડસ ચાલુ કરવાનું કહ્યું હતું. ભારતની બેંકમાં પૈસા હોવા છતાં નથી વાપરી શકતા
વાસુદેવભાઈ પટેલે વધુમાં કહ્યું, મોટાભાગની બેન્ક દર છ મહિને ઇમેલ કરે કે કેવાયસી અપડેટ કરો, નહિતર ખાતું ડોરમેટ કરી દે. આજે હું અહીંયા 5-25 લાખ રૂપિયા રાખું તો મને એમ થાય કે અમે અમારા દેશમાં પૈસા રાખ્યા છે. ભારત સરકાર એનું પ્રાઉડ પણ લે છે કે આટલું બધુ હુંડિયામણ આવ્યું. આપણે એની આટલી મોટી સિદ્ધિઓ કરીએ છીએ. પણ જ્યારે મારા પોતાના પૈસા હોવા છતાં મે છ મહિનામાં કેવાયસી ન કરાવ્યું હોય તો ડોરમેટ થઇ જાય. હું ભારત આવું. મારા પૈસા બેંકમાં હોવા છતાં એમાંથી એક પણ રૂપિયો હું વાપરી નથી શકતો. એ આખી પ્રોસેસ 10 થી 15 દિવસની છે. એ NRI માટે આ ખરેખર નિરાશાજનક સ્થિતિ છે. 10માંથી 9 NRI આ મુદ્દે એગ્રી થશે કે ખરેખર ભારત સરકાર આ ખોટું કરી રહી છે. તો અમારી આગામી પેઢી વતનમાં પૈસા નહીં રોકે
તેમણે આગળ કહ્યું, પીએમ મોદી સાથે અમે એ પણ ચર્ચા કરી કે અમને બીક એ છે કે અમે પહેલી પેઢી છીએ. અમે તો ભારત સાથે કનેક્ટેડ રહેવાના જ છીએ. ગમશે તો પણ અને નહીં ગમે તો પણ. પરંતુ આવનારી પેઢીનું શું? અમારી પહેલી પેઢીના સિનીયર NRIને તેની નવી પેઢીના છોકરાઓ એવું જ કહે છે કે જેમ બને એમ ભારતમાંથી બધું વેચીને તમારે જેમ દાન કરવું હોય એમ દાન કરી દો. પણ જો તમે વતનમાં મૂકીને જશો તો અમે એના માટે કશું જ કરવા જવાના નથી. તેનું કારણ એ છે કે ભારતમાં ટેબલે-ટેબલે કામ માટે પૈસા આપવા એ ખુલ્લી વસ્તુ છે. અમારી નવી પેઢી એ માટે એગ્રી થવાની નથી. તેના કરતાં પડતું મૂકી દેશે કે જેને લેવું હોય એ લે. પણ પછી એ આ દેશમાં રૂપિયા ઇન્વેસ્ટ કરવા ક્યારેય તૈયાર નહીં થાય. અમારી આ ચર્ચામાં પણ પીએમ મોદી પોઝિટિવ હતા. પીએમ મોદીએ અમને એમ કહ્યું કે અત્યાર સુધી અમને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઘણા ડેલિગેશન મળવા આવ્યા છે. બધા સિદ્ધિઓની જ વાત કરવા આવે છે. પરંતુ તમારું ફોગાનું ડેલિગેશન એવું છે કે જે લોકોના સામાન્ય પ્રશ્નોની રજૂઆત કરવા આવ્યું છે. એ ખરેખર અલગ છે. વાસુદેવભાઈ પટેલે આગળ કહ્યું, બીજાની જેમ હું પણ મારી સિદ્ધિઓની વાત કરી શક્યો હોત પણ અમે લોકોને પજવતા નાના પ્રશ્નોની રજૂઆત કરી. આવી નાની વસ્તુઓ કદાચ પીએમના ધ્યાન પર ન આવી હોય એવું બની શકે. પણ એટલે જ એમણે પોઝિટિવલી એક્શન લીધા. સાથે અમને જે-તે અધિકારીઓ સાથે વાત કરવા પણ મોકલ્યા હતા. ત્યાર બાદ પીએમ મોદીએ ગુજરાત સરકારના મંત્રીઓને પણ અમને મળીને સાંભળીને રિપોર્ટ કરવા સૂચન કર્યું હતું. એટલે પછી અમે ગુજરાત આવીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. જેમની પાસે હોમ મિનિસ્ટર ઉપરાંત NRG વિભાગનો પણ પોર્ટફોલિયો છે. આજ પ્રશ્નો માટે અમે પછી સીએમ ભૂપેન્દ્રભાઇને પણ મળ્યા હતા. CM સ્વાગત કાર્યક્રમમાં NRI સાથે વાતચીત કરે
વાસુદેવભાઈએ કહ્યું, અમે CM ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી કે જે રીતે સ્વાગત કાર્યક્રમમાં તમે સામાન્ય લોકોને મળી પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવા કલેક્ટર સહિતના અધિકારીઓને આદેશ આપો છો. એ જ રીતે NRIના પ્રશ્નોનું સમાધાન થાય તેવી અમારી માંગ છે. સ્વાગત કાર્યક્રમમાં CM ડાયરેક્ટ NRI સાથે વાત કરે. જેમાં NRI લોકો પોતાના પ્રશ્નો રજૂ કરે. અને જે-તે મિનિસ્ટર કે જિલ્લાના કલેક્ટરની હાજરીમાં ત્યાં જ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે. જેથી NRIને ભરોસો આવશે કે ગુજરાત સરકાર તેમનું સાંભળે છે. અમે CM ભૂપેન્દ્ર પટેલને એવું પણ કહ્યું હતું કે જો તમે ન મળી શકો તો સક્ષમ અધિકારી કે મિનિસ્ટર સાથે મુલાકાત ગોઠવી આપો તો સારુ. તો તેના જવાબમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ‘મને કેમ ટાઇમ ન મળે? હું જ મળવા આવીશ.’ તેમણે ખરેખર ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો હતો. લિકર પરમિટની પ્રોસેસ સરળ બનાવો
તેમણે કહ્યું, આ ઉપરાંત લિકર પરમિટના ઇશ્યૂ અંગે પણ વાત થઈ હતી. કોણ પીવે છે અને કોણ નથી પીતા એ અલગ વસ્તુ છે. પણ પરદેશમાં રહેતા હોય તો એ સ્વભાવિક વસ્તુ છે. અત્યારની પ્રોસિજર મુજબ NRI આવે તેના બીજા દિવસે તેણે તેનો પાસપોર્ટ કે OCI લઇને જે-તે નશાબંધી ખાતાની ઓફિસમાં જઇને એપ્લિકેશન કરવાની. અહીં લિકરની પરમિશન જરૂર મળી જાય છે, પણ અમુક જગ્યાએ પાંચ-પચાસ રૂપિયા આપવા પડે છે. લિકર માટે NRIને ના પાડવાનો તો કોઇ સવાલ આવતો નથી. પણ હાલની પ્રોસેસની બદલે સારી રીતે પ્રોસેસ હોવી જોઈએ. મારું સજેશન હતું કે તમે જેમ તમે ઇ-વિઝા આપો છો અને એ લઇને સીધા એરપોર્ટ પર આવી શકાય છે. અને 2-3 મહિના રહેવું હોય તેમના પાસપોર્ટમાં સિક્કા મારી એન્ટ્રી ઑફિશિયલી કરી અપાય છે. તો પછી આ સેમ પ્રોસિજર લિકર પરમિટ માટે કેમ ન કરી શકાય? અત્યારની પ્રોસેસમાં બીજો પ્રોબ્લેમ એવો છે કે 28 દિવસની લિકર પરમિટ કરી આપે છે. પણ કોઇને 6 કે 8 વીક રહેવાનું હોય તેણે લિકર પરમિટ માટે ફરી ઓફિસમાં જવું પડે છે. 28 દિવસ પછી સિટીની કોઈ જુદી ઓફિસમાં પણ જવું પડે છે. એક તો NRI પાસે ટાઇમ ઓછો હોય છે. ત્યારે જેની જરૂર નથી એવી પ્રક્રિયા માટે લોકોને ત્યાં દોડવું પડે છે. વાસુદેવભાઇ પટેલે કહ્યું, અમારી વાત સાંભળ્યા બાદ મિટિંગમાં હાજર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઝિટિવ સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે OCI, પાસપોર્ટ કે વિઝાનો નંબર નાખીને લિકર પરમિટ આપી શકાય એવી વ્યવસ્થા ગોઠવી શકીએ છીએ. આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અમેરિકામાં યોજો
તેમણે વધુમાં કહ્યું, ગયા વર્ષે અમે અમારી સંસ્થા ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGA)નું કન્વેન્શન અમેરિકામાં યોજ્યું હતું. જેમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ તથા જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા. આ સિવાય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ફંક્શન સફળ રહ્યું હતું. આ જ રીતે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા તો તેમણે આગામી વર્ષે યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અમેરિકામાં યોજવાનું સૂચન કર્યું હતું. તમે ગુજરાતમાં સમિટ કરો છો, જેમાં મોટાભાગે નાની કંપનીઓના બદલે મોટી કંપનીઓ વધુ આવે છે. તેના બદલે જો તમે અમેરિકાના 4 સ્ટેટમાં વાઇબ્રન્ટ સમિટ કરો તો અહીં કરતાં ખર્ચો પણ ઓછો આવશે. અમેરિકામાં દસમા ભાગના ખર્ચમાં એટલા જ એમઓયુ થશે
FOGAના પ્રેસિડેન્ટે કહ્યું, ગુજરાતી કોમ્યુનિટીને વતન પ્રત્યે પ્રેમ છે. જેમ કે કેન્સાસમાં દેવભાઇ, ન્યૂયોર્કમાં પકાજી, હ્યુસ્ટનમાં પી.વી.પટેલ, ડલાસમાં આત્મન રાવલ અને ઓસ્ટિનમાં ચિરાગભાઇ છે. તેઓ ચારેબાજુ પોતપોતાના ડોનેશન પણ આપે છે. આ ઉપરાંત અહીંનું તંત્ર ભારત તરફી કેમ કૂણું વલણ રાખે એ માટે પણ વર્ષોથી કામ કરે છે. આ લોકોને અહીંના નિયમો અને બેનિફિટની ખબર છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા અમેરિકાથી ગુજરાતમાં બિઝનેસ લાવવા માટે આ પણ આ લોકોની મદદ લઇ શકાય છે. મારી ગણતરી મુજબ દસમા ભાગના ખર્ચમાં અહીં જેટલા જ એમઓયુ અમેરિકામાં થઇ શકે. પીએમ મોદીને એક વાર ટ્રાયલ માટે પણ અમારો મુદ્દો પસંદ આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે એક નહીં પણ આપણે બે વાર ટ્રાયલ કરીશું. CMને અમેરિકામાં ગુજરાતી લોકોને મળવા આમંત્રણ આપ્યું
તેમણે આગળ કહ્યું, ગુજરાતનાં ચીફ મિનિસ્ટર તરીકે છેલ્લે કેશુભાઇ અમેરિકા આવ્યા હતા. એ પછી નરેન્દ્રભાઇ જ્યારે સીએમ હતા ત્યારે વિઝાની તકલીફ પડી. એ તો આવવા માટે ઘણા પોઝિટિવ હતા. નહીંતર તો 10 વાર અમેરિકા આવ્યા હોત. પછી કોઇ ચીફ મિનિસ્ટર ઓફિશિયલ કેટેગરીમાં આવા કામ માટે આવ્યા નથી. પર્સનલ મીટ માટે તો આવતા જ હોય છે. પણ આવા કામ માટે કોઇ આવ્યું નથી. તેની સામે બીજા સ્ટેટની વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસ ચાર વાર અને યોગી આદિત્યનાથ ત્રણ વાર અમેરિકા આવી ગયા છે. તેઓ કોમ્યુનિટીને મળવા પણ આવે છે, જેથી તેમની સાથે સીધો સંવાદ થાય અને તેમના પ્રશ્નો સોલ્વ થાય. આપણા લોકોની લાગણીથી ઇન્વેસ્ટમેન્ટ પણ વધશે. ગુજરાત નંબર વન છે, તેમાં વધારે ચાંદ લાગી શકે એમ છે. આ અંગે સીએમ ભૂપેન્દ્રભાઇ સાથે વાત થઇ તો એમણે અમેરિકા આવવા માટે પોઝિટિવ જવાબ આપ્યો હતો. સાથે તેમણે એક સિનિયર આઇએએસ ઑફિશિયલનો કોન્ટેક્ટ પણ કરાવ્યો. જેઓ આ દિશામાં કામ કરે છે. સિવિલ કેસમાં NRIને માર્ગદર્શન આપો
અંતમાં તેમણે કહ્યું, આ ઉપરાંત પંજાબ, કર્ણાટક, તેલંગાણામાં NRI લોકોને તેમના સિવિલ કેસમાં માર્ગદર્શન આપવામાં આવે છે અને તેમના કેસ ઝડપથી પતી જાય છે. એ જ રીતે ગુજરાતમાં NRIને સિવિલ કેસમાં મદદ મળવી જોઈએ, જેથી તેમનો ભારતના કાયદામાં વિશ્વાસ બેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૈદ્ધાંતિક રીતે એ પણ એગ્રી થયા કે તારીખો અને વકીલોની માયાજાળમાંથી કેવી રીતે NRI લોકોના કેસનો નિકાલ આવે અને ઝડપથી કામ થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments