back to top
HomeદુનિયાEditor's View: પાકિસ્તાનના ટુકડા થઇ જશે?:આર્થિક સંકટ અને BLAએ નાકમાં દમ લાવી...

Editor’s View: પાકિસ્તાનના ટુકડા થઇ જશે?:આર્થિક સંકટ અને BLAએ નાકમાં દમ લાવી દીધો, બલુચિસ્તાન હાથમાંથી સરકે એવી શક્યતા, PoK ભારત આંચકી જાય એવો ભય

15 ઓગસ્ટ 2016નો દિવસ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચ્યા ને સ્પીચમાં તેમણે આ વાત કરી. ”મૈં આજ લાલ કિલ્લે કી પ્રાચીર સે કુછ લોગોં કા વિશેષ આભાર ઔર અભિનંદન પ્રગટ કરના ચાહતા હૂં. પિછલે કુછ દિનોં સે બલુચિસ્તાન કે લોગોં ને, ગિલગિટ કે લોગોં ને, પાક ઓક્યુપાઈડ કશ્મીર કે લોગોં ને, વહાં કે નાગરિકો ને જિસ પ્રકાર સે મુઝે બહોત બહોત ધન્યવાદ દીયા હૈ. જિસ પ્રકાર સે મેરા આભાર વ્યક્ત કીયા હૈ. મેરે પ્રતિ ઉન્હો ને જો સદ્દભાવના જતાઈ હૈ. દૂર-દૂર બૈઠે હુએ લોગ, જિસ ધરતી કો મૈને દેખા નહીં હૈ. જિન લોગોં કે સાથ મેરી કભી મુલાકાત નહીં હુઈ લેકિન ઐસે દૂર-સુદૂર બૈઠે હુએ લોગ હિન્દુસ્તાન કે પ્રધાનમંત્રી કા અભિનંદન કરતે હૈં. ઉસકા આદર કરતે હૈં. વો મેરે સવાસો કરોડ દેશવાસીઓ કા સન્માન હૈ. ઈસલિયે ધન્યવાદ કા ભાવ કરનેવાલે બલૂચિસ્તાન કે લોગોં કા, ગિલગિટ કે લોગોં કા, પાક. કે કબજેવાલે કશ્મીર કે લોગોં કા મૈં આજ તહેદિલ સે આભાર વ્યક્ત કરના ચાહતા હૂં.” મોદીની સ્પીચ પછી બલુચિસ્તાનમાં મોદીના ફોટા અને તિરંગા લહેરાવાયા હતા. બલુચિસ્તાન વર્ષોથી પાકિસ્તાનથી અલગ થવા મથે છે. હવે બલુચિસ્તાનના આતંકી સંગઠને ટ્રેન હાઈજેક કરી. પાકિસ્તાન આનો આરોપ ભારત પર લગાવે છે. બીજી તરફ અમિત શાહ અને એસ.જયશંકર પીઓકે પાછું લેવાની વાત કરી ચૂક્યા છે. ત્યારે હવે એ વાત વધારે મજબૂત બનતી જાય છે કે પાકિસ્તાનના ટુકડા થવાની તૈયારી થઈ રહી છે. નમસ્કાર, પાકિસ્તાન આમ પણ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. એમાં બલુચિસ્તાનના આતંકવાદી સંગઠન બલોચ લિબરેશન આર્મી અને તેના પેટા સંગઠન મજીદ બ્રિગેડે પાકિસ્તાનના નાકમાં દમ કરી દીધો છે. પાકિસ્તાનને ભય છે કે આ આતંકી સંગઠનો પાકિસ્તાનમાં કબજો જમાવી લેશે અને એ પણ ભય છે કે ભારત PoK આંચકી જશે. પહેલાં જાણો ટ્રેન હાઈજેક થવાની ઘટના શું છે?
બલુચિસ્તાનની રાજધાની ક્વેટાથી પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ નામની ટ્રેનને 11 માર્ચની બપોરે હાઈજેક કરી લેવામાં આવી. બલુચિસ્તાનના આતંકી સંગઠન બલોચ લિબરેશન આર્મી (BLA) અને તેના પેટા સંગઠન મજીદ બ્રિગેડે તેની જવાબદારી લીધી. આ ટ્રેન પસાર થાય ત્યારે કેટલીક ટનલ આવે છે. તેમાં એક ટનલ પાસે બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક તોડી નખાયો એટલે જાફર એક્સપ્રેસ ટ્રેન ઊભી રહી. જેવી ટ્રેન ઊભી રહી તે તરત આતંકીઓ ટ્રેનમાં ચડી ગયા. નવેનવ ડબામાં કબજો કરી 350થી 400 જેટલા મુસાફરોને બંધક બનાવી લીધા. આ વાતની જાણ પાકિસ્તાની આર્મીને થઈ કે તરત જવાનો પહોંચ્યા. પાકિસ્તાની આર્મી અને BLA વચ્ચે ઘર્ષણ થયું. આ બનાવમાં પાકિસ્તાની સેનાના 20 જવાનો માર્યા ગયા એવો દાવો BLAએ કર્યો છે. તો પાકિસ્તાની આર્મીએ પણ દાવો કર્યો છે કે તેણે BLAના 27 આતંકીઓને ઢાળી દીધા છે. એ પછી આર્મીનું પ્રેશર વધ્યું એટલે BLAનું પેટા સંગઠન મજીદ બ્રિગેડ 35 મુસાફરોને પોતાની સાથે બંધક બનાવીને લઈ ગયું છે અને બાકીનાને મુક્ત કરાવાયા છે. પાકિસ્તાને ટ્રેન હાઈજેકના આરોપ ભારત પર મૂક્યા
આપણે ત્યાં કહેવત છે કે પાકિસ્તાનની અને કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી. પાકિસ્તાનનો ક્યારેય ભરોસો કરવા જેવા નથી એ બધા જાણે છે. ક્વેટાથી પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરવામાં આવી ત્યારે દુનિયામાં પાકિસ્તાનનું નાક કપાયું. આ નાક બચાવવા પાકિસ્તાને ભારત પર આરોપો મૂકી દીધા છે. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. તેમણે કોઈપણ પુરાવા વિના કહ્યું છે કે બલૂચ બળવાખોરોને ભારત તરફથી સમર્થન મળી રહ્યું છે. તેણે એમ પણ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પહેલાં તેમની પાસે આ સુવિધા નહોતી પણ હવે તેમને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી છે. પાકિસ્તાનમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે અફઘાનિસ્તાનમાં તાલિબાનની હાજરીને કારણે થઈ છે. બલોચ લિબરેશન આર્મી-BLA અને મજીદ બ્રિગેડ છે શું?
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રહેતા લોકોનું કહેવું છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે બલુચિસ્તાન અલગ આઝાદ દેશ તરીકે ઈચ્છતા હતા પણ તેમની મરજી વિરુદ્ધ બલુચિસ્તાનને જબરદસ્તી પાકિસ્તાનમાં સામેલ કરી દેવામાં આવ્યું. આના કારણે બલુચિસ્તાનમાં સેના અને પ્રજા વચ્ચે સંઘર્ષ શરૂ થયો. બલુચિસ્તાનનું આતંકી સંગઠન BLA બહુ તાકાતવર છે. તે બલુચિસ્તાનને પાકિસ્તાન અને ચીનથી મુક્તિ અપાવવા ઈચ્છે છે. આ લોકો માને છે કે બલુચિસ્તાનના ખનીજ ખજાના પર તેનો પોતાનો હક્ક છે. પાકિસ્તાન સરકારે બલુચિસ્તાન લિબરેશન આર્મીને 2006માં આતંકી સંગઠનની યાદીમાં સામેલ કર્યું હતું. આ સંગઠનના કેટલાક આતંકીઓ પાકિસ્તાની જેલમાં છે એટલે તેમને છોડવાની માગણી સાથે આ ટ્રેન હાઈજેક થઈ હતી. BLA શું છે? મજીદ બ્રિગેડ શું છે? બલુચિસ્તાન પાકિસ્તાન માટે મહત્વનો પ્રાંત કેમ છે?
બલુચિસ્તાન પાકિસ્તાન માટે સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પ્રાંત છે. એના પણ કારણો છે. બલુચિસ્તાનના દક્ષિણમાં અરબ સાગર છે જે સમુદ્ર વ્યાપાર માટે મહત્વનો છે. અહીં ગ્વાદર પોર્ટ પણ છે જે પાકિસ્તાને ચીનને લીઝ પર આપ્યો છે. આ પ્રાંત ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)નો હિસ્સો છે. આ સિવાય અહીંયા ખનીજોનું ખનન કરવાની પણ ચીનને છૂટ છે. બલુચિસ્તાનમાં તાંબુ, કોલસો, સોનું અને યુરેનિયમનો ભંડાર છે. પાકિસ્તાનના કુલ કુદરતી ભંડારના 20 ટકા અહીંયા જ છે. પાકિસ્તાનના ત્રણ નેવલ બેઝ પણ બલુચિસ્તાનમાં છે. અહીંયા જ ચગાઈ વિસ્તારમાં પરમાણુ પરિક્ષણ કરીને પાકિસ્તાને એવો દાવો કરેલો કે પાકિસ્તાન પાસે પરમાણુ તાકાત છે. તો બલુચિસ્તાન ભારતમાં હોત !!
આઝાદી પહેલાં બલુચિસ્તાન ચાર ભાગોમાં વહેંચાયેલું હતું. કલાત, ખારાન, લોસબેલા અને મકરાન. એમાં સૌથી શક્તિશાળી કલાત હતું. 1947માં ભાગલા થયા ત્યારે કલાતના રાજા મીર અહેમદ ખાન આઝાદી ઈચ્છતા હતા. એટલે ભારત અને પાકિસ્તાનનો હિસ્સો નહોતા બનવા માગતા. જિન્હાએ એ સમયે કલાતની આઝાદીનું સમર્થન કર્યું. જિન્હાએ કહ્યું કે કલાત આઝાદ દેશ હશે. તેમાં ખારાન અને લોસબેલાનો વિલય કરાવાશે. ભાગલાની આગલી જ રાત્રે કલાતે પોતાની આઝાદીનું એલાન કરી દીધું તો સ્થિતિ બદલવા લાગી. ત્યારે એમણે કહેલું કે પાકિસ્તાન સાથે મિત્રતા રાખીશું. પણ એવું થયું નહીં. 27 માર્ચ 1948ની તારીખ આવી. એ દિવસે ઓલ ઈન્ડિયા રેડિયો પર એક સમાચાર આવ્યા ને ઈતિહાસનું પાનું પલટાઈ ગયું. આ સમાચારમાં ભારતના તત્કાલિન કેન્દ્રીય સચિવ વી.પી. મેનનની પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ હતો. મેનને કહ્યું હતું કે, કલાતના રાજા ભારત સાથે વિલય ઈચ્છે છે. પણ અમે આવું કાંઈ કરવાના પક્ષમાં નથી. એ વખતે મેનન સરદાર પટેલ સાથે રજવાડાંના વિલયની જવાબદારી સંભાળી રહ્યા હતા ત્યારે આ નિવેદન પર વિવાદ થવાનું નક્કી હતું. નેહરુ અને સરદારે આ સમાચારને ખોટા ગણાવ્યા. ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. મોહમ્મદ અલી જિન્હાએ પાકિસ્તાની આર્મીને ઓર્ડર કરી દીધો હતો કે કલાત પર ચઢાઈ કરો. કલાતના રાજા મીર અહેમદ ખાનને બંદી બનાવી લેવાયા અને વિલયના કાગળ પર જબરજસ્તીથી સાઈન કરાવી લીધી. આ રીતે બલુચિસ્તાનને પાકિસ્તાનમાં પરાણે વિલય કરાવી દેવાયું. ત્યારથી અત્યાર સુધી બલુચિસ્તાનના નાગરિકોએ પાકિસ્તાનની ગુંડાગીરીને સ્વિકારી નથી. બલોચ પ્રજાએ વારંવાર વિદ્રોહ કર્યા છે
બલુચિસ્તાનની પ્રજા વારંવાર પાકિસ્તાનનો વિરોધ કરતી રહી છે. 1958, 1952 અને 1973માં પાકિસ્તાની સરકાર સામે બલોચ નાગરિકોએ વિદ્રોહ પણ કર્યો. પણ પાકિસ્તાની સેનાએ વિદ્રોહ દબાવી દીધો. એ પછી 32 વર્ષે 2005માં ફરી બલોચ નાગરિકોએ પાકિસ્તાનનો વિદ્રોહ કર્યો. આ વખતે નવાબ અકબરખાન મુકતીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું. નવાબ મુકતી 50ના દાયકામાં ડિફેન્સ મિનિસ્ટર હતા અને બલુચિસ્તાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. વિદ્રોહના બીજા વર્ષે 2006માં મુકતીની હત્યા થઈ. શંકાની સોય ISI તરફ હતી. અત્યાર સુધી બલુચિસ્તાનની આઝાદી માટે લડનારા સંગઠનો BLAએ પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં હજારો લોકોને માર્યા છે
બલુચિસ્તાનના આતંકી સંગઠને વારંવાર પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં હુમલા કર્યા છે. ટ્રેનમાં, મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા છે. વાત 2024ની કરીએ તો પાકિસ્તાનમાં ગયા વર્ષે 521 આતંકવાદી હુમલા થયા હતા. આ આંકડો ઈસ્લામાબાદની પાકિસ્તાન ઈન્ટસ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝે નોંધ્યો છે. આ હુમલામાં 2 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જાન્યુઆરી-2025માં પાકિસ્તાનમાં આતંકી હુમલાઓમાં 100થી વધારે લોકો માર્યા ગયા છે. સૌથી વધારે હુમલા ખૈબરપખ્તુન્વાહ અને બલુચિસ્તાનમાં થયા છે. હવે વાત PoKની કરીએ… જે રીતે પાકિસ્તાનના હાથમાંથી બલુચિસ્તાન સરકી રહ્યું છે તે રીતે પાક. ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) પણ ભારત ગમે ત્યારે આંચકી લેશે એ વાત પાકિસ્તાન જાણે છે. એટલે આઝાદીના 80 વર્ષ પછી પાકિસ્તાનના ટુકડા ટુકડા થઈ જશે એવો માહોલ ઊભો થયો છે. પાકિસ્તાને કાશ્મીરના રાજાને ચેતવણી આપતો પત્ર લખ્યો હતો
દેશની આઝાદીના સમય સુધીમાં 560 રજવાડાંએ ભારતમાં જોડાવાનું નક્કી કર્યું, પણ જૂનાગઢ, જમ્મુ-કાશ્મીર અને હૈદરાબાદના રાજાઓએ એવો નિર્ણય લીધો કે, અમારે ન તો ભારત સાથે જોડાવું છે, ન તો પાકિસ્તાન સાથે. અમે સ્વતંત્ર્ય રહેવા માગીએ છીએ. વિલિયમ નોર્મન બ્રાઉને પોતાના પુસ્તક ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન’માં લખ્યું છે – 24 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાને મહારાજા હરિ સિંહને એક ચેતવણી પત્ર મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે ‘કાશ્મીરના મહારાજા માટે પોતાની પસંદગીનો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે, તમારે પાકિસ્તાનની પસંદગી કરવી જોઈએ. જો કાશ્મીર પાકિસ્તાન સાથે નહીં જોડાય તો એને ગંભીર સંકટનો સામનો કરવો પડશે.’ પાકિસ્તાનીઓ કાશ્મીરમાં ઘૂસ્યા અને આ રીતે બન્યું PoK
પત્ર લખ્યાના લગભગ બે મહિના પછી 22 ઓક્ટોબર 1947ના રોજ પાકિસ્તાને ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંતના કબાલીઓને એકત્ર કરીને ઓપરેશન ગુલમર્ગ શરૂ કર્યું. આધુનિક હથિયારોથી સજ્જ અને પાકિસ્તાની સેનાના સીધા નિયંત્રણ હેઠળ લગભગ 2000 કબાલીઓ વાહનો દ્વારા અને પગપાળા કાશ્મીરના મુઝફ્ફરાબાદ પહોંચ્યા. 22 ઓક્ટોબરના દિવસે કબાલીઓએ મુઝફ્ફરાબાદ પર કબજો મેળવ્યો અને 26 ઓક્ટોબર સુધીમાં ઉરી અને બારામુલ્લા તેમના કબજામાં હતા. 26 ઓક્ટોબરે મહારાજા હરિ સિંહ પોતાનો જીવ બચાવીને શ્રીનગરથી જમ્મુ પહોંચ્યા હતા. એ જ દિવસે હરિ સિંહે ભારત સાથે કાશ્મીરના જોડાણના પત્ર પર હસ્તાક્ષર કર્યા. આ રીતે કાશ્મીર ભારતનો ભાગ બન્યું પણ પાકિસ્તાને આ જોડાણ સ્વીકાર્યું નહીં. 1948માં કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ ઊભો થયો. પંડિત નહેરૂએ કાશ્મીરનો મુદ્દો UNમાં ઉઠાવ્યો. અંતે સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ 1 જાન્યુઆરી 1949ના રોજ બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ થયો અને કાશ્મીરમાં બંને દેશો વચ્ચે સરહદ રેખા નક્કી કરવામાં આવી, જેને નિયંત્રણ રેખા અથવા LoC કહેવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરના રજવાડાનો ભાગ જે પાકિસ્તાન દ્વારા કબજે કરવામાં આવ્યો હતો એને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલે કે PoK કહેવામાં આવ્યું. PoKને ભારતમાં ભેળવવું સરળ છે?
હકીકતે PoKને ભારતમાં ભેળવવું ખૂબ મુશ્કેલ છે. જો ભારત પીઓકેને જોડે છે, તો માત્ર ત્યાંની જમીન જ નહીં, પણ ત્યાંના લોકો પણ ભારતનો એક ભાગ બની જશે, કારણ કે ત્યાં રહેતા 30 લાખ લોકોને બહાર કાઢવા ​​શક્ય નહીં બને. પાકિસ્તાનનો ભાગ એવા કાશ્મીરના લોકોની વંશીયતા અલગ છે. ત્યાંના લોકોની ભાષા અને જીવનશૈલી અલગ છે. આવી સ્થિતિમાં બંદૂકના જોરે બધું જ થઈ શકતું નથી. જ્યાં સુધી ત્યાંના લોકો ભારતમાં ભળવા માગતા નથી ત્યાં સુધી ભારત માટે PoKનું વિલિનીકરણ કરવું સરળ નથી. PoKના પંજાબી મુસ્લિમો પાકિસ્તાનને વફાદાર છે
1947 પછી પાકિસ્તાન જાણતું હતું કે ભારત PoK માટે કોઈપણ સમયે યુદ્ધ શરૂ કરી શકે છે. પાકિસ્તાન આના માટે તૈયાર છે. ઇસ્લામાબાદે 1984માં પીઓકેના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં રાજ્ય વિષયનો નિયમ નાબૂદ કર્યો. આ પછી પાકિસ્તાનના કોઈપણ અન્ય ભાગનો નાગરિક ત્યાં જમીન ખરીદી શકે છે. આનું પરિણામ એ આવ્યું છે કે PoKની ડેમોગ્રાફી ઘણી બદલાઈ ગઈ છે. હવે પંજાબી મુસ્લિમોની મોટી વસતિ અહીં રહેવા લાગી છે, જેઓ પાકિસ્તાન સરકારને વફાદાર છે. PoK માટે અમિત શાહે શું કહ્યું હતું?
દિલ્હીમાં પુસ્તક ‘જમ્મુ-કશ્મીર એન્ડ લદ્દાખ, થ્રુ ધ એજિસ’ના વિમોચન સમયે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કાશ્મીર ફરી એકવાર આપણા ભૂસાંસ્કૃતિક રાષ્ટ્ર ભારતનું અભિન્ન અંગ બનીને ભારતની સાથે વિકાસના રસ્તે ચાલ્યું છે. ત્યાં પણ લોકતંત્ર પ્રસ્થાપિત થયું છે. અમિત શાહે પીઓકેનું નામ લીધા વગર કહ્યું કે, મને વિશ્વાસ છે કે, આપણે જે પણ આપણે ગુમાવ્યું છે તે આપણે જલ્દી પ્રાપ્ત કરી લેશું. PoK માટે એસ.જયશંકરે શું કહ્યું હતું?
તાજેતરમાં લંડનમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે, અમે કાશ્મીર સમસ્યાને ઘણી હદ સુધી હલ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવી એ આ દિશામાં પહેલું પગલું હતું. આ પછી બીજું પગલું કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિ વધારવાની સાથે સામાજિક ન્યાય ફરી સ્થાપવાનું હતું. ત્રીજું પગલું મોટેપાયે મતદાન સાથે ચૂંટણી કરાવવાનું હતું. ચોથું પગલું પાકિસ્તાને છીનવેલા કાશ્મીરના ભાગને પાછો લેવાનું હશે. છેલ્લે,
બલુચિસ્તાનનો એક નજબીત ભાગ હતો- કલાત. તેના નવાબ ખાન ઓફ કલાત સામે અંગ્રેજોએ કેટલાક કેસ કર્યા હતા. આ કેસ લડવા માટે ખાન ઓફ કલાતે તેના વકીલ તરીકે મોહમ્મદ અલી જિન્હાને રાખ્યા હતા. જિન્હા જ્યારે કલાત પહોંચ્યા ત્યારે તેને સોનાથી તોળવામાં આવ્યા હતા. તેના વકીલ બન્યા. ખૂબ પૈસા કમાયા અને અંતે જ્યારે 1947માં ભારત-પાકિસ્તાનની પહેલાં બલુચિસ્તાન આઝાદ થયું ત્યારે જિન્હાએ ખાન ઓફ કલાત પાસે બળજબરીથી સાઈન કરાવી લીધી ને બલુચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવી લીધું. જિન્હાએ ખાન ઓફ કલાત સાથે ગદ્દારી કરી હતી. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર વ્યૂ…… નમસ્કાર…. (રિસર્ચ – યશપાલ બક્ષી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments