હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાનો વરતારો જાણવા મળે છે. હોળીની જ્વાળાઓ કઈ દિશાઓમાં જાય છે તેના પરથી ખગોળીય અને જ્યોતિષની દૃષ્ટિએ આગામી ચોમાસુ કેવું રહેશે તેનો અંદાજ મળે છે. તા. 13 માર્ચને ગુરૂવારે પ્રગટાવનારી હોળીની જ્વાળાની દિશા પરથી આગામી ચોમાસાનો વરતારો કાઢવામાં આવશે.
હોળીના પ્રાગટ્ય સમયે ઉત્તર દિશામાં વાયુ હોય તો વર્ષ સુખદાયી રહે અને પાક સારો થાય. જ્યારે પશ્ચિમ દિશાનો વાયુ હોય તો મધ્યમ ફળદાયી વરસાદ થાય.ચોમાસુ સારૂ રહેશે તેમ માનવું. દક્ષિણ દિશાનો વાયુ હોય તો દુષ્કાળ અને રોગચાળાનો ભય રહે અને પશુ પ્રાણીઓને નુકશાન થાય. જ્યારે પૂર્વ દિશાનો વાયરો હોય તો સામાન્ય વરસાદ રહે, ખંડ વૃષ્ટિ થાય. એકંદર વર્ષ મધ્યમ પસાર થાય. ઈશાની વાયરો હોય તો વર્ષ સુખકારક રહે, ઠંડી ખૂબ પડે અને ઉનાળો મોડો શરૂ થાય. અગ્નિ દિશાનો વાયરો હોય તો ચોમાસુ મોડુ અને વરસાદ થોડો થાય. પાણીની ખેચ રહે. નૈઋત્યનો વાયરો હોય તો પાકને નુકશાન થાય. ખંડ વૃષ્ટિ થાય. વાયવ્ય દિશાનો વાયુ હોય તો ચક્રવાતનો ભય રહે. જો વાયરો આકાશમાં ઘૂમરી લેતો અને ચારેય દિશામાં વાયુ પ્રસરતો હોય તો દુષ્કાળનો ભય રહે. વરસાદના વરતારાની પ્રાચીન પદ્ધતિ…
આપણા ઋતુચક્રમાં વરસાદ માટે વિવિધ પધ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. જેમ કે, રોહિણીનો વાસ, વર્ષા સ્થંભ, વાહન, ચોક્કસ તિથિઓમાં પવનની દિશા, સર્વતોભદ્ર ચક્ર, સપ્ત નાડી ચક્ર, મહા કવિ ધાધના વાક્યો, ભડલી વાક્યો, હોળીની જાળની દિશા, અખાત્રીજના પવનની દિશા વગેરે. આની મદદથી કરાયેલ વર્તારા ઉપયોગી નિવડે છે. જયારે હવામાનની અને વરસાદની આગાહિ કરવા કૃત્રિમ ઉપગ્રહો કે અદ્યતન કમ્પ્યુટરો ન હતા ત્યારે ઉપરની પધ્ધતિઓ વિશેષ વપરાતી અને આજે પણ વપરાય છે.”