એક સમયે મારી પાસે કાંઈ નહોતું. રણછોડરાયજીની કૃપાથી મારા બંને દીકરા સરકારી નોકરીમાં લાગી ગયા… અમારા માટે તો પદયાત્રિકોની સેવા એ જ રણછોડરાયજીની ભક્તિ છે આ શબ્દો છે એ ભક્તોના જે હોળીના દિવસે, ફાગણની પૂનમ ભરવા ચાલીને ડાકોર પહોંચે છે. રણછોડરાયજીનાં ચરણોમાં શીશ ઝુકાવે છે. ગમે તેટલો આકરો તાપ હોય. કાળઝાળ ગરમીમાં શરીરનું પાણી પરસેવાથી બહાર નીકળી જાય, એક તબક્કે તો સખત પગ દુખવા લાગે. છતાં ‘જય રણછોડ’નો નાદ ભક્તોને ઠંડક આપે, શરીરમાં ઊર્જા આપે ને લાંબું અંતર ફટાફટ કપાઈ જાય. 869 વર્ષ પહેલાં દ્વારકાથી ભગવાન કૃષ્ણ ડાકોરમાં આવીને બિરાજ્યા ને રણછોડરાયના નામથી પૂજાયા. કૃષ્ણના દરબારમાં દરેક પૂનમ ભરવાનું મહત્ત્વ છે પણ ફાગણની પૂનમ ખૂબ મહત્ત્વની છે અને આ પૂનમે જે ભક્તો પદયાત્રા કરીને તીર્થક્ષેત્રોમાં પહોંચે છે તો તેમને અનેક જન્મોનું પુણ્યકર્મ મળે છે. હોળીની જ્વાળામાં પાપ બળી જાય છે અને મહાકુંભના સ્નાન જેટલું પુણ્ય મળે છે. જ્યાં જ્યાં કૃષ્ણ બિરાજમાન છે ત્યાં ત્યાં ફાગણની પૂનમે ભક્તો ચાલીને પહોંચે છે. પછી એ મથુરા હોય, દ્વારકા હોય કે ડાકોર. દિવ્ય ભાસ્કરે ડાકોર તરફ ચાલીને જઈ રહેલા પદયાત્રિકો પર ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ પદયાત્રિકો સાથે વાતચીત કરતાં એવું લાગ્યું કે, આજના યુગમાં સૌથી બળવાન હોય તો એ શ્રદ્ધા છે જે નવું જીવન જીવવાની આશા આપે છે. પદયાત્રિકો સાથેની વાતચીત આગળ વધારીએ તે પહેલાં એ જાણીએ કે ફાગણની પૂનમે કૃષ્ણના દરબારમાં હાજરી આપવાનું મહત્ત્વ શું છે… એક લોકવાયકા છે કે દ્વાપર યુગમાં એક દિવસ, બાળકૃષ્ણે પોતાની માતા યશોદાને પૂછ્યું કે રાધા આટલી ગોરી કેમ છે અને પોતે આટલા કાળા કેમ છે? માતા યશોદાએ તેમને કહ્યું કે તે રાધાના ચહેરા પર કોઈપણ રંગ લગાવી શકે છે અને તેમને કોઈપણ રંગે રંગી શકે છે. બાલકૃષ્ણે રાધાને રંગ લગાવ્યો અને રાધાએ પણ બાલકૃષ્ણને રંગ લગાવ્યો. આ રીતે, વ્રજમાં રંગો રમવાની પરંપરા શરૂ થઈ. આજે પણ મથુરા, વૃંદાવન, બરસાના, ગોકુળ, દ્વારકા અને ડાકોરમાં હોળી એક અધ્યાત્મિક ભાવ સાથે મનાવાય છે. દિવ્ય ભાસ્કરની ટીમ અમદાવાદથી મહેમદાવાદના રસ્તે ડાકોર તરફ જવા નીકળી. રસ્તામાં પદયાત્રિકો ચાલીને જઈ રહ્યા હતા. બપોરે બે વાગ્યાનો સમય હતો. સૂરજદાદા આક્રમક રીતે તાપ વરસાવતા હતા. જે તડકામાં 15 મિનિટ ઊભા પણ ન રહી શકાય તેવા તડકામાં ભાવિકો ઉત્સાહથી ચાલીને ડાકોર તરફ જઈ રહ્યા હતા. પદયાત્રિકોને ગરમીમાં ચાલતા જઈને ત્યાંથી વાહનોમાં પસાર થતા દરેકના મનમાં સવાલ તો થાય જ કે, આ લોકો આટલી ગરમીમાં કેવી રીતે ચાલીને જઈ શકતા હશે? આ સવાલનો જવાબ આસ્થામાં છે, શ્રદ્ધામાં છે, ભક્તિમાં છે… પૂર્વ અમદાવાદના જશોદાનગરના રસ્તાથી શરૂ કરીને ડાકોર સુધીના રસ્તે માત્ર એક જ “જય રણછોડ માખણચોર” નો નાદ સંભળાઈ રહ્યો હતો. રસ્તા પર ઠેર ઠેર પદયાત્રીઓના સ્વાગતના બોર્ડ નજરે પડી રહ્યા હતા. રોડની બંને તરફ સેવાભાવના સાથે કેમ્પો ચાલતા જતા જે પદયાત્રીઓને નાસ્તો કરાવી રહ્યા હતા. ગરમી હોવાના કારણે છાશનું વિનામૂલ્યે વિતરણ કરાઈ રહ્યું હતું. રસ્તામાં જિલ્લા વહીવટી તંત્રના સેવા કેમ્પ હતા અને પોલીસ તંત્રના સહાયતા કેમ્પ પણ હતા. ખેડાના કઠવાડાથી આવતા સુરેશભાઈ તળપદાએ ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, હું છેલ્લાં 21 વર્ષથી ડાકોરમાં ફાગણી પૂનમ ભરવા આવું છું. પહેલાં અમારી પાસે કંઈ જ નહોતું, અમે શૂન્યમાંથી સર્જન કર્યું. ડાકોરના રણછોડરાયજીના આશીર્વાદથી મારા બન્ને દીકરા સરકારી નોકરીમાં લાગી ગયા. બીજું અમારે શું જોઈએ? અમે તો એક જ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાનની કૃપા અમારા પર સદાય આવી રીતે બની રહે. તે કહે છે, રસ્તામાં જતા અનેક સેવાભાવી કેમ્પો પણ ઘણી સેવા કરે છે. તંત્ર દ્વારા આયોજન પણ સારું કરવામાં આવે છે. ભગવાન જ્યાં સુધી અમારા પગ સહીસલામત રાખશે ત્યાં સુધી અમે આવી જ રીતે ચાલીને દર વર્ષે ડાકોરમાં ફાગણી પૂનમ ભરવા આવતા રહીશું. અમદાવાદના દાણાપીઠથી છેલ્લાં 15 વર્ષથી પગપાળા આવતા બે ભાઈઓ જણાવે છે કે, અમે આટલી ગરમીમાં ચાલતા આવીએ છીએ પરંતુ અમારા ઘરેથી લઈને છેક ડાકોર સુધી રણછોડરાયજી અમને છાંયડો આપે છે. અમને કોઈ થાક પણ નથી લાગતો અને અમે અવિરત ચાલીએ છીએ. અમારી કોઈ બાધા નથી, માનતા નથી બસ હૃદયથી અમે ડાકોરમાં રણછોડરાયજીનાં ચરણે આવીને શીશ ઝુકાવીએ છીએ. ઘણા લોકોને ડાકોર જતા રસ્તામાં પગમાં તકલીફ થવા લાગે છે પરંતુ ભગવાનની કૃપાથી અમને આજ સુધી આવું કંઈ થયું નથી. અમારા પપ્પા અમને ઘણી વખત ના પાડતા હોય છે કે તમે દર વખતે ચાલીને ન જાઓ, છતાં અમે પગપાળા આવીએ છીએ. જનસેવા સંઘની મહિલાઓનું એક ગ્રુપ છેલ્લાં 27 વર્ષોથી ડાકોર જતા પદયાત્રીઓની સેવા કરે છે. સેવા સંઘનાં મમતા જયસ્વાલ નામનાં મહિલા જે મૂળ ઉત્તર પ્રદેશનાં છે તેમની સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, અમારી સાથે તમામ ક્ષેત્રોમાંથી જોડાયેલી મહિલાઓ ભોજનની સેવા આપે છે. અમારા ગ્રુપમાં બનારસ અને ગોરખપુરની મહિલાઓ પણ સેવા આપે છે. અમારા ગ્રુપમાં અંદાજે 50 જેટલી મહિલા છે. અને ડ્રેસ કોડ રાખ્યો છે. એક જ કલરની સાડી પહેરીને સેવા આપીએ છીએ, જેથી એકતા બની રહે. અમારી સાથે અમારો આખો પરિવાર સેવામાં જોડાયેલો છે. ભક્તોની સેવા અમને અંતરનો આનંદ આપે છે. ડાકોર જતા રસ્તે હિન્દુ-મુસ્લિમ એકતાની મિસાલ પણ જોવા મળી. જેમાં મિર્ઝા મિયાં મલિક નામના મુસ્લિમ વ્યક્તિ પદયાત્રિકોની સેવા કરી રહ્યા હતા. મિર્ઝા મિયાં મલિક સાથે અમે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે અમે તો આવી રીતે ઘણાં વર્ષોથી સેવા આપીએ છીએ. તે કહે છે, અમારા માટે હિન્દુ-મુસ્લિમ જેવું કંઈ નથી. અમારા માટે તો હિન્દુ ભાઈ સમાન છે. બહાર દુનિયામાં શું થઈ રહ્યું છે તેનાથી અમને કોઈ લેવાદેવા નથી. અમારે તો અમારી એકતા જાળવી રાખવાની છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં પગપાળા જતા ભક્તોની સેવા કરીને અમને ઘણો આનંદ મળ્યો છે. અમદાવાદના જશોદાનગર રોડથી પ્રવેશ કરતા જમણી બાજુ અમને શ્રી બાલાજી હનુમાન મિત્ર મંડળે ઊભો કરેલો છાશ વિતરણનો સ્ટોલ જોવા મળ્યો. અહીં પગપાળા જતા લોકો ભરગરમીમાં છાશ પીને આગળ વધી રહ્યા હતા. છાશ કેન્દ્રના આયોજક દેહાભાઈ સરાણિયાએ ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, અમે છેલ્લાં 13-14 વર્ષથી આ પ્રકારે કેમ્પનું આયોજન કરીએ છીએ, છાશની સાથે અમે પૌઆ અને સેવમમરા પણ લોકોને આપીએ છીએ. લોકો જય રણછોડ બોલતા જાય છે અને અમને આશીર્વાદ આપતા જાય છે. લોકોની સેવા કરીને અમને ઘણો આનંદ થાય છે. પદયાત્રીઓની સેવા કરવી એ જ અમારી ભક્તિ છે. જીવનમાં કંઈ લઈ જવાનું નથી બધું અહીં જ મૂકીને જવાનું છે. તો પછી સેવા કરીને પુણ્ય કમાઈએ છીએ. ડાકોર જતા રસ્તે અનેક જગ્યા પર ખેડા જિલ્લા આયુર્વેદિક અધિકારીઓએ મેડિકલ કેમ્પ ખોલ્યા છે. જેમાં હોમિયોપેથિક મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અલ્ફીયા સૈયદને અમે મળ્યા ત્યારે તેમણે જણાવ્યું કે, કેમ્પમાં 8 થી 10 લોકોનો સ્ટાફ કામ કરી રહ્યો છે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તમામ દવાઓ આપવામાં આવી રહી છે. અહીંથી ચાલતા જતા પદયાત્રીઓને મોટાભાગે પગમાં દુખાવાની, પગમાં છાલાં પડ્યાં હોય, માથામાં દુખાવો હોય, કે ઝાડા-ઊલટી થતાં હોય અથવા ચક્કર આવતા હોય તેવા દર્દીઓ વધારે આવે છે અને દવા લે છે. ઈમર્જન્સીમાં કોઈ દર્દી આવે તો અમે તાત્કાલિક 108 બોલાવીને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અથવા જનરલ હોસ્પિટલમાં તેને રિફર કરીએ છીએ. અમારી રાઉન્ડ ધ ક્લોક ડ્યૂટી છે. રસ્તામાં આગળ વધતાં અમદાવાદથી પગપાળા આવતા ઉપેન્દ્રભાઈ દંતાણી સાથે અમે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે, હું, મારા ભાઈ અને મારી બહેન છેલ્લાં 16 વર્ષથી પગપાળા ડાકોર જઈએ છીએ જે ફક્ત એક શ્રદ્ધા અને વિશ્વાસના કારણે ભગવાનનાં દર્શન કરવા આવીએ છીએ, આટલું ચાલતાં ચાલતાં આવીએ છીએ છતાં અમને કોઈ પગ નથી દુખતા કે નથી કોઈ તકલીફ પડતી. ભગવાને બોલાવ્યા છે ને અમે જઈએ છીએ. ડાકોરના રણછોડરાયજી પ્રત્યે અમને અનેકગણી આસ્થા છે. આ આસ્થા જ અમને હિંમત આપે છે. ડાકોર મંદિરથી જિલ્લાના સમગ્ર રૂટ પર 2500 જેટલો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાયો છે. પોલીસ દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ડાકોર તરફ જતા રસ્તા પર દરેક 100-200 મીટર પર અલગ અલગ સેવા કેન્દ્રો છે. ભોજન-પાણીની અવિરત વ્યવસ્થા છે. અમદાવાદના જશોદાનગરથી લઈ મહેમદાવાદના ડાકોર જવાના શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. પોલીસ બંદોબસ્ત પણ ઓછો નથી. 1 એસપી,13 ડીવાયએસપી, 31 પીઆઈ અન્ય પીએસઆઈ મળીને 2500 પોલીસ જવાનો બંદોબસ્તમાં છે. આ સિવાય સર્વેલન્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ તેમજ BDDS, ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સર્વેલન્સ થઈ રહ્યું છે. સરળતાથી દર્શન કરી અને સરળતાથી ટ્રાન્સપોર્ટેશન માટેનાં વાહનો પણ નજીકથી મળી જાય એ પ્રકારની સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રણછોડરાયજીની મૂર્તિની કમરે ભાલાની ઈજાનું ચિહ્ન છે યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રણછોડરાયજી અને દ્વારકામાં બિરાજેલા દ્વારકાધીશની મૂર્તિમાં તફાવત બાબતે ડાકોરના સેવક પૂજારી બિરેનભાઈ પંડ્યાએ તફાવત જણાવ્યો હતો 1. રણછોડરાયજીના ચક્ષુ પૂર્ણ ખૂલેલા, દ્વારકાધીશનાં નેત્ર અર્ધ ખૂલેલાં
દંતકથા છે કે ડાકોરથી નિરાશ થઈ ગુગળી બ્રાહ્મણો પરત જવાની તૈયારી કરતા હતા ત્યારે શ્રીકૃષ્ણએ તેઓને કહ્યું હતું કે, બરાબર છ મહિના પછી દ્વારકાની સેવર્ધન વાવમાંથી મારા જેવી જ મૂર્તિ મળશે. પણ ભગવાનની ભક્તિમાં લીન ગુગળી બ્રાહ્મણોથી રાહ ના જોવાઈ અને સૂચિત સમય પહેલાં જ વાવમાં ખોદકામ કરતાં ભગવાનની અલ્પ વિક્સિત અને અડધી બંધ આંખોવાળી મૂર્તિ મળી. 2. દ્વારકાના નાથ કરતાં રણછોડજીની મૂર્તિનું કદ મોટું
દ્વારકાના ગુગળી બ્રાહ્મણોએ ભગવાને કહેલા 6 મહિનાના સમય પહેલાં સેવર્ધન વાવમાં ખોદકામ કર્યુ હતું . જેના કારણે ભગવાનની મૂર્તિનું કદ ડાકોર કરતા નાનું છે અને ચક્ષુ પણ અર્ધ ખૂલેલા છે. ડાકોરજીની મૂર્તિ લગભગ 3.5 ફૂટની છે જ્યારે દ્વારકાધીશની મૂર્તિનું કદ લગભગ સવા બે ફૂટ જેટલું છે. 3. રણછોડરાયને કમરના ભાગે ભાલાની ઇજાનું ચિહન
ગુગલી બ્રાહ્મણો દ્વારા બોડાણાને ભાલાથી ઈજા કરતા તેઓનું મૃત્યુ થયું હતુ. જે ભાલાની ઈજા ગોમતીમાં છુપાયેલા ભગવાનને પણ થઇ અને રણછોડરાયના રક્તથી ગોમતીનું પાણી લાલ થયું. ડાકોરમાં સ્થાપિત કરાયેલી મૂર્તિના કમરના ભાગે ભાલાની ઇજાનું ચિહ્ન હોવાનું પણ મનાય છે. 4. ડાકોર અને દ્વારકાની મૂર્તિની હસ્તની ભિન્ન મુદ્રા
ભગવાન દ્વારકાધીશના બે હાથ ઉપર અને બે હાથ નીચે છે. જ્યારે ડાકોરના રણછોડરાયના ત્રણ હાથ ઉપર છે, અને એક હાથ નીચે છે. એમ કહેવાય છે કે ભગવાને ભક્તોને આશીર્વાદ આપવા ત્રીજો હાથ ઉપર ઉઠાવ્યો છે. દ્વારકાધીશની મૂર્તિના હસ્તમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલાં છે. 5. રણછોડરાય ત્રિસ્વરૂપી છે, જ્યારે દ્વારકાધીશનું વિષ્ણુ સ્વરૂપ
ડાકોરમાં ભગવાન ત્રિસ્વરૂપી છે. જેમાં મૂર્તિની એક બાજુ બ્રહ્માજી, બીજી તરફ શિવજી અને વચ્ચે સ્વયં વિષ્ણુ ભગવાન છે. જ્યારે દ્વારકામાં ભગવાન વિષ્ણુ સ્વરૂપે બિરાજે છે.