રાજ્યમાં હીટવેવનું પ્રમાણ સૌથી વધુ ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધ્યું છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લાના હિસ્સાઓમાં 1 દિવસ પ્રતિ વર્ષના દરથી હીટવેવના દિવસો વધી રહ્યા છે. હાલમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગ દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં ગુજરાતમાં હીટવેવની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. 1961-1990ની આધારભૂત સમયગાળાની તુલનામાં 1991-2022ના સમયગાળામાં હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. વિશેષરૂપથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવમાં ચિંતાજનક વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રમાં હીટવેવ્સનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. નોંધનીય છે કે, પૂર્વ ગુજરાત (મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક હિસ્સા)ને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના હિસ્સામાં હીટવેવની તીવ્રતા અને સમયગાળો વધ્યા છે. આ આધારે હાથ ધરાયું સંશોધન | આ સંશોધનમાં હીટવેવ ડ્યૂરેશન ઈન્ડેક્સ (HWDI)નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સતત ત્રણ દિવસ સુધી 95મા પ્રતિશતકથી વધુ દૈનિક મહત્તમ તાપમાનવાળા દિવસોની વાર્ષિક ગણતરીને દર્શાવે છે. સંશોધનમાં 1961-1990ના ગાળાને આધારભૂત સમયગાળો માનવામાં આવી છે, જ્યારે 1991-2022ના સમયગાળાનું વિશ્લેષણ હાલના સમયગાળા તરીકે કરવામાં આવ્યું છે. હીટવેવ્સના દિવસો ભવિષ્યમાં સતત વધશે
વૈશ્વિક તાપમાનમાં વધારો કે જે ગ્લોબલ વોર્મિંગ તરીકે જાણીએ છીએ તે હીટવેવ્સની તીવ્રતા અને સમય દ્વારા અનુભવાય છે. ગ્લોબલ વોર્મિંગમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 1850 પહેલાંની પરિસ્થિતિની સરખામણીમાં હાલ સુધી 1 ડિગ્રી વધ્યું છે. આ વધારો દરરોજના તાપમાનમાં 1 ડિગ્રીના વધારા તરીકે અનુભવાતો નથી પણ મરિન અને હવાના હીટવેવ્સ તરીકે વ્યક્ત થાય છે. આ સંશોધનમાં 1961-1990ના વર્ષોને આધારભૂત સમયગાળા તરીકે લીધેલ છે કે જ્યારે ગ્લોબલ વાર્મિંગની અસરો ખાસ નહોતી, પણ છેલ્લા ત્રણ દસકોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેમજ અહીં જે વલણ મળ્યું છે તે મુજબ વર્ષમાં હિટવેવ્સના દિવસો ભવિષ્યમાં પણ સતત વધશે. મધ્ય ગુજરાતમાં હીટવેવ્સ માત્ર 0.02 દિવસ પ્રતિ વર્ષ વધ્યા | 1961-1990ના સમયગાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રતિ વર્ષ 8થી 10 હીટવેવ દિવસો હતા જે વધીને 1991-2022 દરમિયાન પ્રતિ વર્ષ 19થી 26 જેટલા નોંધાયા છે. જ્યારે મધ્ય ગુજરાતમાં તે પ્રતિ વર્ષ 19થી 26 જેટલા નોંધાયા છે.