અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અધિકૃત રીતે સત્તા ગ્રહણ કર્યાને બરાબર મહિનો ઉપર થયો. તાજેતરમાં એમણે એક મહિનાની કામગીરીનો હિસાબ આપતી સ્પીચ આપી જે દેખીતી રીતે જ અત્યારે વિશ્વ સ્તરે અને ખાસ કરીને અમેરિકામાં ચર્ચાનો વિષય છે. એ સ્પીચમાં એમણે ઘણી બધી વ્યક્તિઓના એમને અહીં પહોંચાડવાના પ્રદાનને મંચ પરથી બિરદાવ્યું. જેમાં સૌથી વધારે મહત્વની અને વિવાદાસ્પદ વ્યક્તિ હતી-વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ અને ઇનોવેટર ઇલોન મસ્ક! આડેધડ નિર્ણયોના કારણે સતત ચર્ચામાં રહે છે
અમેરિકાના ઔદ્યોગિક અને રાજકીય ફલક પર બહુ ટૂંકા ગાળામાં તેઓ ઉપર આવ્યા એવી લોકમાન્યતા છે. હકીકત તો એ છે કે તે નાનપણથી મહેનત કરી રહ્યા હતા. હા, રાજકારણમાં તેમનું નામ હમણાંથી જ સંભળાતું આવ્યું છે. પોતાના તરંગી દિમાગને કારણે આડેધડ નિર્ણયો લેવાના કારણે તેઓ સતત સમાચારોમાં ચમકતા રહે છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પણ તેમનું નામ એક કરતાં વધુ વખત આવી ગયું છે. ટ્વીટર ખરીદી લીધું, ટ્વીટરનું નામ બદલીને ‘એક્સ’ રાખ્યું અને તેના ઘણા કર્મચારીઓને છુટા કર્યા ત્યારથી તેમનું નામ વિવાદોમાં પણ આવતું થયું છે. એક પછી એક વિવાદ સર્જનારા અને સૌથી સફળ ઉદ્યોગપતિ એવા ઇલોન મસ્ક વિશે જાતભાતની લોકવાયકાઓ સાંભળવા મળે છે! તો એમની જીતમાં જેના યોગદાનને અમેરિકાના રાષ્ટ્રપતિ એ એક કરતાં વધુ વખત બિરદાવું પડે છે એ ઇલોન મસ્ક છે કોણ? ફોર્બ્સ મેગેઝીને તાજેતરમાં અમુક બિલિયન ડોલર્સ ગુમાવ્યા પછી પણ તેમની નેટવર્થ 343 બિલિયન ડોલર આંકી છે. તે હજી પણ વિશ્વના સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિનું બિરુદ ધરાવે છે. એ ઇલોન મસ્ક માટે એક વર્ગ એવું માને છે કે મસ્ક તથા એમના નવીન અને અનન્ય વિચારો દુનિયાને બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે! દક્ષિણ આફ્રિકામાં જન્મ થયો હતો
દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં એક પ્રખ્યાત પરિવારમાં જન્મેલા મસ્ક 1989 માં કેનેડા ગયા. તેમની માતાને કારણે તેમને કેનેડાની નાગરિકતા મળી. તે પછીથી યુ.એસ. ગયા અને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાંથી સ્નાતક થયા પછી કેલિફોર્નિયામાં વ્યવસાયિક સાહસો શરૂ કર્યા. 1995 માં મસ્કે સોફ્ટવેર કંપની Zip2 ની સહ-સ્થાપના કરી. 1999 માં તેના વેચાણ પછી તેમણે X.com ની સહ-સ્થાપના કરી, જે એક ઓનલાઇન કંપની હતી. જે પાછળથી PayPal માં મર્જ થઇ ગઇ. જેને 2002 માં eBay દ્વારા 1.5બિલિયન ડોલરમાં હસ્તગત કરવામાં આવી. તે વર્ષે મસ્ક યુ.એસ. નાગરિક બન્યા. મસ્કની ટેસ્લા કારે અમેરિકામાં સફળતા મેળવી
2002માં મસ્કે સ્પેસએક્સની સ્થાપના કરી અને તેના સીઇઓ અને મુખ્ય ઇજનેર બન્યા. ત્યારથી તેમની કંપની રિયુઝેબલ રોકેટ અને કોમર્શિયલ સ્પેસફ્લાઇટ ક્ષેત્રે ઇનોવેશન માટે પ્રખ્યાત છે અને આજે દરેક એન્જિનિયરનું સપનું સ્પેસએક્સમાં કામ કરવાનું છે. (જો કે મસ્કની સાથે કે મસ્કની ટીમમાં કામ કરવું અઘરું છે) 2004 માં મસ્ક ટેસ્લા ઇન્ક માં પ્રારંભિક રોકાણકાર તરીકે જોડાયા અને 2008 માં તેના સીઇઓ અને ઉત્પાદન આર્કિટેક્ટ બન્યા. આ કંપની ઇલેક્ટ્રિક વાહનોમાં બજારમાં અગ્રણી બની ગઇ છે. આજે અમેરિકામાં દર પાંચમી ગાડીએ તમને એક ટેસ્લા ગાડી જોવા મળશે અને એ ટેસ્લા અને ઇલોન મસ્કની સફળતા દર્શાવે છે. ટ્રમ્પ સરકારમાં નિમણુંક થઇ
2021માં વિશ્વવિખ્યાત ટાઇમ મેગેઝીને જેને ‘પર્સન ઓફ ધ યર’ જાહેર કર્યા એ ઇલોન મસ્ક અહીં ધીરેથી 2022 માં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર ખરીદીને એમની રાજકીય મહત્વકાંક્ષા અને કામનું ફલક વિસ્તારે છે. મસ્ક કદાચ એવા પહેલાં ઉદ્યોગપતિ હશે જે ખુલ્લેઆમ જમણેરી વિચારધારા અને રાઇટ વિંગર વ્યક્તિઓના સમર્થક હશે અને એના વિશે જરા પણ છોછ વગર બોલતા હશે. 2024ની અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી સમયે ચૂંટણી ભંડોળમાં એમનું વ્યક્તિગત નાણાંકીય પ્રદાન સૌથી મોટું હતું એ અલગ વાત છે. જાન્યુઆરી 2025માં ટ્રમ્પ સરકારમાં નવા બનેલા ડિપાર્ટમેન્ટ DOGE (ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિસીયન્સી) ના વડા તરીકે એમની નિમણુંક થઇ અને આ રીતે જાહેરજીવન અને રાજકારણમાં એમની ઓફિશિયલ એન્ટ્રી થાય છે. મસ્ક પાસે 3 દેશોની નાગરિકતા
સાઉથ આફ્રિકા, કેનેડા અને અમેરિકા એમ ત્રણ દેશોની નાગરિકતા ધરાવનાર મસ્ક 10 વર્ષની ઉંમરે જ કોમ્પ્યુટર માટે અગત્યનું પણ અઘરું એવું કોડિંગ શીખીને બ્લાસ્ટર નામની ગેમ બનાવીને એને 500 ડોલરમાં વેચી નાખવાનો રેકોર્ડ ધરાવે છે.’એક્સ’ના માલિક એવા મસ્ક માર્વેલની એક્સ-મેન કોમિક્સના ચાહક છે અને એમણે ટેસ્લા કંપનીના રોબોટ્સના નામ માર્વેલની ફિલ્મના કેરેક્ટર્સ વોલવેરિયન, સ્ટોર્મ અને આઇસમેન પરથી રાખ્યા છે. જેમ્સ બોન્ડ જેવી સબમરિન કારના માલિક ટ્રમ્પ એમના જીવતે જીવ મનુષ્યોને મંગળ ગ્રહ પર લઇ જવાનું સપનું જોવે છે અને એ સપનું સાચું પાડવા રાત દિવસ ટેક્નોલોજીની મદદ લઇને મહેનત કરી રહ્યા છે. 14 બાળકોના પિતા
અસાધારણ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓના રંગસૂત્રો આગળની પેઢી દ્વારા વિસ્તરતા રહેવા જોઇએ એવું માનનાર મસ્ક 14 બાળકોના પિતા છે! ટેક્નોલોજી અને ઇનોવેશન જેની નસ નસમાં વહે છે અને એના દ્વારા દુનિયા અને માનવજાતનો ઇતિહાસ બદલી નાખવાની મહેચ્છા ધરાવનાર ધ ઇલોન મસ્કને તમે ચાહી શકો કે ધિક્કારી શકો પણ અવગણી તો ના જ શકો!