આજે રાજ્યભરમાં હોલિકા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. લોકોએ હોલિકા દહન બાદ પ્રદક્ષિણા કરી પૂજા અર્ચન કર્યું. ગાંધીનગરના પાલજમાં રાજ્યની સૌથી ઊંચી હોલિકાનું દહન કરાયું. પાલજમાં હોલિકા દહન સમયે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પણ લોકોએ હર્ષોલ્લાસ સાથે હોલિકા પર્વની ઉજવણી કરી. હોળીના દિવસે વર્ષા વિજ્ઞાન મુજબ વર્ષનો વરતારો આપવાની પણ પ્રથા ચાલી આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાલજમાં હોળીનું અને પવનની દિશાનું નિરીક્ષણ કરી વરતારો આપ્યો હતો. અંબાલાલે કહ્યું હતું કે, પવનની દિશા જોતા આ વર્ષ આઠથી દસ આની રહેવાની શક્યતા છે. મુખ્યમંત્રી અમદાવાદમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા હતા. ભૂપેન્દ્ર પટેલે વૈદિક હોળીનું પૂજન કરી દર્શન કર્યા હતા. આ પાવન પ્રસંગે પ્રજાજનો માટે પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, આપણો દેશ સંસ્કૃતિ સાથે જોડાયેલો દેશ છે. આપણે સૌ એક સાથે મળી આપણી સંસ્કૃતિને સાથે લઈ હોળીના તહેવારની ઉજવણી કરીએ અને આવતીકાલે ધુળેટીના અવસરે પ્રાકૃતિક રંગોથી રંગાઈને ઉજવણી કરીએ, તેવી તેમણે અપીલ કરી હતી. સાથે જ પ્રજાજનોનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને તેમના જીવનમાં સુખકારી વધે તેવી પ્રાર્થના કરી હતી. દ્વારકામાં પણ ફૂલડોળ ઉત્સવને લઈ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા છે ત્યારે ગોમતી કિનારે સરકારી હોળીનું દહન કરાયા બાદ શહેરમાં અલગ અલગ સ્થળ પર હોલિકા દહન કરાયું હતું. ગોમતીઘાટ અને મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જામનગરમાં 25 ફૂટ ઊંચા હોલિકાના પૂતળાનું દહન કરાયું
જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા યોજાતા હોલિકા મહોત્સવમાં હોલિકાના 25 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરાયું હતું. આ સમયે હજારોની સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં વર્ષોથી ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા અનુસાર હોલિકા મહોત્સવનું આયોજન થાય છે. અંબાલાલે 2023માં કહ્યું- વર્ષ સારું રહેશે અને સારું પણ રહ્યું
વર્ષ 2023માં નૈઋત્યનો પવન ફૂંકાયો હતો. હોળીની જ્વાળા પણ નેઋત્ય દિશામાં ગઈ હતી. જે સમયે અંબાલાલે કહ્યું હતું કે, આ વખતનું ચોમાસું ખૂબ સારું રહેશે ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે જ્યારે ચોમાસાની શરૂઆત તોફાન અને શાંતિથી થશે જેથી લોકોથી સાવચેત રહેવાની સૂચના પણ આપી હતી.2023માં ગુજરાતમાં ચોમાસું પણ સરરેાશ કરતા સારું રહ્યું હતું. 2023માં સિઝનનો સરેરાશ 108 ટકા વરસાદ વરસ્યો હતો. વર્ષ 2024માં જ્યોતિષકારે કહ્યું- બાર આની વર્ષ રહેશે, સરેરાશ વરસાદ 126 ટકા થયો
2024માં જ્યોતિષાચાર્ય આશિષ રાવલે વરતારો આપતા જણાવ્યું હતું કે, હોળી પ્રગટાવવાની સાથે અગ્નિ જ્વાલા ધીમે ધીમે સીધી ઉપરની તરફ ભભૂકવા માડી હતી. વધઉ ગરમ પવનનો સખત અહેસાસ થયો હતો. હોળીની જ્વાલળા પૂર્વથી પશ્ચિમ વચ્ચે નૈઋત્ય દિશા તરફ પવનના સુસુવાટા વધવાથી રોગ માંદગી વકરી શકે છે. આ સાથે જ્વાળા બાર આની વરસાદ પડવાનો શુભ સંકેત આપ્યો હતો. 2024માં રાજ્યમાં સિઝનનો 126 ટકા વરસાદ વરસ્યો હતો. એટલે કે સરેરાશ કરતા 26 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં હોલિકા દહનની પળેપળની વિગત આગળ જુઓ…