પાલીતાણા તાલુકાના રાણપરડા ગામમાં એક ચકચારી ઓનર કિલિંગની ઘટના સામે આવી છે, જેમાં 19 વર્ષીય યુવતીની તેના પિતા અને કાકાએ નિર્દયી રીતે હત્યા કરી નાંખી હતી. આ ઘટના 7મી માર્ચના રોજ સવારે 7થી 8 વાગ્યાના સમયગાળામાં બની હતી. જલ્પા રાઠોડ નામની યુવતી અન્ય જ્ઞાતિના યુવક સાથેના પ્રેમ સંબંધમાં હતી, જે તેના પરિવાર માટે ઈજ્જતનો સવાલ બની ગઈ હતી. પિતા દીપક ધીરુભાઈ રાઠોડ અને કાકા ભાવસંગ ઉર્ફે લાલજી રાઠોડે આ સંબંધને કારણે આ દીકરીનું ઓનર કિલિંગ કર્યુ હતું. ત્યારબાદ મૃતદેહને સ્મશાનમાં સળગાવી દીધો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી છે. સમગ્ર બનાવ શું છે, કોણ છે નજરે જોનાર?
જલ્પાબેનને તેના પિતા સુરતથી રાણપરડા ગામે લાવ્યા હતા. ત્યાં કાકા ભાવસંગે પ્રથમ તેને માર માર્યો હતો. ત્યારબાદ પિતાએ તેની પુત્રીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી. આ સમગ્ર ઘટના જલ્પાની નાની બહેનની સામે જ બની હતી. પિતાએ નાની બહેનને આ ઘટનાની જાણ કોઈને ન કરવા ધમકી આપી હતી. પુરાવા નાશ કરવાનો પ્રયાસ
હત્યા બાદ પિતા અને કાકાએ મૃતદેહને રાણપરડા ગામના સ્મશાનમાં સળગાવી દીધો હતો, જેથી કોઈ પુરાવા ન રહી જાય. સગી દીકરીને સમાજમાં માનમોભો બચાવવા મોતને ઘાટ ઉતારી હતી. પોલીસની કાર્યવાહી
પાલીતાણા ડીવાયએસપી મિહિર બારીયાના જણાવ્યા મુજબ, પોલીસે પિતા દીપક રાઠોડ અને કાકા ભાવસંગ રાઠોડની ધરપકડ કરી લીધી છે. તેમની વિરુદ્ધ પાલીતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં હત્યા, પુરાવાનો નાશ કરવા અને માર મારવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં બંને આરોપીઓ રાણપરડા ગામેથી ઝડપાઈ ગયા છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.