બાંગ્લાદેશી ખેલાડી મહમુદુલ્લાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. બુધવારે, મહમુદુલ્લાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર નિવૃત્તિની જાહેરાત કરી. 39 વર્ષીય મહમુદુલ્લાહ 2021માં ટેસ્ટ અને 2024માં T20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેણે કુલ 430 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. મહમુદુલ્લાહ બાંગ્લાદેશ તરફથી વન-ડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા ક્રમે છે. તેણે 36.46 ની સરેરાશથી 5689 રન બનાવ્યા, જેમાં 4 સદી અને 32 અડધી સદીનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશ માટે વનડેમાં મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન અને તમીમ ઇકબાલે મહમુદુલ્લાહ કરતા વધુ રન બનાવ્યા છે. મને ખબર છે કે લાલ અને લીલા જર્સીમાં મને યાદ કરવામાં આવશે: મહમુદુલ્લાહ
મહમુદુલ્લાહે પોતાની પોસ્ટ પર લખ્યું, ‘મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. હું મારા બધા સાથી ખેલાડીઓ, કોચ અને ખાસ કરીને મારા ચાહકોનો આભાર માનું છું જેમણે હંમેશા મને ટેકો આપ્યો છે. મારા ભાઈ ઇમદાદ ઉલ્લાહનો ખૂબ ખૂબ આભાર, જે બાળપણથી જ મારા કોચ અને માર્ગદર્શક તરીકે મારી સાથે રહ્યા છે.’ તેણે આગળ કહ્યું, ‘મારી પત્ની અને બાળકોનો આભાર, જેમણે દરેક મુશ્કેલ સમયમાં મને સાથ આપ્યો છે. મને ખબર છે કે લાલ અને લીલા જર્સીમાં મને યાદ કરવામાં આવશે. બધું જ સંપૂર્ણ રીતે સમાપ્ત થતું નથી.’ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર બાદ ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ હતું
ચેમ્પિયન્સ ટ્રોફી પછી, મહમુદુલ્લાહ અને મુશફિકુર રહીમ બંનેનું રાષ્ટ્રીય ટીમમાં સ્થાન પ્રશ્નાર્થમાં આવી ગયું. રહીમે તાજેતરમાં જ વન-ડેમાંથી નિવૃત્તિ લીધી છે અને હવે મહમુદુલ્લાહે પણ એવું જ કર્યું છે. અગાઉ, મહમુદુલ્લાહે બોર્ડને ફેબ્રુઆરી 2025 પછી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે તેમની પસંદગી ન કરવા વિનંતી કરી હતી. વન-ડે વર્લ્ડ કપમાં 3 સદી ફટકારનાર એકમાત્ર બાંગ્લાદેશી
મહમુદુલ્લાહ એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી છે જેણે ODI વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારી છે. આમાંથી 2 સદી 2015ના વર્લ્ડ કપમાં અને 2023ના વર્લ્ડ કપમાં એક સદી ફટકારી હતી. મહમુદુલ્લાહે બાંગ્લાદેશ તરફથી 239 વન-ડે, 50 ટેસ્ટ અને 141 T20 મેચ રમી હતી. 5 મહિના પહેલા T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી
મહમુદુલ્લાહે ઓક્ટોબરમાં ભારત સામે રમાયેલી સિરીઝમાં T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં ભારત સામે પોતાની છેલ્લી T20 મેચ રમી હતી. મુશફિકુર 6 માર્ચે નિવૃત્ત થયો
બાંગ્લાદેશનો બેટર મુશફિકુર રહીમે પણ આ અઠવાડિયે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. મુશફિકરે તેના ફેસબુક પેજ પર આ વાતની જાહેરાત કરી હતી. મુશફિકુરની વન-ડે કારકિર્દી 19 વર્ષની હતી. તે બાંગ્લાદેશનો ભૂતપૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યો છે. રહીમ એકમાત્ર બાંગ્લાદેશી છે જેણે ટેસ્ટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. તેણે 2022 વર્લ્ડ કપ પછી T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…