યમુના નદીના 33 માંથી 23 સાઈટ્સ વોટર ક્વોલિટી ટેસ્ટમાં ફેલ ગઈ છે. અહીંના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ લગભગ શૂન્ય હોવાનું જાણવા મળ્યું છે. જળ સંસાધન અંગેની સંસદીય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ મંગળવારે (11માર્ચ) સંસદમાં આ રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટ 33 સાઈટ્સના મોનિટરિંગના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આમાં દિલ્હીની 6 સાઇટ્સનો પણ સમાવેશ થાય છે. પેનલના જણાવ્યા અનુસાર, 23 સાઈટ્સના રિપોર્ટમાં ચોંકાવનારી વાતો પ્રકાશમાં આવી છે. આ સ્થળોએ, પાણીમાં ઓક્સિજનનું સ્તર શૂન્ય હોવાનું જાણવા મળ્યું છે. પાણીમાં રહેલ ઓક્સિજન નદીના જીવનને ટકાવી રાખવાની ક્ષમતાને દર્શાવે છે. દિલ્હીમાં યમુના નદી સ્વચ્છતા પ્રોજેક્ટ અને નદીના પટ વ્યવસ્થાપન પરના તેના રિપોર્ટમાં, પેનલે ચેતવણી આપી હતી કે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ના નિર્માણ અને અપગ્રેડેશન છતાં, પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધુ રહે છે. જાન્યુઆરી 2021 થી મે 2023 વચ્ચે કરવામાં આવેલી તપાસ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે મળીને જાન્યુઆરી 2021 અને મે 2023 વચ્ચે 33 સ્થળોએ પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું. તેનું પરીક્ષણ ચાર મુખ્ય પરિમાણો – ભળેલો ઓક્સિજન (DO), pH, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) અને ફેકલ કોલિફોર્મ (FC) પર કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડ-હિમાચલમાં પરિસ્થિતિ સુધરી રિપોર્ટ મુજબ, 33 મોનિટરિંગ સાઇટ્સમાંથી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 4 – 4 સાઇટ્સ પાણીની ગુણવત્તાના માપદંડોને પૂર્ણ કરે છે. હરિયાણામાં બધા 6 સાઈટ્સ નિષ્ફળ ગઈ. 2021માં દિલ્હીની 7 માંથી કોઈ પણ સાઇટ ધોરણોનું પાલન કરતી નહોતી, જો કે 2022 અને 2023માં પલ્લા સાઇટમાં સુધારો જોવા મળ્યો હતો. યમુનાના તળિયે જમા થયેલો કાટમાળ મોટી ચિંતાનો વિષય યમુના નદીના તળિયે જમા થયેલો કાટમાળ એક મોટી ચિંતાનો વિષય છે. દિલ્હી સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ દ્વારા CSIR-NEERI ના સહયોગથી એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આમાં ચોમાસા પહેલાના સમયગાળા દરમિયાન ઓલ્ડ આયર્ન બ્રિજ, ગીતા કોલોની અને ડીએનડી બ્રિજના ઉપરના ભાગ જેવા મુખ્ય સ્થળોએથી કાદવના સેમ્પલ કલેક્ટ કરાયા હતો. આ સેમ્પલમાં ક્રોમિયમ, તાંબુ, સીસું, નિકલ અને ઝીંક જેવી ભારે ધાતુઓનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. પેનલ નિયંત્રિત ડ્રેજિંગની ભલામણ કરે છે આ ઝેરી કાદવ દૂર કરવા માટે પેનલે નિયંત્રિત ડ્રેજિંગની ભલામણ કરી. તેણે ચેતવણી પણ આપી હતી કે તે આરોગ્ય માટે ગંભીર જોખમ છે અને નદીની ગુણવત્તામાં બગાડનું મુખ્ય કારણ બની શકે છે. ડ્રેજિંગથી નદીના પટને અસ્થિર કરવાનો ભય છે. જો કે, રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન (NMCG) એ ચિંતા વ્યક્ત કરી હતી કે મોટા પાયે ડ્રેજિંગ નદીના પટને અસ્થિર કરી શકે છે અને પર્યાવરણીય અધોગતિનું કારણ બની શકે છે. પેનલે યમુનામાં પર્યાવરણીય પ્રવાહ (ઈ-ફ્લો) જાળવવામાં નિષ્ફળતાને પણ ચિહ્નિત કરી. યમુના બેસિન રાજ્યો વચ્ચે 1994ના સમજૂતી કરાર મુજબ, હરિયાણાએ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે હાથણી કુંડ બેરેજમાંથી 10 ક્યુમેક પાણી છોડવું જરૂરી છે. જો કે, સમિતિએ જાણ્યું કે આ પ્રવાહ અપૂરતો છે, કારણ કે તેનો મોટાભાગનો પ્રવાહ દિલ્હી પહોંચતા પહેલા બાષ્પીભવન થાય છે. દિલ્હીમાં અનધિકૃત ઉદ્યોગોનો ડેટા સ્પષ્ટ નથી રિપોર્ટમાં દિલ્હીમાં કાર્યરત અનધિકૃત ઉદ્યોગોના ડેટાના અભાવની પણ ટીકા કરવામાં આવી હતી. દિલ્હી રાજ્ય ઔદ્યોગિક અને માળખાગત વિકાસ નિગમ (DSIIDC) એ પેનલને જાણ કરી કે તે ફક્ત 28 માન્ય ઔદ્યોગિક વિસ્તારોનું નિરીક્ષણ કરે છે. આમાંથી, 17 વિસ્તારો 13 કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) સાથે જોડાયેલા છે. બાકીના 11 વિસ્તારોને પાણી પ્રદૂષિત કરતા ઔદ્યોગિક વિસ્તારો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા નથી. જો કે, પેનલે જણાવ્યું હતું કે અનધિકૃત ઔદ્યોગિક એકમો યમુનામાં પ્રોસેસ કર્યા વિનાનું ગંદુ પાણી છોડતા હતા તેનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. પેનલે ભલામણ કરી હતી કે દિલ્હી સરકાર આવા એકમોને ઓળખવા અને પ્રદૂષણ નિયંત્રણ પગલાંને મજબૂત બનાવવા માટે એક અભ્યાસ હાથ ધરે. પેનલે ઘરેલું ગટરના પાણીના શુદ્ધિકરણમાં નિષ્ફળતા તરફ પણ ધ્યાન દોર્યું હતું. અહેવાલ મુજબ, લગભગ 22 મુખ્ય નાળાઓ પ્રોસેસ ન કરાયેલ સીવેજને સીધી યમુનામાં છોડે છે. યમુના દિલ્હીમાં 40 કિલોમીટરના વિસ્તારમાંથી વહે છે. તે પલ્લા ખાતે હરિયાણામાં પ્રવેશે છે અને અસગરપુર ખાતે ઉત્તર પ્રદેશમાં નીકળે છે.