રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મારી રેગિંગ કર્યાની ઘટના દર્દનાક છે. ત્યારે આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સામે કોઈ પગલાં લેવામાં ન આવતા આજે AAPની વિદ્યાર્થી પાંખ CYSS (છાત્ર યુવા સંઘર્ષ સમિતિ) દ્વારા DEO કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જો આ ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારીને થોડી પણ શરમ હોય તો તેઓ પોતાના ઘરે પોતાના શરીર ઉપર બે પટ્ટા મારે તો વિદ્યાર્થીની વેદના સમજાશે તેમ કહી કાર્યકર્તાઓએ પોતે પહેરેલો બેલ્ટ કાઢી પોતાના શરીર ઉપર પટ્ટા મારવાનું શરૂ કર્યુ હતું. જોકે આ સમયે હાજર પોલીસે 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ દરમિયાન છેલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર રાજીનામું પણ માગવામાં આવ્યું હતું. તો રેગિંગની ઘટના બાબતે રાજ્ય સરકાર દ્વારા ખરડો પસાર કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ અન્ય છાત્રો ઉપર રેગિંગ કરે છે તેઓને સ્કૂલમાંથી દૂર કરવાની સાથે ત્રણ વર્ષ સુધી ભણતરથી દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ NSUI દ્વારા પણ ગુજરાતમાં રેગિંગની ઘટનાઓ મામલે શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ છે. DEO પોતાના શરીર પર 2 પટ્ટા મારી જુએઃ સુરજ બગડા
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ગણાતા CYSSના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને રાજકોટના પ્રમુખ સુરજ બગડાએ જણાવ્યું હતું, રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સમાં એક વિદ્યાર્થીનું અન્ય વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું, જેમાં તે વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પટ્ટાથી બેરહેમીથી માર મારવામાં આવે છે. તેમના વાલી ન્યાય માટે પોકાર કરી રહ્યા છે, ત્યારે સ્કૂલ દ્વારા માત્ર રેગિંગ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી દૂર કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી પણ જાણે પાણીમાં બેસી ગયા હોય તેમ એક નોટિસ આપવાની હિંમત પણ દર્શાવી નથી. જે દર્શાવે છે કે, જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલ સામે કોઈ પગલા લેવા માગતા નથી, જેથી અમારી સ્પષ્ટ માંગણી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી પોતાના પદ ઉપરથી રાજીનામું આપે અને પોતાના શરીર ઉપર 2 પટ્ટા મારી જુએ તો સમજાશે કે જે વિદ્યાર્થી પર ત્રાસ ગુજર્યો છે, તેની વેદના શું છે. શું હતો સમગ્ર મામલો?
આ સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરીએ તો સુત્રાપાડા તાલુકાનો વિદ્યાર્થી ધોરણ આઠથી રાજકોટની SOS સંસ્થામાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જેને પરીક્ષા પહેલાં સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ જ્ઞાતિ પ્રત્યે મજાક ઉડાવી પટ્ટા અને ઢીંકાપાટુથી ઢોરમાર માર્યો હતો. પરીક્ષા પત્યા બાદ વિદ્યાર્થીએ પોતાના પિતાને આ વાતની જાણ કરતાં પિતા સ્કૂલે પહોંચ્યા હતા અને શાળા સંચાલકોની દેખરેખ સામે સવાલો ઊભા કરી હોબાળો મચાવ્યો હતો. આ બાદ પિતાએ પોતાના પુત્રને જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને આરોપીઓ સામે પગલાં ભરવા માંગ કરી છે. મને રૂમમાં બોલાવીને પટ્ટે-પટ્ટે માર્યો: વિદ્યાર્થી
આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું રાજકોટ SOSમાં 12 સાયન્સમાં ભણું છું. મારી પરીક્ષાને થોડા દિવસની વાર હતી, ત્યારે મને સાત-આઠ છોકરાએ પટ્ટાથી માર્યો. હું ઘરે કહેવાનો હતો પણ મારે પેપર હતું એટલે મેં સહન કર્યું. પેપર પત્યા પછી મેં મારા પપ્પાને વાત કરી હતી. કારણ જણાવતા ભોગ બનનાર વિદ્યાર્થીએ કહ્યું હતું કે, અગાઉ અમે મસ્તી કરતા હતા પણ પછી સમાધાન કર્યું હતું. એ બાદ મને રૂમમાં બોલાવીને માર્યો. એ લોકોએ ફરિયાદ કરવાની ના પાડી અને મારા પપ્પાનો ફોન લઇ લેતા હતા એટલે અમે ત્યાંથી માંડ નીકળ્યા અને અહીં જૂનાગઢ આવીને દાખલ થયા. એ લોકો જાતિ પ્રત્યે પણ હડધૂત કરતા હતા. છોકરાએ ઘરે આવવાની જીદ કરી એટલે મને શંકા ગઇ: પિતા
ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, હું સુત્રાપાડાનો રહેવાસી છું અને વ્યવસાયે સરકારી શિક્ષક છું. મારો છોકરો રાજકોટ SOSમાં પાંચ વર્ષથી અભ્યાસ કરે છે. જેને 12 સાયન્સની પરીક્ષા ચાલુ હતી, ત્યારે 10 તારીખના રોજ મને છોકરાએ ફોન કર્યો કે પપ્પા મારે ઘરે આવવું છે, અહીં રહેવું નથી. મારી પરીક્ષા પૂરી થઇ ગઇ છે. મેં સમજાવ્યો પણ એણે જીદ કરી તો મને શંકા ગઇ એટલે હું ત્યાં ગયો. ત્યારે મને જાણ થઇ કે છોકરાને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. છોકરાને જાતિ પ્રત્યે પણ હડધૂત અને વારંવાર ધમકી આપીને માનસિક ટોર્ચર કરવામાં આવતો હતો. મને સંસ્થાએ કહ્યું કે તમારે કંઇ કરવાનું થતું નથી. મેનેજમેન્ટે મને સાંભળ્યો પણ નથી: પિતા
ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ વધુમાં જણાવ્યું કે, SOS સંસ્થામાં અગાઉ પણ ત્રણ છોકરાઓને માર મારવામાં આવ્યો હતો અને એમના વાલીઓને સમજાવીને મામલો દબાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ સંસ્થામાં અગાઉ એક છોકરાએ આત્મહત્યા પણ કરી હતી. સંસ્થાનું મેનેજમેન્ટ બધું જાણવા હોવા છતાં ક્યાંક ઊણું ઊતર્યું છે. મારા છોકરાને મારનાર છોકરાઓને પણ મેનેજમેન્ટે ઘરે મોકલી દીધા છે. મને સાંભળવામાં પણ નથી આવ્યો. મારો છોકરો સ્ટોપર ખોલીને ભાગી ગયો બાકી આઠ-દસ છોકરાઓ એને મારી નાખત. જૂનાગઢ દાખલ એટલે થયા કે રાજકોટમાં અમને સલામતીનો ડર હતો. મારા દીકરાની જવાબદારી સ્કૂલની હતી: માતા
વિદ્યાર્થીની માતાએ જણાવ્યું કે, મારો દીકરો ધોરણ 8થી 5 વર્ષ સુધી રાજકોટની SOS સ્કૂલમાં ભણતો હતો. તે લોકો મારા દીકરાને ખૂબ જ હેરાન કરતા હતા, પરંતુ મારો દીકરો કોઈને વાત નહોતો કરતો. પણ આ વખતે એને ખૂબ જ ગંભીર રીતે માર મારવામાં આવ્યો છે.મારા દીકરાની જવાબદારી સ્કૂલની હતી, અમે એમના ભરોસે દીકરાને ત્યાં મૂક્યો હતો. આમાં દીકરાને મારનારને એવી સજા થવી જોઈએ કે અન્ય કોઈ દીકરા સાથે આવું ના બને. મને લાગે છે કે, મારો દીકરો ભણવામાં હોશિયાર હોવાથી એ લોકોને ઈર્ષા થતી હતી અને એટલે જ આવું કાવતરું રચવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે માફીપત્રો લખાવ્યાં: મેનેજમેન્ટ
આ અંગે ખુલાસો આપતા SOSના ટ્રસ્ટી ધર્મેશ પટેલે બુધવારે જણાવ્યું હતું કે, આ સ્કૂલમાં ભણતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને અન્ય 6 થી 7 વિદ્યાર્થીઓએ એક સંપ થઈને રૂમમાં માર માર્યો હતો. જે બાદ આ વિદ્યાર્થીના વાલીને બોલાવવામાં આવ્યા હતા. વાલીનો આગ્રહ હતો કે અન્ય વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ માફી માગી લે તો આ પ્રકરણમાં આગળ કંઈ કરવું નથી, જેથી અમે અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પાસે માફીપત્રો લખાવ્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ એક સંપ કરી માર માર્યો છે તે વિદ્યાર્થીઓને શાળામાંથી દૂર કરવામાં આવ્યા છે. અહીં 500 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. ગુજરાતમાં રેગિંગની ઘટનાઓ મામલે પ્રદેશ NSUIની શિક્ષણમંત્રીને રજૂઆત
ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, દિન-પ્રતિદિન ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી રેગિંગની ઘટનાઓ સામે આવે છે. સ્કૂલના વિધાર્થીઓને રેગિંગના કિસ્સા હોય કે મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતું રેગિંગ હોય આ ઘટનાઓ સમગ્ર શિક્ષણ જગત અને માનવ જગતમાં એક ચિંતાનો વિષય છે. હાલના સમયમાં જ 3 જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ધંધુકાની સ્કૂલની રેગિંગની ઘટના હોય કે ભાવનગર મેડિકલ કોલેજની ઘટના હોય કે રાજકોટની SOS સ્કૂલની રેગિંગની ઘટનાઓ આ ખૂબ જ ચિંતાજનક છે. અમારો આક્ષેપ છે કે, આ ઘટનાઓ ક્યાંકને ક્યાંક મેનેજમેન્ટ દ્વારા રાખવામાં ન આવતી કાળજીને કારણે થાય છે. ખાનગી શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થાઓને માત્રને માત્ર ફી સાથે જ લેવાદેવા હોય છે. લાખો રૂપિયા ઉઘરાવતી સ્કૂલો-કોલેજોની જવાબદારી હોય છે કે તેઓ પોતાની સંસ્થામાં કોઈ પણ વિધાર્થીઓ સાથે રેગિંગ અથવા તો કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેનુ ઘ્યાન રાખે. મેનેજમેન્ટની નાકામયાબીના હિસાબે આવા રેગિંગના બનાવો બને છે જેથી અમારું માનવું છે કે જેટલા આ બનાવમાં વિદ્યાર્થી ગુનેગાર છે. એટલું જ મેનેજમેન્ટ પણ ગુનેગાર છે. અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે, આવા કિસ્સાઓ હવે ન બને તે માટે ખાસ કાળજી રાખવી જોઈએ. આ સમગ્ર બનાવોમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.